ગાંધીનગર જિલ્લામાં છેલ્લા દોઢ વર્ષથી બંધ મકાનોને ટાર્ગેટ કરતી ચિખલીગર ગેંગના 5 સાગરીતોને LCB-2 ટીમે ઝડપી લીધા છે. પોલીસે 23 જેટલી ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલી 3 લાખની કાર જપ્ત કરી છે.

ગાંધીનગર, બુધવાર
ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા દોઢ વર્ષથી રાતના સમયે બંધ મકાનોના તાળા તૂટવાની ઘટનાઓ અચાનક વધી ગઈ હતી. સામાન્ય લોકોમાં આ બાબતે ભારે રોષ અને ડરનો માહોલ જોવા મળી રહ્યો હતો. આ ઘરફોડ ચોરીઓને અંજામ આપીને તરખાટ મચાવતી કુખ્યાત ચિખલીગર ગેંગના મુખ્ય સાગરીત સહિત કુલ 5 આરોપીઓને ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચ-2 (LCB-2) ની ટીમે ઝડપી પાડ્યા છે. આ સફળ ઓપરેશનથી પોલીસે કુલ 23 જેટલા ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે.
વારંવાર થતી આ ચોરીઓને અટકાવવા માટે ગાંધીનગર પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સક્રિય ગેંગ પર નજર રાખવા ખાસ સૂચના આપી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર કે. જે. રાઠોડના સીધા માર્ગદર્શન હેઠળ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવવામાં આવી અને પેટ્રોલિંગ સઘન કરવામાં આવ્યું. પોલીસની ટીમોએ ઘરફોડ ચોરીના ગુનાવાળી જગ્યાઓની મુલાકાત લીધી અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરીને આરોપીઓની કામ કરવાની પદ્ધતિનો બારીકાઈથી અભ્યાસ કર્યો. સ્થાનિક બાતમીદારોને પણ કામે લગાડવામાં આવ્યા હતા જેથી કોઈ ચોક્કસ કડી મળી શકે.
ગત રાત્રે પીએસઆઈ કે. કે. પાટડીયા અને તેમની ટીમને એક ખૂબ જ સચોટ માહિતી મળી હતી. બાતમી એવી હતી કે અગાઉ મર્ડર અને ચોરી જેવા ગંભીર ગુનાઓમાં પકડાયેલ ચિખલીગર ગેંગના બે મુખ્ય માણસો શિહોલી ગામ તરફ આવી રહ્યા છે. પોલીસે તરત જ એલર્ટ થઈને શિહોલી રોડ પર આડાશ મૂકીને સઘન નાકાબંધી ગોઠવી દીધી. થોડી જ વારમાં બાતમી મુજબની સફેદ કલરની સ્વિફ્ટ ડિઝાયર કાર (GJ-18-BC-5524) ત્યાંથી પસાર થઈ જેને પોલીસે કોર્ડન કરીને રોકી લીધી. કારમાંથી માનસિંગ ઉર્ફે કાંચીસિંગ અને ભારતસિંગ નામના બે આરોપીઓ પકડાયા હતા.
આ બંને શંકાસ્પદ આરોપીઓને સેક્ટર 27 સ્થિત LCB-2 કચેરીએ લાવીને કડક પૂછપરછ કરવામાં આવી. પોલીસના ક્રોસ ઇન્ટ્રોગેશનમાં તેમણે કબૂલાત કરી કે તેઓ અન્ય 7 સાગરીતો સાથે મળીને આ ચોરીઓ કરતા હતા.
આ ગેંગની ચોરી કરવાની રીત ખૂબ જ ચાલાક અને વ્યવસ્થિત હતી. કુલ 9 સભ્યોની આ ગેંગ દિવસ દરમિયાન ગામડાઓમાં ભૂંડ પકડવાના બહાને ફરતી હતી. દિવસના અજવાળામાં તેઓ એવા બંધ મકાનો શોધી લેતા જે તેમને રાત્રે ટાર્ગેટ કરવા હોય. રાત પડે એટલે અગલ અલગ ટુકડીઓ ભેગી થતી અને નંબર વગરના વાહનો લઈને ચોરી કરવા નીકળતા. પોતાની ઓળખ છુપાવવા માટે તેઓ મોઢા પર રૂમાલ બાંધીને અને અલગ કપડાં પહેરીને તાળા તોડતા હતા.
ચોરી કર્યા પછી તેઓ ટુ વ્હીલર ગમે ત્યાં રઝળતા મૂકીને ભાગી છૂટતા હતા.
આ બંનેની કબૂલાત બાદ પોલીસે બાકીના આરોપીઓને પકડવા માટે ટીમો રવાના કરી અને વધુ 3 સાગરીતોને ઝડપી લીધા. તેમાં ચંદનસિંગ, તિલકસિંગ અને સમીર દેવીપૂજકનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓએ ભેગા મળીને દહેગામ, ચિલોડા અને ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ 23 ચોરીઓને અંજામ આપ્યાનું સ્વીકાર્યું છે. હાલમાં પોલીસે ગુનામાં વપરાયેલી 3,00,000 રૂપિયાની કિંમતની સ્વિફ્ટ કાર જપ્ત કરી છે અને હજુ પકડવાના બાકી 4 આરોપીઓને શોધવાની કાર્યવાહી સઘન બનાવી છે.











