ગુજરાતમાં બાળકો પર ડાયાબિટીસનું જોખમ: 21% કિશોરો પ્રિ-ડાયાબિટિક, દેશની સરેરાશ કરતાં બમણું પ્રમાણ

ગુજરાતમાં ડાયાબિટીસનો ગંભીર વધારો: ચિલ્ડ્રન ઇન ઇન્ડિયા 2025 રિપોર્ટ મુજબ 10-19 વર્ષના 20.90% બાળકો પ્રિ-ડાયાબિટિક. જાણો કારણો, અન્ય આરોગ્ય જોખમો અને નિષ્ણાતોના મંતવ્યો.

અમદાવાદ, સોમવાર
ગુજરાતમાં ડાયાબિટીસના વધતા જતા કેસોએ ગંભીર ચિંતાનો વિષય ઊભો કર્યો છે. માત્ર વયસ્કો જ નહીં, પણ રાજ્યના બાળકોમાં પણ ડાયાબિટીસનું જોખમ ઝડપથી વધી રહ્યું છે. મિનિસ્ટ્રી ઓફ સ્ટેટેટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન દ્વારા તાજેતરમાં રજૂ કરાયેલ ચિલ્ડ્રન ઇન ઇન્ડિયા 2025ના અભ્યાસના આંકડા રાજ્યના આરોગ્ય માટે ચેતવણીરૂપ છે.

બાળકોમાં પ્રિ-ડાયાબિટીસનું પ્રમાણ ચોંકાવનારું
વર્ષ 2016થી 2023 વચ્ચેના આરોગ્ય અને પોષણના આંકડાઓ પર આધારિત આ અહેવાલ મુજબ, ગુજરાતમાં 10થી 19 વર્ષના વયજૂથમાં 20.90 ટકા બાળકો પ્રિ-ડાયાબિટિક કેટેગરીમાં આવે છે. આ આંકડો દેશની સરેરાશ કરતાં લગભગ બમણો છે, જે ગુજરાતના બાળકોમાં ડાયાબિટીસની શરૂઆતનું ઊંચું જોખમ સૂચવે છે.

આ ઉપરાંત, 10થી 19 વર્ષની ઉંમરના 2.9 ટકા બાળકો ડાયાબિટીસથી પીડિત છે, જે દેશની સરેરાશ 0.6 ટકા કરતાં પાંચ ગણુંથી પણ વધુ છે.

નાના બાળકો પણ જોખમમાં
સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે ડાયાબિટીસનું આ જોખમ હવે નાના બાળકોમાં પણ દેખાઈ રહ્યું છે. 5થી 9 વર્ષની વયજૂથમાં પણ 20.8 ટકા બાળકો પ્રિ-ડાયાબિટિક હોવાનું નોંધાયું છે. આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે જોખમનો વ્યાપ કેટલો ઝડપથી ફેલાઈ રહ્યો છે.

ડાયાબિટીસ સાથે અન્ય રોગોનું જોખમ
અહેવાલમાં સામે આવેલી અન્ય વિગતો પણ આરોગ્ય સંકટ તરફ ઇશારો કરે છે. ગુજરાતના બાળકોમાં ડાયાબિટીસ અને હૃદયરોગના જોખમને વધારતા અન્ય પરિબળો પણ નોંધાયા છે, જેમાં નીચેના ટકાવારીનો સમાવેશ થાય છે:

* હાઈપરટેન્શન: 6.4 ટકા
* હાઈ કોલેસ્ટરોલ: 4.4 ટકા
* હાઈ ટ્રાયગ્લિસરાઈડ્સ: 17.4 ટકા
* લો એચડીએલ: 25.4 ટકા

વયસ્કોમાં પણ સ્થિતિ ગંભીર
માત્ર બાળકો જ નહીં, પરંતુ વયસ્કોમાં પણ ગુજરાતમાં ડાયાબિટીસના કેસ ઊંચા છે. 3 કરોડથી વધુ વસતી ધરાવતા રાજ્યમાં ડાયાબિટીસના સૌથી વધુ દર્દીઓમાં ગુજરાત મહિલા દર્દીઓને મામલે ચોથા અને પુરુષ દર્દીઓને મામલે પાંચમા સ્થાને છે.

અનિયમિત જીવનશૈલી મુખ્ય કારણ
નિષ્ણાતો આ વધતા જતા જોખમ માટે અનિયમિત ખોરાકની ટેવો, વધુ પડતું જંકફૂડનું સેવન અને કસરતનો અભાવ મુખ્ય કારણો ગણાવે છે. સ્ક્રીન ટાઇમમાં વધારો અને બહાર રમવાની સંસ્કૃતિમાં ઘટાડાને લીધે બાળકોની શારીરિક પ્રવૃત્તિ ઘટી છે, જે સીધી રીતે સ્થૂળતા અને ડાયાબિટીસ તરફ દોરી જાય છે. બાળકો મોબાઈલને બદલે રમતના મેદાન પર પૂરતો સમય વિતાવે તે સમયની તાતી જરૂરિયાત છે.

અમદાવાદીઓનું ખાંડ સેવન
શહેરી જીવનશૈલીમાં ખાંડનું સેવન પણ મોટું પરિબળ છે. ખાંડના દૈનિક સરેરાશ સેવનના મામલે અમદાવાદ દેશમાં બીજા સ્થાને છે. અમદાવાદીઓ દરરોજ સરેરાશ 25.90 ગ્રામ ખાંડનું સેવન કરે છે. મુંબઈ 26.30 ગ્રામ સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે દિલ્હી 23.20 ગ્રામ સાથે ત્રીજા સ્થાને છે.

નિઃશંકપણે, ગુજરાત માટે આ અહેવાલ એક મોટી ચેતવણી છે. રાજ્યના ભાવિ એવા બાળકોમાં ડાયાબિટીસનું આ બીજ આવનારા સમયમાં રાજ્ય માટે એક મોટું આરોગ્ય સંકટ બની શકે છે, જેના પર તાત્કાલિક ધ્યાન આપવું જરૂરી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!