ટેક વર્લ્ડમાં ધડાકો: Elon Muskએ OpenAI અને Microsoft સામે માંડ્યો 11 લાખ કરોડનો દાવો! જાણો શું છે સમગ્ર વિવાદ

ટેસ્લાના CEO Elon Musk એ OpenAI અને Microsoft સામે ઇતિહાસનો સૌથી મોટો કાયદાકીય જંગ છેડ્યો છે. મસ્કે છેતરપિંડીનો આરોપ લગાવીને અંદાજે 11.65 લાખ કરોડ રૂપિયાના વળતરની માંગ કરી છે. જાણો શું છે મસ્કનો પક્ષ અને OpenAI નો જવાબ.

નવી દિલ્હી, રવિવાર
ટેકનોલોજીની દુનિયામાં અત્યારે સૌથી મોટી ચર્ચા ચાલી રહી છે તે છે ટેસ્લા અને સ્પેસએક્સના માલિક Elon Musk અને ChatGPT બનાવનારી કંપની OpenAI વચ્ચેની લડાઈ. ઇલોન મસ્કે હવે આરપારની લડાઈના મૂડમાં આવી ગયા છે અને તેમણે OpenAI તેમજ દિગ્ગજ કંપની Microsoft વિરુદ્ધ કોર્ટમાં ધા નાખી છે. આ કોઈ સામાન્ય કેસ નથી, પરંતુ મસ્કે કંપનીઓ પાસે અબજો રૂપિયાના વળતરની માંગણી કરી છે.

11 લાખ કરોડ રૂપિયા સુધીના વળતરની માંગ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇલોન મસ્કે આ બંને કંપનીઓ સામે ગંભીર આરોપો લગાવ્યા છે. મસ્કે કોર્ટમાં કરેલી માંગ મુજબ, તેમને 79 અબજ ડૉલર (લગભગ 6.5 લાખ કરોડ રૂપિયા) થી લઈને 134 અબજ ડૉલર (લગભગ 11 લાખ કરોડ રૂપિયા) સુધીનું વળતર મળવું જોઈએ. મસ્કનો મુખ્ય આરોપ એ છે કે OpenAI તેની સ્થાપના સમયે જે બિન-લાભકારી ઉદ્દેશ્યો સાથે શરૂ થઈ હતી, તેને હવે કોરાણે મૂકી દેવામાં આવ્યા છે. મસ્કના મતે, OpenAI એ Microsoft સાથે હાથ મિલાવીને પૈસા કમાવવાનું શરૂ કરી દીધું છે, જે તેમની સાથે થયેલી સ્પષ્ટ છેતરપિંડી છે.

કોર્ટમાં નવી અરજી અને મૂલ્યાંકનનો દાવો
શુક્રવારે મસ્કના વકીલો દ્વારા કોર્ટમાં એક નવી અરજી દાખલ કરવામાં આવી છે. આ પગલું ત્યારે લેવામાં આવ્યું જ્યારે કોર્ટે OpenAI અને Microsoftની સુનાવણી અટકાવવાની અપીલને ફગાવી દીધી હતી. હવે આ કેસમાં મસ્ક વધારે આક્રમક બન્યા છે.

મસ્કે દાવો કર્યો છે કે OpenAI નું હાલનું માર્કેટ વેલ્યુએશન (મૂલ્યાંકન) 500 અબજ ડૉલરની આસપાસ છે અને તેઓ તેના એક હિસ્સાના હકદાર છે. મસ્કના જણાવ્યા મુજબ, 2015 માં જ્યારે કંપનીની શરૂઆત થઈ ત્યારે સહ-સ્થાપક તરીકે તેમણે 38 મિલિયન ડૉલરનું મોટું રોકાણ કર્યું હતું. તેથી, આજે કંપની જે નફો કરી રહી છે અથવા જે વેલ્યુ ધરાવે છે, તેમાં તેમનો પણ હક બને છે.

મસ્કના વકીલની દલીલ: “ગેરકાયદેસર લાભ પરત મળવો જોઈએ”
આ કેસ અંગે મસ્કના વકીલ સ્ટીવલ મોલોએ કોર્ટ ફાઇલિંગમાં ખૂબ જ તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, “જેમ કોઈ સ્ટાર્ટઅપમાં શરૂઆતમાં પૈસા રોકનાર રોકાણકારને કંપની મોટી થતા અનેકગણો ફાયદો મળે છે, તેવી જ રીતે મિસ્ટર મસ્ક પણ હકદાર છે. OpenAI અને Microsoft એ જે રીતે ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી લાભ મેળવ્યો છે, તે હવે મસ્કને પરત મળવો જોઈએ.”

OpenAI એ શું જવાબ આપ્યો?
બીજી તરફ, OpenAI પણ ચૂપ બેસી રહે તેમ નથી. મસ્કના આ જંગી દાવા પર પ્રતિક્રિયા આપતા કંપનીએ એક નિવેદન જાહેર કર્યું છે. OpenAI એ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, “ઇલોન મસ્કનો આ કેસ પાયાવિહોણો છે અને તેમાં કોઈ તથ્ય નથી. અમે કોર્ટમાં પુરાવા સાથે જવાબ આપવા માટે તૈયાર છીએ.” એટલું જ નહીં, કંપનીએ પોતાના રોકાણકારોને પણ ચેતવી દીધા છે કે જેમ જેમ આ કાયદાકીય લડાઈ આગળ વધશે, તેમ તેમ મસ્ક કદાચ મીડિયામાં વધુ ચોંકાવનારા અને ખોટા દાવાઓ કરી શકે છે, માટે તેનાથી ગભરાવવું નહીં.

જૂની મિત્રતા બની દુશ્મનાવટ
તમને જણાવી દઈએ કે એક સમયે ઇલોન મસ્ક OpenAI ના બોર્ડ મેમ્બર હતા, પરંતુ વર્ષ 2018 માં તેમણે રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ, જ્યારે 2022 માં ChatGPT લોન્ચ થયું અને તેણે દુનિયાભરમાં ધૂમ મચાવી, ત્યારથી મસ્ક તેની ટીકા કરી રહ્યા છે. આ હરીફાઈમાં ટકી રહેવા માટે મસ્કે હવે પોતાની અલગ AI કંપની xAI શરૂ કરી છે અને Grok નામનો ચેટબોટ પણ માર્કેટમાં ઉતાર્યો છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!