દરેક સફળતાની ગાથા પાછળ સંઘર્ષ, સમર્પણ અને પરિવારનો અદમ્ય વિશ્વાસ છુપાયેલો હોય છે. દહેગામ તાલુકાના એક યુવાન તન્મય પ્રવીણભાઈ પટેલ,ની કહાણી આવી જ છે.
દરેક સફળતાની ગાથા પાછળ સંઘર્ષ, સમર્પણ અને પરિવારનો અદમ્ય વિશ્વાસ છુપાયેલો હોય છે. દહેગામ તાલુકાના એક યુવાન તન્મય પ્રવીણભાઈ પટેલ,ની કહાણી આવી જ છે. એક સામાન્ય પરિવારનો દીકરો જેણે માત્ર સપના નહોતા જોયા, પણ તેને સાકાર કરવાની જીદ પણ જાત સાથે વણી લીધી, અને આજે તેણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) ઇન્ટરમીડિયેટની પરીક્ષામાં સમગ્ર ભારતમાં 6ઠ્ઠો રેન્ક (ઓલ ઇન્ડિયા રેન્ક – 6) મેળવીને ગુજરાતનું નામ રોશન કર્યું છે. તન્મયની આ સિદ્ધિ દહેગામ જેવા નાના તાલુકામાંથી નીકળેલા વિદ્યાર્થીના અથાક પરિશ્રમ અને સ્વયં શિસ્તનું પ્રમાણપત્ર છે.
તન્મયનું બાળપણ દહેગામમાં વીત્યું. તે નાનપણથી જ અભ્યાસમાં તેજસ્વી હતો. દહેગામ ઇન્ટરનેશનલ સ્કૂલનો ભૂતપૂર્વ વિદ્યાર્થી તન્મયે ગુરુકુલ એજ્યુકેશનના માર્ગદર્શન હેઠળ પોતાની કારકિર્દીનો મજબૂત પાયો નાખ્યો હતો. તેણે ધોરણ 10 (અંગ્રેજી માધ્યમ)માં 94 ટકા સાથે અને ધોરણ 12 કોમર્સ (અંગ્રેજી માધ્યમ)માં 93% સાથે એમ બંનેમાં તાલુકામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ શાનદાર પરિણામોએ માત્ર શાળાનું જ નહીં, પણ સમગ્ર તાલુકાનું ગૌરવ વધાર્યું હતું.

તન્મયના પિતા, પ્રવીણભાઈ, એક ખાનગી નોકરી કરે છે, અને માતા કપિલાબેન ગૃહિણી છે. પરિવારમાં કોઈ આ ‘ચાર્ટર્ડ એકાઉન્ટન્સી’ (CA)ના મુશ્કેલ ક્ષેત્રમાં નહોતું, છતાં તન્મયે આ કપરી ગણાતી લાઈન પસંદ કરી. પિતા પ્રાઈવેટ જોબ કરી દીકરાને ભણાવતા અને તન્મયની એક જ ઇચ્છા હતી: ઊંચો અભ્યાસ કરીને પરિવારનું નામ રોશન કરવું. આ ઈચ્છા માત્ર સપનું નહોતી, પણ તેના માટેની પ્રેરણા હતી. હાલમાં બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહેલા તન્મયે પ્રથમ પ્રયત્ને જ CA ઇન્ટરમીડિયેટમાં ઑલ ઇન્ડિયા 6ઠ્ઠો રેન્ક મેળવ્યો, જેણે પરિવારના સભ્યોની મહેનતનો સાચો હિસાબ આપ્યો છે.
પોતાની આ ભવ્ય સફળતા બાદ તન્મય પ્રવીણભાઈ પટેલે વીયુ નટેવર્ક સાથે ખાસ વાતચીત કરી હતી. આ વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, “આ સફળતાનો શ્રેય હું મારા માતા-પિતાના બલિદાન અને મારા શિક્ષકોના માર્ગદર્શનને આપું છું. મેં નિયમિતતા જાળવી હતી અને ખાસ કરીને છેલ્લા ત્રણ મહિનામાં દરરોજ 14થી 16 કલાકનો અભ્યાસ કર્યો હતો. CA કરવા માંગતા વિદ્યાર્થીઓએ ધોરણ ૧૨ પછી તરત જ તૈયારી શરૂ કરી દેવી જોઈએ. સમયસરની તૈયારી અને સતત અભ્યાસ જ આ લાઈનમાં સફળતાની ચાવી છે.” તન્મયની સફળતા એવા હજારો વિદ્યાર્થીઓ માટે પ્રેરણા છે જેઓ મોટા સપના જુએ છે, ભલે તેમના સંસાધનો ઓછા હોય. તન્મયની આ સફર 2028 સુધીમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ફાઇનલ પરીક્ષા પાસ કરીને પૂર્ણ થશે. તન્મય પ્રવીણભાઈ પટેલ માત્ર દહેગામ તાલુકાનું જ નહીં, પણ ગુજરાતના યુવાનોનું ગૌરવ છે, જેણે સાબિત કરી દીધું કે મહેનત અને ધ્યેય પ્રત્યેનું સમર્પણ કોઈ પણ ક્ષેત્રમાં સફળતા અપાવી શકે છે અને તે ખરા અર્થમાં પોતાના પિતાની મહેનત અને માતાના આશીર્વાદને સાર્થક કરી રહ્યો છે.
તન્મય વી આર વેરી વેરી વેરી પ્રાઉડ ઓફ યુ
દહેગામ ઇન્ટરનેશનલ સ્કૂલના ડિરેક્ટર સોના અમીન અને પ્રિન્સિપાલ મીતા મહેતા એ તન્મય પટેલને ઓલ ઇન્ડિયામાં 6th રેન્ક પ્રાપ્ત કરવા બદલ શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, તન્મય જ્યારે અમારી સ્કૂલમાં ધોરણ -10 માં અભ્યાસ કરતો હતો ત્યારે અમે જોયું હતું કે , તે બહુ જ સિન્સિયર અને ડાઉન ટુ અર્થ સ્ટુડન્ટ છે. એનામાં બિલકુલ એટીટ્યુડ નથી કે એ રફનેસ નથી જે એક નાના છોકરાઓમાં ઘણીવાર જોવા મળે છે. તન્મય ભણતર તરફ, એના ગોલ તરફ, એકદમ ટોટલી ફોકસ રહ્યો છે. એ ઘણીવાર સ્કૂલમાં પાછળ રોકાઈને ટીચર્સ પાસે ભણતો હતો.
દહેગામ અને સમગ્ર તાલુકા માટે ખૂબ જ ગૌરવની વાત
તન્મય પટેલ જ્યાં કોમર્સના ટ્યુશન કરતો હતો તે ગુરુકુળ એજ્યુકેશનના સ્થાપક જૈનિક શાહે જણાવ્યું હતું કે ગુરુકુળ પરિવાર પણ ખૂબ જ ગૌરવની લાગણી અનુભવે છે. આ સિદ્ધિ દહેગામ માટે ખૂબ જ ગૌરવની વાત છે કે દહેગામમાં વસતા તન્મય પટેલ ઇન્ટરમીડિયેટની એક્ઝામમાં બંને ગ્રુપ પાસ કરી અને ઓલ ઇન્ડિયામાં 6th રેન્ક પ્રાપ્ત કર્યો છે. એ ખરેખર દહેગામ અને સમગ્ર તાલુકા માટે ખૂબ જ ગૌરવની વાત છે.











