અમદાવાદથી ગોધરા પહોંચવું થશે સાવ સરળ: 120 કિમી લાંબો સિક્સ લેન ગ્રીન ફિલ્ડ હાઈવે બનાવવાની તૈયારીઓ શરૂ

અમદાવાદ અને ગોધરા વચ્ચે 120 કિમીનો નવો સિક્સ લેન ગ્રીન ફિલ્ડ હાઈવે બનવા જઈ રહ્યો છે. NHAI દ્વારા આ પ્રોજેક્ટ માટે DPR તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જાણો આ હાઈવેથી મુસાફરોને શું ફાયદો થશે.

અમદાવાદ, રવિવાર
અમદાવાદના વાહન ચાલકો અને મુસાફરો માટે ખુશીના સમાચાર છે. અમદાવાદ શહેરને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે સાથે વધુ સારી રીતે જોડવા માટે સરકાર દ્વારા એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પર કામ શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદથી ગોધરા વચ્ચે આશરે 120 કિમી લાંબો સિક્સ લેન (6-Lane) ગ્રીન ફિલ્ડ હાઈવે બનાવવાની હિલચાલ તેજ થઈ ગઈ છે.

NHAI દ્વારા DPR તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા આ 120 કિમી લાંબા હાઈવે માટે ડિટેઈલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ હાઈવેના નિર્માણ પાછળનો મુખ્ય હેતુ અમદાવાદને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે સાથે સીધું જોડાણ આપવાનો છે. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ હાઈવે 60 મીટરની પહોળાઈ ધરાવતો હશે.

ભવિષ્યમાં 8 લેન સુધી વિસ્તારી શકાશે
આ હાઈવેનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે ભવિષ્યમાં જો ટ્રાફિક વધે, તો તેને 8 લેન સુધી પણ લંબાવી શકાય. હાલમાં જે મુસાફરોને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પરથી અમદાવાદ આવવું હોય, તેમને ગોધરાથી વડોદરા સુધી લાંબા થવું પડે છે અને ત્યાંથી અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પકડવો પડે છે. પરંતુ આ નવો હાઈવે બન્યા બાદ વાહન ચાલકો ગોધરાથી સીધા જ અમદાવાદ પહોંચી શકશે, જેનાથી સમય અને ઈંધણ બંનેની બચત થશે.

શું હોય છે ‘ગ્રીન ફિલ્ડ હાઈવે’?
ઘણા લોકોને પ્રશ્ન થતો હોય છે કે ‘ગ્રીન ફિલ્ડ હાઈવે’ એટલે શું? શું ત્યાં બધે હરિયાળી હશે? વાસ્તવમાં ગ્રીન ફિલ્ડ હાઈવેનો અર્થ એવો થાય છે કે, કોઈ જૂના રસ્તાને પહોળો કરવાને બદલે સાવ ખાલી જમીન પર નવો જ માર્ગ તૈયાર કરવો. આવા હાઈવેની ખાસિયતો નીચે મુજબ હોય છે:

આ હાઈવે પર વાહનો 120 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે તેવી ડિઝાઇન હોય છે.
રસ્તો ગામડાઓ અને ગીચ શહેરોને બાયપાસ કરીને બનાવવામાં આવે છે.
વચ્ચે કોઈ અવરોધ ન હોવાથી મુસાફરી ઝડપી અને સુરક્ષિત બને છે.

અમદાવાદ-ગોધરા વચ્ચેનો આ નવો ગ્રીન ફિલ્ડ હાઈવે ગુજરાતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ગેમ ચેન્જર સાબિત થશે. તેનાથી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત બનશે અને વેપાર-ઉદ્યોગને પણ મોટો વેગ મળશે. આગામી સમયમાં DPR તૈયાર થયા બાદ હાઈવેના નિર્માણની કામગીરી જોરશોરથી શરૂ કરવામાં આવશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!