રશિયાના ઉફામાં ભારતીય વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલો! મેડિકલ કોલેજની હોસ્ટેલમાં ઘૂસીને માથાભારે શખ્સે ચાકુના ઘા ઝીંક્યા. જાણો 4 ઘાયલ વિદ્યાર્થીઓની સ્થિતિ અને દૂતાવાસની કાર્યવાહી વિશે અહીં.

રશિયા, રવિવાર
રશિયામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ માટે અને તેમના વાલીઓ માટે એક ખૂબ જ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રશિયાના ઉફા (Ufa) શહેરમાં શનિવારે રાત્રે એક ભયાનક ઘટના બની હતી, જ્યાં મેડિકલ કોલેજની હોસ્ટેલમાં ઘૂસીને એક યુવકે ભારતીય વિદ્યાર્થીઓ પર લોહિયાળ હુમલો કર્યો હતો. આ ઘટનામાં 4 ભારતીય વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.
શું હતી સમગ્ર ઘટના?
આ ઘટના રશિયાના બશ્કોર્તોસ્તાન રિપબ્લિકની રાજધાની ઉફામાં આવેલી સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં બની હતી. મળતી માહિતી મુજબ, શનિવારે રાત્રે યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં આવેલા સ્પોર્ટ્સ હોલમાં વિદ્યાર્થીઓ હાજર હતા. તે સમયે અચાનક એક કિશોર વયનો શખ્સ હાથમાં હથિયાર સાથે ત્યાં ઘૂસી આવ્યો હતો.
કઈ સમજાય તે પહેલાં જ આ હુમલાખોરે વિદ્યાર્થીઓ પર અંધાધૂંધ ચાકુ ચલાવવાનું શરૂ કરી દીધું હતું. આ હિંસક હુમલામાં 4 ભારતીય વિદ્યાર્થીઓ સહિત અન્ય કેટલાક લોકો લોહીલુહાણ થઈ ગયા હતા. નજરે જોનારા વિદ્યાર્થીઓના જણાવ્યા પ્રમાણે, હુમલા બાદ હોસ્ટેલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને જમીન પર લોહીના ડાઘા જોવા મળ્યા હતા.
પોલીસ પર પણ કર્યો હુમલો
ઘટનાની જાણ થતાં જ રશિયન પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. રશિયાના આંતરિક મંત્રાલયે આપેલી માહિતી મુજબ, જ્યારે પોલીસ આ હુમલાખોરને પકડવા ગઈ, ત્યારે તેણે પોલીસને પણ નિશાન બનાવી હતી. પોતાની ધરપકડથી બચવા માટે તેણે 2 પોલીસકર્મીઓ પર પણ ચાકુથી વાર કર્યા હતા.
આ ઝપાઝપી દરમિયાન હુમલાખોરે પોતાને પણ ઈજા પહોંચાડી હતી. જોકે, પોલીસે તેને ઝડપી લીધો છે અને હાલ તે કસ્ટડીમાં છે. તમામ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ભારતીય દૂતાવાસ તાત્કાલિક એક્શનમાં
આ ગંભીર ઘટના બાદ રશિયામાં આવેલું ભારતીય દૂતાવાસ તુરંત હરકતમાં આવ્યું છે. કઝાન સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસના અધિકારીઓ તાબડતોબ ઉફા જવા માટે રવાના થઈ ગયા છે. દૂતાવાસનો મુખ્ય હેતુ ઘાયલ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ તબીબી સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે.
ભારતીય અધિકારીઓ સ્થાનિક રશિયન પ્રશાસન સાથે સતત સંપર્કમાં છે અને આ હુમલો શા માટે કરવામાં આવ્યો તેની તપાસ પર નજર રાખી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટનાને પગલે રશિયામાં ભણતા અન્ય વિદેશી વિદ્યાર્થીઓમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.











