સુરતથી એલોવેરા પાવડરના નામે વિદેશમાં ડ્રગ્સ મોકલવાનું આંતરરાષ્ટ્રીય કૌભાંડ ઝડપાયું: ગુજરાત ATS નો મોટો ખુલાસો

સુરતથી એલોવેરા પાવડરના નામે થાઇલેન્ડ અને મલેશિયામાં ખતરનાક ડ્રગ્સ મોકલવાના કૌભાંડનો ગુજરાત ATS એ પર્દાફાશ કર્યો છે. અત્યાર સુધીમાં 125 કિલો ડ્રગ્સ વિદેશ મોકલાયું છે. જાણો સમગ્ર મામલો.

સુરત, રવિવાર
ગુજરાત ATS (એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ) એ સુરતમાં ચાલતા એક મોટા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સુરતમાં રહેતા કેટલાક શખ્સો ‘એલોવેરા પાવડર’ ના નામે વિદેશમાં ખતરનાક ‘એટોમિટેડ’ ડ્રગ્સ સપ્લાય કરતા હતા. થાઇલેન્ડ, મલેશિયા અને સિંગાપુર જેવા દેશોમાં આ ડ્રગ્સ પર કડક પ્રતિબંધ છે. પરંતુ ભારતના કાયદામાં રહેલી છટકબારીનો ગેરફાયદો ઉઠાવીને આખું નેટવર્ક ચલાવવામાં આવતું હતું. અત્યાર સુધીમાં 125 કિલો જેટલું ડ્રગ્સ એર કાર્ગો મારફતે વિદેશ મોકલાઈ ચૂક્યું હોવાનું સામે આવ્યું છે.

કઈ રીતે ચાલતું હતું આ કૌભાંડ?
ગુજરાત એટીએસને ગુપ્ત બાતમી મળી હતી કે સુરતના કેટલાક લોકો ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ અને મલેશિયા જેવા દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં ડ્રગ્સ સપ્લાય કરી રહ્યા છે. આ દેશોમાં ‘એટોમિટેડ’ નામનું એનાલજેસિક ડ્રગ્સ પ્રતિબંધિત શ્રેણીમાં આવે છે. જોકે, ભારતમાં આ ડ્રગ્સનો ઉપયોગ અન્ય તબીબી કામોમાં થતો હોવાથી તેના પર હાલ કોઈ પ્રતિબંધ નથી.

વિદેશી ડ્રગ્સ માફિયાઓ સાથે મળીને સુરતના આ શખ્સો ખોટા બિલ અને કસ્ટમ ક્લિયરન્સના બનાવટી કાગળો તૈયાર કરતા હતા. ત્યારબાદ મુંબઈ એરપોર્ટના કાર્ગોમાંથી આ ડ્રગ્સને ‘એલોવેરા પાવડર’ નામે પેક કરીને વિદેશ મોકલવામાં આવતું હતું. મુંબઈ કાર્ગોમાં શંકાસ્પદ પાર્સલની તપાસ કરતા એલોવેરા પાવડરની આડમાં સંતાડેલું એટોમિટેડ ડ્રગ્સ મળી આવ્યું હતું.

ગુજરાત ATSની મોટી કાર્યવાહી અને ધરપકડ
આ મામલે એટીએસની ટીમે મુંબઈ કાર્ગોમાં દરોડા પાડીને સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા નિકુંજ ગઢિયા (રહે. બ્લુ કેન્ડલ) નામના શખ્સની ધરપકડ કરી છે. તેની સઘન પૂછપરછમાં અન્ય બે સાગરીતોના નામ પણ સામે આવ્યા છે, જેની હાલ શોધખોળ ચાલુ છે.

કોણે કેટલું ડ્રગ્સ વિદેશ મોકલ્યું?
ATS ની તપાસમાં ખુલ્યું છે કે અત્યાર સુધીમાં કુલ 125 કિલો ડ્રગ્સ વિદેશ મોકલાયું છે:

નિકુંજ ગઢિયા (ઝડપાયેલ): પોતાની કંપની ‘ડીડબ્યુએન બાયોસાયન્સ’ ના નામે મલેશિયામાં 3 વ્યક્તિઓને 50 કિલો ડ્રગ્સ મોકલ્યું હતું.
ચેતન વાવડિયા (ફરાર): મોટા વરાછાના આ શખ્સે પોતાની ‘જાની ફાર્મા’ કંપનીના નામે મલેશિયા અને થાઇલેન્ડમાં 50 કિલો ડ્રગ્સ સપ્લાય કર્યું હતું.
ભૌતિક પદમણી (ફરાર): અમરોલીમાં રહેતા આ શખ્સે પણ 25 કિલો ડ્રગ્સ વિદેશ મોકલ્યું હોવાનું સામે આવ્યું છે.

કેટલું ખતરનાક છે આ ડ્રગ્સ?
આંતરરાષ્ટ્રીય બજારમાં આ એટોમિટેડ ડ્રગ્સની કિંમત પ્રતિ કિલો 3.5 લાખ રૂપિયાથી વધુ છે. આ ડ્રગ્સ સ્વાસ્થ્ય માટે ખૂબ જ જીવલેણ છે અને તેનો ઓવરડોઝ લેવાથી માણસનું મોત પણ થઈ શકે છે. અમેરિકા જેવા દેશોમાં નશો કરનારા લોકો અન્ય ડ્રગ્સ સાથે આ પાવડર મિક્સ કરીને તેનું સેવન કરતા હોય છે.

ભારતીય કાયદાની છટકબારીનો ફાયદો
આ કેસની સૌથી ચોંકાવનારી વાત એ છે કે, હાલમાં ભારતમાં આ ડ્રગ્સનો સમાવેશ NDPS એક્ટ (નાર્કોટિક્સ કાયદા) હેઠળ કરવામાં આવ્યો નથી. આજ કારણથી વિદેશી ડ્રગ્સ માફિયાઓ ભારતીય એજન્ટો મારફતે આસાનીથી મોટા પ્રમાણમાં આ ડ્રગ્સનું એક્સપોર્ટ કરાવી રહ્યા છે.

હાલમાં ગુજરાત એટીએસ આ મામલે ઊંડી તપાસ કરી રહી છે અને ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરના આ ડ્રગ્સ રેકેટમાં અન્ય રાજ્યોની એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ છે. ભવિષ્યમાં આ કેસમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!