NEET પરીક્ષાના નામે ટેલિગ્રામ પર લાખો રૂપિયા પડાવનાર અને રિફંડના નામે ઓનલાઇન ઠગાઈ કરનાર 3 આરોપીઓને અમદાવાદ સાયબર ક્રાઇમે રાજસ્થાન અને બિહારથી ઝડપી પાડ્યા છે. જાણો આ મોટા કૌભાંડની પૂરી વિગત.

અમદાવાદ, સોમવાર
દેશભરમાં ચાલી રહેલા NEET પરીક્ષાના પેપર લીક વિવાદનો ફાયદો ઉઠાવીને વાલીઓ અને વિદ્યાર્થીઓને લૂંટતા સાયબર ગઠિયાઓ સક્રિય થયા છે. ત્યારે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચને એક બહુ મોટી સફળતા હાથ લાગી છે. ચોક્કસ બાતમીના આધારે સાયબર ક્રાઇમે અલગ-અલગ રાજ્યોમાં સપાટો બોલાવીને કુલ 3 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં રાજસ્થાનથી સુમેરસિંગ મીણા અને આકાશ મીણા તેમજ બિહારથી નવીન યાદવ નામના શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે.
ટેલિગ્રામ પર ચેનલો બનાવી લાખોનો ખેલ
પોલીસની તપાસમાં એક મોટો ખુલાસો થયો છે કે પકડાયેલા રાજસ્થાનના બે આરોપીઓ (સુમેરસિંગ અને આકાશ) સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ પર ચેનલો બનાવીને NEETના પેપરો વેચવાનો કાળો કારોબાર ચલાવતા હતા. જોકે, અત્રે નોંધનીય છે કે આ આરોપીઓએ ખરેખર કોઈ અસલી પેપર લીક નહોતા કર્યા, પરંતુ તેઓ જૂના અથવા ખોટા પેપરો પકડાવીને લોકો સાથે ફ્રોડ કરતા હતા.
કેવી રીતે કરતા હતા છેતરપિંડી?
આ ભેજાબાજોની મોડસ ઓપરેન્ડી (ગુનો કરવાની રીત) ખૂબ જ ચાલાક હતી. આરોપીઓ 44 જેટલી નકલી વેબસાઇટ અને 8 ટેલિગ્રામ ચેનલો ઓપરેટ કરતા હતા. તેઓ ટેલિગ્રામ ગ્રુપમાં મેસેજ મૂકતા કે તેમની પાસે ‘રી-નીટ’ (Re-NEET) નું પેપર છે. લોકોને વિશ્વાસ અપાવવા માટે આરોપીઓના જ મળતિયાઓ ગ્રુપમાં ફેક સ્ક્રીનશોટ મૂકતા અને એડવાન્સ પૈસા આપ્યા હોવાના આભાર વ્યક્ત કરતા મેસેજ કરતા. તેમના માણસો એવું પણ લખતા કે “ગયા વર્ષે તમે જે પેપર આપ્યું હતું, તેમાંથી 70 થી 80 ટકા પેપર પૂછાયું હતું.” આવા મેસેજ વાંચીને ભોળવાઈ ગયેલા વાલીઓ અને વિદ્યાર્થીઓ પેપર ખરીદવા તેમનો સંપર્ક કરતા હતા. આરોપીઓ એક પેપર આપવાના બદલામાં 15 હજારથી લઈને 80 હજાર રૂપિયા સુધીની રકમ વસૂલતા હતા. અત્યાર સુધીમાં 1000 થી વધુ લોકો આ ઠગાઈનો શિકાર બન્યા છે.
પૈસા સગેવગે કરવા ગેમિંગ વેબસાઇટનો સહારો
પોલીસથી બચવા માટે આ ગઠિયાઓએ એક નવો જ કીમિયો અપનાવ્યો હતો. તેઓ છેતરપિંડીથી મળેલા પૈસા સીધા પોતાના ખાતામાં નહોતા લેતા. તેઓ ગેમિંગ વેબસાઇટ પર બેંક એકાઉન્ટ ખોલાવતા અને તેમાં આ રકમ ટ્રાન્સફર કરાવતા. ત્યારબાદ ત્યાં થોડીવાર ગેમ રમી, હાર-જીતનો દેખાડો કરી, પછી એ રકમ પોતાના અસલી બેંક ખાતામાં વાળી લેતા હતા. એક દિવસમાં પૈસા આવી જાય એટલે તે એકાઉન્ટ હંમેશા માટે બંધ કરી દેતા. તપાસમાં તેમના ખાતામાંથી 1.50 કરોડ રૂપિયાના શંકાસ્પદ ટ્રાન્જેક્શન મળી આવ્યા છે.
બિહારના નવીન યાદવનું રિફંડ કૌભાંડ
ત્રીજો આરોપી નવીન યાદવ બિહારનો છે અને તેણે BSC સુધીનો અભ્યાસ કર્યો છે. આ શખ્સે 21 જૂને લેવાયેલી નીટ પરીક્ષાના કેન્સલ થવા પર ચાલી રહેલી રિફંડ પ્રક્રિયાનો ગેરલાભ ઉઠાવ્યો હતો.
તે NTA ની વેબસાઇટ પર જઈને વિદ્યાર્થીઓના એકાઉન્ટનો પાસવર્ડ ‘ફોરગેટ’ (Forget Password) કરતો. સિક્યુરિટીના પ્રશ્નો ખૂબ સરળ હોવાથી તે આસાનીથી જવાબ આપી દેતો અને આઈડી-પાસવર્ડ બદલી નાખતો હતો. ત્યારબાદ તે વિદ્યાર્થીના રિફંડના 1700 રૂપિયા સીધા પોતાના બેંક ખાતામાં જમા કરાવી લેતો હતો. તેણે આવી જ રીતે 150 જેટલા વિદ્યાર્થીઓના રિફંડના પૈસા ચાઉં કરી ગયા હોવાનું સામે આવ્યું છે.
હાલમાં અમદાવાદ સાયબર ક્રાઈમે આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને તેઓની સઘન પૂછપરછ હાથ ધરી છે. આ નેટવર્કમાં અન્ય કોઈ મોટા માથાઓ સામેલ છે કે કેમ તે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. વાલીઓ અને વિદ્યાર્થીઓએ પણ આવા ટેલિગ્રામ ગ્રુપ કે શોર્ટકટથી પાસ થવાની લાલચમાં આવવાનું ટાળવું જોઈએ.











