ગાંધીનગર: સગીરાને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ, કોર્ટે નરાધમને 20 વર્ષની સખત કેદની ફટકારી સજા

ગાંધીનગર સ્પેશિયલ પોક્સો કોર્ટે સગીરાના અપહરણ અને દુષ્કર્મના ગંભીર ગુનામાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા સંભળાવી છે. પીડિતાને 4 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો. જાણો સમગ્ર મામલો.

ગાંધીનગર, શનિવાર
સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સામાં ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. પેથાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 16 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઈ તેની સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે કોર્ટે પીડિતાના પુનર્વસન માટે 4 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે.

શું હતી સમગ્ર ઘટના?
આ કેસની શરૂઆત ગાંધીનગરના સરઢવ ગામથી થઈ હતી. ગામનો રહેવાસી અક્ષય ભરતભાઇ દંતાણી નામના યુવકે 16 વર્ષ અને 8 મહિનાની સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. તેણે સગીરાને લગ્ન કરવાના મોટા-મોટા વાયદા કર્યા અને તેને લલચાવી-ફોસલાવીને 5 જાન્યુઆરી, 2022ના રોજ તેનું અપહરણ કરી ભગાડી ગયો હતો.

આરોપી અક્ષય સગીરાને નવસારી લઈ ગયો હતો, જ્યાં તેણે લગભગ 11 મહિના સુધી પીડિતાને ગોંધી રાખી હતી. આ સમયગાળા દરમિયાન, તેણે સગીરાની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા, જેના કારણે પીડિતા ગર્ભવતી બની હતી.

પરિવારની ફરિયાદ અને પોલીસ કાર્યવાહી
દીકરી ગુમ થતા પરિવારે ભારે શોધખોળ કરી પરંતુ કોઈ પત્તો ન લાગતા, આખરે 10 ડિસેમ્બર, 2022ના રોજ સગીરાના પિતાએ પેથાપુર પોલીસ સ્ટેશનમાં અક્ષય દંતાણી વિરુદ્ધ અપહરણ અને અન્ય કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરીને આરોપીને ઝડપી પાડ્યો હતો અને સગીરાને તેના કબ્જામાંથી મુક્ત કરાવી હતી.

કોર્ટમાં સખત દલીલો અને દાખલારૂપ ચુકાદો
આ કેસ ગાંધીનગરના બીજા એડિશનલ સેશન્સ જજ જે. એન. ઠક્કરની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલ્યો હતો. સરકાર પક્ષે સરકારી વકીલ સુનિલ એસ. પંડ્યાએ મજબૂત દલીલો રજૂ કરી હતી. તેમણે કોર્ટને જણાવ્યું કે, “આરોપીએ એક માસૂમ સગીરાની જિંદગી બરબાદ કરી છે. તેને પ્રેમ અને લગ્નના નામે ફસાવીને તેની સાથે જે ઘૃણાસ્પદ કૃત્ય કર્યું છે, તે માફીને લાયક નથી. સમાજમાં આવા ગુનાઓ અટકે અને અન્ય ગુનેગારોમાં ડર પેદા થાય તે માટે આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ.” સરકારી વકીલની દલીલો અને રજૂ કરાયેલા પુરાવાઓને ધ્યાનમાં રાખીને, કોર્ટે આરોપી અક્ષય ભરતભાઇ દંતાણીને દોષિત ઠેરવ્યો હતો.

સજા અને વળતર
કોર્ટે આરોપી અક્ષય દંતાણીને પોક્સો એક્ટ હેઠળના ગંભીર ગુનામાં 20 વર્ષની સખત કેદની સજા અને 12 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત, પીડિતાને થયેલા શારીરિક અને માનસિક નુકસાનને ધ્યાનમાં રાખીને કોર્ટે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળને પીડિત સગીરાને 4 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. આ ચુકાદાને સમાજમાં એક દાખલારૂપ માનવામાં આવી રહ્યો છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!