ચીને લોન્ચ કર્યું અત્યાધુનિક J-35-AE સ્ટીલ્થ ફાયટર જેટ: અમેરિકાના F-35ને આપશે ટક્કર, પાકિસ્તાન બનશે પહેલો ગ્રાહક

ચીને તેનું નવું સ્ટીલ્થ ફાયટર જેટ J-35-AE લોન્ચ કર્યું છે, જે અમેરિકાના F-35ને સીધી ટક્કર આપશે. પાકિસ્તાન આ શક્તિશાળી જેટનો પહેલો ખરીદનાર દેશ બનવા જઈ રહ્યો છે. જાણો તેની ખાસિયતો અને કિંમત.

ચીન, શુક્રવાર
દુનિયાભરમાં સ્ટીલ્થ ફાયટર જેટ બનાવવાની સ્પર્ધા તેજ બની છે, ત્યારે ચીને આ રેસમાં પોતાનું નવું હથિયાર J-35-AE વિશ્વ સમક્ષ રજૂ કરી દીધું છે. ચીનનો દાવો છે કે આ ફિફ્થ જનરેશન (5th Generation) ફાયટર જેટ અમેરિકાના સુપરપાવર ગણાતા F-35 લાઈટનિંગ II ને પણ જોરદાર ટક્કર આપવા સક્ષમ છે. આ સમાચારની સાથે જ સંરક્ષણ ક્ષેત્રે મોટી હલચલ મચી છે, કારણ કે પાકિસ્તાન આ જેટનો સૌથી પહેલો ખરીદનાર દેશ બનવા જઈ રહ્યું છે.

સીસીટીવી પર જોવા મળી પહેલી ઝલક
તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મઝદૂર દિન નિમિત્તે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ચીની સરકારી મીડિયા (CCTV) એ આ જેટની પેહલી ઝલક દુનિયાને બતાવી હતી. આ વિમાન પર ‘એવિયેશન ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન ઓફ ચાયના’ (AVIC)નું બ્રાન્ડિંગ કરવામાં આવ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે, આ બ્રાન્ડિંગ જ દર્શાવે છે કે ચીન હવે આ જેટને વિદેશી બજારોમાં વેચવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

અગાઉ ચીને J-35-A મોડલ રજૂ કર્યું હતું જે માત્ર પોતાની વાયુસેના માટે હતું, પરંતુ આ નવું J-35-AE મોડલ ખાસ કરીને નિકાસ માટે ‘કોમ્બેટ-રેડી’ ફોર્મમાં તૈયાર કરાયું છે.

J-35-AEની અત્યાધુનિક ટેકનોલોજી અને તાકાત
ચીન આ વિમાનને ફિફ્થ જનરેશન મલ્ટી-રોલ સ્ટીલ્થ ફાયટર ગણાવે છે. તેની મુખ્ય ખાસિયતો નીચે મુજબ છે:

ટોપ સ્પીડ: આ જેટ આશરે Mach 1.8 ની ભયાનક ગતિએ ઉડી શકે છે.
સ્ટીલ્થ પાવર: વિમાન પર ખાસ કાર્બન-કવચ (Coating) ચઢાવેલું છે, જે દુશ્મનના રડારના મોજાંને શોષી લે છે, જેથી દુશ્મન તેને પકડી શકતું નથી.
રડાર અને મિસાઈલ: તેમાં અત્યાધુનિક AESA રડાર છે જે એકસાથે અનેક લક્ષ્યો પર નજર રાખી શકે છે. આ ઉપરાંત, તે હવામાં લાંબા અંતર સુધી પ્રહાર કરી શકતી PL-15 જેવી મિસાઈલથી સજ્જ છે.
ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ સિસ્ટમ: આ સિસ્ટમ પાયલોટને દુશ્મન પર સચોટ હુમલો કરવામાં અને પોતાના વિમાનને બચાવવામાં મદદરૂપ થાય છે.

પાકિસ્તાન અને ચીન વચ્ચેનો મોટો સોદો
રિપોર્ટ્સ મુજબ, પાકિસ્તાને ચીન સાથે આવા 40 જેટ વિમાનો ખરીદવાનો સોદો લગભગ નક્કી કરી લીધો છે. રસપ્રદ વાત એ છે કે, પશ્ચિમી દેશોના સ્ટીલ્થ વિમાનો અત્યંત મોંઘા હોય છે (લગભગ 80 મિલિયન ડોલરથી વધુ), જ્યારે ચીન પાકિસ્તાનને આ વિમાન માત્ર 35 મિલિયન ડોલરમાં ઓફર કરી રહ્યું છે. જોકે અન્ય દેશો માટે તેની કિંમત 80 મિલિયન ડોલરની આસપાસ રાખવામાં આવી છે.

ક્યારે થશે ડિલીવરી?
પાકિસ્તાન ઘણા સમયથી આ વિમાનોની રાહ જોઈ રહ્યું હતું. માહિતી મુજબ, પાકિસ્તાની પાયલોટ્સ 2025 થી આ વિમાનો ચલાવવા માટેની ટ્રેનિંગ શરૂ કરી દેશે. જોકે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસીફે અત્યારે તેને માત્ર અટકળો ગણાવી છે, પરંતુ સંરક્ષણ નિષ્ણાતોનું માનવું છે કે 2026 ના અંત સુધીમાં અથવા 2027 ની શરૂઆતમાં પાકિસ્તાનને આ વિમાનોની પ્રથમ ડિલીવરી મળી શકે છે.

ચીનનું આ પગલું એશિયામાં સત્તાનું સંતુલન બદલી શકે છે. જો પાકિસ્તાન પાસે આ સ્ટીલ્થ ફાયટર જેટ્સ આવી જશે, તો તે દક્ષિણ એશિયાના સંરક્ષણ સમીકરણોમાં મોટો ફેરફાર લાવી શકે છે. હવે જોવાનું એ રહેશે કે ભારત અને અન્ય પડોશી દેશો ચીન-પાકિસ્તાનની આ નવી જુગલબંધી સામે કેવા પ્રકારની તૈયારીઓ કરે છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!