અભિનેતા ગોવિંદાની પત્ની સુનીતા આહુજાએ એક પોડકાસ્ટમાં અંગત જીવનના સંઘર્ષોનો પર્દાફાશ કર્યો છે. તેમણે ગોવિંદાના પૂજા પાછળ લાખોના ખર્ચ અને એનિમલ શેલ્ટર માટે પૈસા ન આપવાની વાત કરી, સાથે જ પંડિતો દ્વારા કરાવવામાં આવતી પૂજા પર અવિશ્વાસ વ્યક્ત કર્યો.

મુંબઈ, બુધવાર
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ગોવિંદાની પત્ની સુનીતા આહુજા ફરી એકવાર તેમના અંગત જીવનના ખુલાસાઓને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં, એક પોડકાસ્ટમાં ગેસ્ટ તરીકે હાજરી આપતાં, સુનીતાએ તેમના લગ્નજીવનના કેટલાક અણગમતા સત્યો પરથી પડદો હટાવ્યો, જેમાં પતિના ખર્ચની રીતભાત અને તેમની ઈચ્છાઓનો સમાવેશ થાય છે.
પૂજા પાછળ લાખો, પત્નીની ઈચ્છા માટે ના
સુનીતાએ પોતાના નિવેદનમાં સ્પષ્ટપણે કહ્યું કે ગોવિંદા પૂજા-પાઠ અને તેનાથી સંબંધિત ખર્ચાઓ પાછળ લાખો રૂપિયા તરત જ ખર્ચી નાખે છે. તેમણે ઉદાહરણ આપતાં જણાવ્યું કે, ઘરમાં ગોવિંદાનો એક પૂજારી છે જે પૂજા માટે સીધા 2 લાખ રૂપિયાની માંગણી કરે છે.
પરંતુ, જ્યારે સુનીતા કોઈ સારા કામ માટે પૈસા માંગે છે, ત્યારે તેમને ના સાંભળવી પડે છે. આ અંગે પોતાનું દર્દ વ્યક્ત કરતાં તેમણે કહ્યું, “તે (ગોવિંદા) મને પૈસા આપતો નથી, તે તેના મિત્રોને આપે છે.”
‘જાતે કરેલી ભક્તિ જ કામ આવે’
સુનીતાએ ધાર્મિક વિધિઓ પરના પોતાના મંતવ્યો પણ ખૂબ જ સ્પષ્ટતાથી રજૂ કર્યા. તેમણે કહ્યું કે તેઓ પંડિત દ્વારા કરાવવામાં આવતી પૂજા પર બિલકુલ વિશ્વાસ નથી કરતાં. “હું હંમેશા કહું છું કે ગોવિંદાએ જાતે પૂજા કરવી જોઈએ. પંડિત દ્વારા કરાવવામાં આવેલો પૂજા પાઠ કોઈ કામ નહીં આવે. તમે જાતે જે પૂજા કરશો તે જ ભગવાન સ્વીકારશે,” તેમણે ઉમેર્યું. તેમનું માનવું છે કે જો કોઈ દાન કરવું હોય કે સારું કામ, તો તે પોતાના હાથે જ કરવું જોઈએ, જેથી તેનું સકારાત્મક કર્મફળ તેમને જ મળે.
વૃદ્ધાશ્રમ અને એનિમલ શેલ્ટરનું સપનું
સુનીતા આહુજાએ આ પોડકાસ્ટમાં પોતાની એક મોટી ઈચ્છા પણ જાહેર કરી. તેમણે કહ્યું કે તેઓ એક વૃદ્ધાશ્રમ અને પ્રાણીઓ માટે ઘર બનાવવા માંગે છે. જોકે, આ કામ માટે તેઓ ગોવિંદા પાસેથી એક રૂપિયો પણ લેવા માંગતા નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે, “હું ખાતરી કરીશ કે હું આ બધું મારા પોતાના પૈસાથી કરીશ.”
ગોવિંદાના ફોલોઅર્સ પર ગુસ્સો
પોડકાસ્ટ દરમિયાન, સુનીતાએ ગોવિંદાના કેટલાક નજીકના લોકોને પણ ઠપકો આપ્યો, જેઓ અભિનેતાને ‘કાનભંભેરણી’ કરીને પાયાવિહોણી સલાહ આપે છે. આ નિવેદનો દર્શાવે છે કે સ્ટારપત્ની તેના અંગત અને પારિવારિક જીવનમાં ચાલી રહેલા સંઘર્ષોથી કેટલી વ્યથિત છે. આ અગાઉ, સુનીતાએ ગોવિંદાના અફેર અને છૂટાછેડાના સમાચારો પર પણ પ્રતિક્રિયા આપી હતી, જે અફવાઓ પર પણ તેમણે પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ કર્યો છે.











