ICC મહિલા વર્લ્ડ કપ ૨૦૨૫: ભારતે વર્લ્ડકપની પ્રથમ મેચમાં શ્રીલંકાને ૫૯ રને હરાવ્યું

પ્રથમ મેચમાં ભારતે શ્રીલંકાને ડકવર્થ-લુઇસ-સ્ટર્ન (DLS) નિયમ મુજબ ૫૯ રને પરાજય આપ્યો. શ્રીલંકાની ટીમને ૨૭૧ રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેના જવાબમાં તે ૪૫.૪ ઓવરમાં ૨૧૧ રન પર ઓલઆઉટ થઈ ગઈ.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ICC વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૫ માં શાનદાર પ્રારંભ કર્યો છે. ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં રમાયેલી વરસાદ પ્રભાવિત પ્રથમ મેચમાં ભારતે શ્રીલંકાને ડકવર્થ-લુઇસ-સ્ટર્ન (DLS) નિયમ મુજબ ૫૯ રને પરાજય આપ્યો. શ્રીલંકાની ટીમને ૨૭૧ રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેના જવાબમાં તે ૪૫.૪ ઓવરમાં ૨૧૧ રન પર ઓલઆઉટ થઈ ગઈ.

ભારતની જીતની હીરો ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા રહી, જેને ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવી. દીપ્તિએ બેટિંગમાં ૫૩ રન બનાવ્યા અને બોલિંગમાં ત્રણ વિકેટ ઝડપી. દીપ્તિ ઉપરાંત અમાનજોત કૌરે પણ ૫૭ રનની શાનદાર ઇનિંગ રમી, જ્યારે હરલીન દેઓલે ૪૮ અને પ્રતિકા રાવલે ૩૮ રનનું યોગદાન આપ્યું. ભારત ૪૭ ઓવરમાં ૮ વિકેટે ૨૬૯ રન બનાવ્યા હતા.

એક સમયે ભારતે ૧૨૪ રનમાં ૬ વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારે દીપ્તિ અને અમાનજોતે સાતમી વિકેટ માટે ૧૦૩ રનની મજબૂત ભાગીદારી કરીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી.

બોલિંગમાં દીપ્તિને સાથ આપતા સ્નેહ રાણા અને શ્રી ચરણે બે-બે વિકેટ લીધી હતી. શ્રીલંકા તરફથી કેપ્ટન ચામરી અટ્ટાપટ્ટુએ સર્વાધિક ૪૩ રન બનાવ્યા હતા, પરંતુ તે ટીમને જીત તરફ લઈ જઈ શકી નહોતી. ભારત અને શ્રીલંકા આ ટૂર્નામેન્ટના સંયુક્ત યજમાન છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!