CCE 2026 Rules Gujarat: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ-3ની ભરતી માટે નવા નિયમો જાહેર કરાયા છે. હવે ગ્રુપ-A અને B માટે કેવી રહેશે પરીક્ષા? પ્રિલિમ અને મેઈન્સનું નવું માળખું, સિલેબસ અને નેગેટિવ માર્કિંગ વિશેની સંપૂર્ણ સચોટ માહિતી અહીં વાંચો.

ગાંધીનગર, શનિવાર
ગુજરાતમાં સરકારી નોકરીનું સપનું જોતા યુવાનો માટે ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે વર્ગ-3ની ભરતી પ્રક્રિયામાં મોટા ફેરફારો કર્યા છે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તારીખ 22 જાન્યુઆરી, 2026ના રોજ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જે મુજબ હવે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી પરીક્ષાઓ નવા CCE નિયમો-2026 મુજબ લેવામાં આવશે. જો તમે પણ ક્લર્ક, ઓફિસ આસિસ્ટન્ટ કે હેડ ક્લર્ક જેવી પોસ્ટ માટે તૈયારી કરી રહ્યા હોવ, તો આ નવા નિયમો અને પરીક્ષા પદ્ધતિ તમારે ખાસ જાણી લેવી જોઈએ.
હવે પરીક્ષાનું માળખું કેવું રહેશે?
નવા નિયમો મુજબ, વર્ગ-3ની ભરતી (ગ્રુપ-A અને ગ્રુપ-B) માટે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા યોજાશે. આ પરીક્ષા મુખ્યત્વે બે તબક્કામાં લેવામાં આવશે:
1. પ્રાથમિક પરીક્ષા
પહેલા તબક્કામાં તમામ ઉમેદવારો (ગ્રુપ-A અને ગ્રુપ-B બંને માટે) માટે એક કોમન પરીક્ષા લેવાશે. આ માત્ર એક સ્ક્રિનિંગ ટેસ્ટ છે, એટલે કે તેના માર્ક્સ ફાઈનલ મેરિટમાં ગણાશે નહીં.
કુલ ગુણ: 150
સમય: 2 કલાક
વિષયો: આ પરીક્ષામાં રીઝનિંગનું મહત્વ સૌથી વધુ છે.
રીઝનિંગ: 60 ગુણ
ગણિત (Quantitative Aptitude): 30 ગુણ
સામાન્ય જ્ઞાન અને કરંટ અફેર્સ: 30 ગુણ
ગુજરાતી: 15 ગુણ
અંગ્રેજી: 15 ગુણ
નેગેટિવ માર્કિંગ: ખાસ ધ્યાન રાખવું કે દરેક ખોટા જવાબ માટે 0.25 માર્ક્સ કપાશે.
2. મુખ્ય પરીક્ષા
પ્રાથમિક પરીક્ષા પાસ કર્યા બાદ, ઉમેદવારોએ મુખ્ય પરીક્ષા આપવાની રહેશે. અહીં ગ્રુપ-A અને ગ્રુપ-B માટે અલગ અલગ પદ્ધતિ રહેશે.
ગ્રુપ-A (વર્ણનાત્મક): જો તમે ઊંચા હોદ્દા માટે પ્રયત્ન કરી રહ્યા હોવ તો આ પરીક્ષા લખવાની રહેશે. જેમાં 3 પેપર હશે: ગુજરાતી (100 ગુણ), અંગ્રેજી (100 ગુણ) અને જનરલ સ્ટડીઝ (150 ગુણ). આમ કુલ 350 ગુણનું મેરિટ બનશે.
ગ્રુપ-B (MCQ): આ ગ્રુપમાં માત્ર હેતુલક્ષી પ્રશ્નો વાળી પરીક્ષા હશે. જે 200 ગુણની રહેશે અને તેના માટે 2 કલાકનો સમય મળશે.
કયા હોદ્દાઓ પર ભરતી થશે?
આ નવા નિયમો હેઠળ સચિવાલય, કલેક્ટર કચેરીઓ અને અન્ય સરકારી વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં નીચે મુજબના હોદ્દાઓનો સમાવેશ થાય છે:
ઓફિસ આસિસ્ટન્ટ
જુનિયર અને સિનિયર ક્લર્ક
હેડ ક્લર્ક
ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ
સબ-રજિસ્ટ્રાર અને સ્ટેમ્પ ઇન્સ્પેક્ટર
લાયકાત અને ઉંમર મર્યાદા
આ પરીક્ષા આપવા માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ હોવી જરૂરી છે. શૈક્ષણિક લાયકાત જે-તે વિભાગના નિયમો મુજબ નક્કી કરવામાં આવશે. મહત્ત્વની વાત એ છે કે, મુખ્ય પરીક્ષા બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે તમારે કયા વિભાગમાં નોકરી જોઈએ છે તેની પસંદગી આપવી પડશે, જે બાદમાં બદલી શકાશે નહીં.
જૂના નિયમોનું શું થયું?
આ નવા CCE Rules 2026 લાગુ થતાની સાથે જ 2023ના જૂના નિયમો રદ કરવામાં આવ્યા છે. જોકે, જે ભરતી પ્રક્રિયા જૂના નિયમો મુજબ અત્યારે ચાલુ છે, તેને કોઈ અસર થશે નહીં અને તે રાબેતા મુજબ પૂર્ણ કરવામાં આવશે. ટૂંકમાં, હવે તૈયારી કરતા વિદ્યાર્થીઓએ ગણિત અને રીઝનિંગ પર વધારે ભાર મૂકવો પડશે, કારણ કે પ્રિલિમ પરીક્ષા પાસ કરવા માટે આ વિષયો ગેમ ચેન્જર સાબિત થશે.











