ફ્રાન્સમાં યોજાયેલી હાઇ-પ્રોફાઇલ G7 સમિટમાં હોટ માઇક લીક થવાથી મોટો છબરડો થયો છે. જાણો કડક સુરક્ષા વચ્ચે બંધ દરવાજા પાછળ ટ્રમ્પ, મેક્રોન અને મેલોની શું ખાનગી વાતો કરી રહ્યા હતા.

ફ્રાન્સ, બુધવાર
જ્યારે દુનિયાના સૌથી તાકાતવર દેશોના વડાઓ એક જ મંચ પર ભેગા થતા હોય, ત્યારે સુરક્ષાનો બંદોબસ્ત એટલો ચુસ્ત હોય છે કે ત્યાં ચકલી પણ ફરકી ન શકે. હાલમાં જ ફ્રાન્સના એવિયન-લેસ-બેન્સ (Evian-les-Bains) ખાતે યોજાયેલી હાઇ-પ્રોફાઇલ G7 સમિટમાં પણ કંઈક આવો જ માહોલ જોવા મળ્યો હતો.
આ સમિટમાં બંધ દરવાજા પાછળ મધ્ય-પૂર્વની કટોકટી, યુક્રેન યુદ્ધ અને ગ્લોબલ ઇકોનોમી જેવા ગંભીર મુદ્દાઓ પર મંથન ચાલી રહ્યું હતું. પરંતુ આ કડક સુરક્ષા વચ્ચે એક એવો અણધાર્યો બનાવ બન્યો જેણે આખી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે. ભૂલથી ચાલુ રહી ગયેલા માઇક્રોફોન એટલે કે હોટ માઇક (Hot Mic) ને કારણે દુનિયાના આ દિગ્ગજ નેતાઓની ખાનગી અને અંગત વાતો રેકોર્ડ થઈ ગઈ. આ ઓડિયો લીક થતાં જ માત્ર રાજકીય રહસ્યો જ નહીં, પરંતુ નેતાઓના ફૂટબોલ પ્રેમ, સ્મોકિંગની આદતો અને વ્હાઇટ હાઉસની ફાઇટ જેવી મજેદાર વાતો દુનિયા સામે આવી ગઈ છે.
જાણો આ હોટ માઇક માં કયા નેતાએ શું કહ્યું:
મેક્રોનની ઝેલેન્સ્કી સામે ગુપ્ત કબૂલાત
આ લીક થયેલા ઓડિયો ક્લિપનો સૌથી સનસનાટીભર્યો ભાગ ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન અને યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કી વચ્ચેની વાતચીત છે. મેક્રોન એકદમ ધીમા અવાજે ઝેલેન્સ્કીને કહી રહ્યા હતા કે, “ગઈકાલે સાંજે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મારી મુલાકાત અત્યંત મુશ્કેલ રહી હતી.” મેક્રોનની આ વાત દર્શાવે છે કે ટેરિફ, ઈરાન વિવાદ અને વેપાર નીતિઓ બાબતે અમેરિકા અને યુરોપના દેશો વચ્ચે અંદરખાને કેટલો તણાવ ચાલી રહ્યો છે.
વાત અહીં જ નથી અટકતી, ઝેલેન્સ્કીએ જ્યારે પૂછ્યું કે શું તેમની ટ્રમ્પ સાથે કોઈ પર્સનલ મીટિંગ નક્કી થઈ છે? ત્યારે ઝેલેન્સ્કીએ ના પાડતા મેક્રોને આશ્વાસન આપ્યું કે, “ઠીક છે, હું તમારી મીટિંગ ગોઠવી આપીશ.”
જ્યોર્જિયા મેલોનીએ છોડી સિગારેટ
આટલા મોટા જિયોપોલિટિકલ ટેન્શન વચ્ચે લંચ સમયે કેટલીક હળવી પળો પણ માઇકમાં કેદ થઈ હતી. જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝે મજાકમાં ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને પૂછ્યું, “શું તમે આજે સવારે સ્મોકિંગ કર્યું?” ત્યારે મેલોનીએ ગર્વથી હસતાં-હસતાં હાથ ઊંચો કરીને જવાબ આપ્યો, “મેં 1 મેથી સિગારેટને હાથ પણ લગાવ્યો નથી.” આ સાંભળીને જાપાન, યુકે અને કેનેડાના નેતાઓએ તેમને અભિનંદન આપ્યા. કેનેડિયન વડાપ્રધાન માર્ક કાર્નેએ તો મજાકિયા અંદાજમાં એવું પણ પૂછી લીધું કે, “સિગારેટ નથી પીધી, તો શું તમે નિકોટિન પેચ વાપરી રહ્યા છો?”
બ્રિટિશ પીએમનો ફૂટબોલ પ્રેમ
નેતાઓ જ્યારે લંચ કરી રહ્યા હતા ત્યારે ફિફા વર્લ્ડ કપ 2026ની ચર્ચા પણ નીકળી હતી. બ્રિટિશ વડાપ્રધાન સર કીર સ્ટાર્મરે ફૂટબોલની એક નાની ટીમ કેપ વર્ડે ના જોરદાર વખાણ કર્યા હતા. આ ટીમે ફૂટબોલના દિગ્ગજ સ્પેનને 0-0 થી ડ્રો પર રોકીને મોટો ઉલટફેર સર્જ્યો હતો. સ્ટાર્મરે ખુશ થઈને કહ્યું, “આ ખરેખર ખૂબ જ પ્રભાવશાળી હતું.”
ટ્રમ્પનો ગ્રીનલૅન્ડ વાળો રહસ્યમય સવાલ અને UFC નો રોમાંચ
આ સમગ્ર હોટ માઇક લીકમાં સૌથી ચોંકાવનારી વાત ડોનાલ્ડ ટ્રમ્પ અને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા વચ્ચેની રહી. ટ્રમ્પે એકદમ ગંભીર અવાજમાં કોસ્ટાને પૂછ્યું, “શું તમે સમજો છો?” અને પછી અટકીને માત્ર એક જ શબ્દ બોલ્યા – “ગ્રીનલૅન્ડ.” જોકે, આ વાતનો સંદર્ભ ક્લિયર થઈ શક્યો નથી, પરંતુ ભૂતકાળમાં ટ્રમ્પ ગ્રીનલૅન્ડ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે, જેની ડેનમાર્ક સહિતના દેશોએ આકરી ટીકા કરી હતી. આ ગંભીર ચર્ચા બાદ તરત જ ટ્રમ્પે પોતાનો મૂડ બદલ્યો અને વ્હાઇટ હાઉસમાં રવિવારે યોજાયેલી UFC (અલ્ટિમેટ ફાઇટિંગ ચેમ્પિયનશિપ) અને રિંગની બાજુમાં બેસીને ફાઇટ જોવાનો પોતાનો રોમાંચક અનુભવ શેર કરવા લાગ્યા.
સાયકલ, જર્સી નંબર 47 અને ખાસ રાજદ્વારી ગિફ્ટ
આ સમિટમાં નેતાઓ વચ્ચે અપાયેલી ભેટ-સોગાદો પણ ચર્ચાનો વિષય બની છે. જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝે ટ્રમ્પને જર્મન નેશનલ ફૂટબોલ ટીમની એક ખાસ જર્સી ગિફ્ટ કરી હતી. આ જર્સી પર ટ્રમ્પનું નામ અને યુએસ પ્રમુખપદનો નંબર 47 પ્રિન્ટ કરેલો હતો. ટ્રમ્પે ખુશ થઈને આ જર્સી કેમેરા સામે દેખાડી હતી. બાદમાં મેર્ઝે સોશિયલ મીડિયા પર આ ફોટો શેર કરીને કેપ્શન લખ્યું: “છેવટે, આપણે બધા એક જ ટીમમાં છીએ.” જે એક મોટો રાજદ્વારી સંદેશ આપે છે.
બીજી તરફ, ફ્રાન્સના પ્રમુખ મેક્રોને આવતા વર્ષે યોજાનારી સાયકલિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપના પ્રમોશન માટે બધા જ નેતાઓને ખાસ ડિઝાઇનર સાયકલ ગિફ્ટ કરી હતી. પરંતુ, ગોલ્ફના શોખીન અને કસરતથી દૂર રહેતા ટ્રમ્પના ચહેરાના હાવભાવ અને માઇક પરની તેમની પ્રતિક્રિયા સૌ કોઈ માટે રમૂજનું કારણ બની હતી.
આ હોટ માઇક લીકની ઘટનાએ એ સાબિત કરી દીધું છે કે, દુનિયાની નજરમાં એકદમ કડક અને પ્રોફેશનલ દેખાતા આ વૈશ્વિક નેતાઓ બંધ દરવાજા પાછળ એક સામાન્ય માણસની જેમ જ ગપશપ અને હળવી મજાક-મસ્તી કરતા હોય છે. જોકે, આ લીક થયેલી વાતો ભવિષ્યમાં કોઈ નવા રાજકીય વિવાદને જન્મ આપે છે કે કેમ, તે જોવું રસપ્રદ રહેશે.











