ઉત્તરાયણ 2026ના પર્વ પર ગુજરાતમાં ગમખ્વાર અકસ્માતો સર્જાયા છે. પતંગની દોરી વાગવાથી અને ધાબા પરથી પટકાવાને કારણે રાજ્યમાં કુલ 11 લોકોના મોત થયા છે. સુરતમાં બ્રિજ પરથી દંપતી અને માસુમ પુત્રી નીચે પટકાતા કરુણ મોત નિપજ્યા છે. જાણો રાજ્યભરની સ્થિતિ.

ગાંધીનગર, શુક્રવાર
ગુજરાતમાં મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણનો તહેવાર અનેક પરિવારો માટે ખુશીઓને બદલે આજીવન ન ભુલાય તેવું દુઃખ લઈને આવ્યો છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ દરમિયાન રાજ્યભરમાં પતંગની દોરી વાગવાથી કે પતંગ લૂંટવા જતાં નીચે પટકાવાથી કુલ 11 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ વખતે સૌથી ભયાનક સ્થિતિ સુરતમાં જોવા મળી છે, જ્યાં એક હસતો-રમતો પરિવાર પળવારમાં ખતમ થઈ ગયો.
સુરતમાં હૃદયદ્રાવક ઘટના: 70 ફૂટ ઊંચેથી પરિવાર નીચે પટકાયો
સુરત શહેર આ ઉત્તરાયણમાં સૌથી વધુ રક્તરંજિત બન્યું છે, જ્યાં કુલ 7 લોકોના મોત નોંધાયા છે. શહેરના અડાજણ પાટીયા પાસે આવેલા ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર એક કમકમાટીભરી ઘટના બની હતી. અહીં 34 વર્ષીય રેહાન રહીમ શેખ, તેમની 30 વર્ષીય પત્ની રેહાના અને 10 વર્ષની દીકરી આલિશા બાઈક પર ગાર્ડનમાં ફરવા નીકળ્યા હતા.
બ્રિજ પરથી પસાર થતી વખતે અચાનક પતંગની દોરી આડી આવતા રેહાનભાઈએ કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે બાઈક સ્લીપ થતા ત્રણેય જણા અંદાજે 70 ફૂટની ઊંચાઈએથી બ્રિજની નીચે પટકાયા હતા. આ ગંભીર અકસ્માતમાં પતિ-પત્ની અને માસુમ બાળકીનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાએ સમગ્ર સુરતને હચમચાવી દીધું છે.
રાજ્યમાં બનેલી અન્ય કરુણ ઘટનાઓ
સુરત ઉપરાંત રાજ્યના અન્ય શહેરોમાં પણ પતંગરસિયાઓની મજા નિર્દોષ લોકો માટે સજા બની ગઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ સુરત સિવાય અમદાવાદ, અરવલ્લી, વડોદરા અને ખંભાત સહિતના વિસ્તારોમાં પણ જીવલેણ અકસ્માતો બન્યા છે.
સુરતમાં મોતનું તાંડવ
ટિફિન આપવા જતો યુવક: સુરતમાં એક 19 વર્ષીય યુવક હોસ્પિટલમાં ટિફિન આપવા જઈ રહ્યો હતો, ત્યારે બ્રિજ પર દોરી આડી આવતા બાઈક સ્લીપ થઈ ગયું હતું અને તેનું મોત થયું હતું.
સચિન વિસ્તાર: અહીં એક 23 વર્ષીય યુવક બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે ગળામાં દોરી ફસાઈ જતા તેનું મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય એક બનાવમાં 16 વર્ષીય કિશોર બીજા માળે પતંગ ચગાવતી વખતે નીચે પટકાતા જીવ ગુમાવ્યો હતો.
ઉત્રાણ: અહીં એક 18 વર્ષીય યુવતી પતંગ પકડવાના ચક્કરમાં નીચે પટકાઈ હતી, જેના કારણે તેનું મોત થયું હતું.
અન્ય જિલ્લાઓમાં બનેલી ઘટનાઓ
ખંભાત: અહીં હૈયું હચમચાવી દે તેવી ઘટના બની હતી. પિતા સાથે બાઈક પર જઈ રહેલા માત્ર 8 વર્ષના બાળકનું ગળું પતંગની દોરીથી કપાતા તેનું મોત થયું હતું.
બાયડ (અરવલ્લી): ચોઈલા વિસ્તારમાં બાઈક પર જઈ રહેલા યુવકનું ગળું કપાતા મોત થયું હતું.
તલોદ: પતંગ ચગાવવાના ઉત્સાહમાં એક યુવક ધાબા પરથી નીચે પટકાયો હતો અને જીવ ગુમાવ્યો હતો.
વડોદરા: વાઘોડિયા વિસ્તારમાં પણ પતંગની ઘાતક દોરીએ એક યુવકનો ભોગ લીધો હતો.
ચાઈનીઝ દોરીનો કહેર યથાવત
સરકાર, પોલીસ અને તંત્ર દ્વારા વારંવાર ચેતવણીઓ આપવા છતાં અને ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં, ચોરીછૂપીથી આ જીવલેણ દોરીનું વેચાણ અને ઉપયોગ થઈ રહ્યો છે. કાચ પાયેલી અને સિન્થેટીક દોરીને કારણે વાહનચાલકો અને પક્ષીઓ તો ભોગ બને જ છે, પરંતુ હવે નાના બાળકો અને આખા પરિવારો પણ આ મજાની રમતમાં મોતને ભેટી રહ્યા છે. આ ઘટનાઓ સમાજ માટે લાલબત્તી સમાન છે.











