ગુજરાત સરકારે ગિફ્ટ સિટીમાં વિદેશી દારૂ પરનો VAT 65% થી ઘટાડીને 25% કર્યો છે. સાથે જ ટ્રાન્સપોર્ટ ફીમાં પણ રાહત આપી છે. આ નિયમ માત્ર વાઇન એન્ડ ડાઇન માટે જ લાગુ પડશે.

ગાંધીનગર, બુધવાર
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ગ્લોબલ ફાઇનાન્સિયલ હબ ગણાતા ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી (GIFT City) ને લઈને એક મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગિફ્ટ સિટીમાં હવે વિદેશી દારૂ પીવો સસ્તો બનશે. રાજ્યના નાણાં વિભાગ દ્વારા 23 જૂન, 2026 ના રોજ એક સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં ગિફ્ટ સિટીમાં વેચાતા વિદેશી દારૂ પર લાગતા વેલ્યુ એડેડ ટેક્સ (VAT) માં 65% થી ઘટાડો કરીને સીધો 25% કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટ ફીમાં પણ મોટી રાહત આપવામાં આવી છે.
સરકારે ગુજરાત વેલ્યુ એડેડ ટેક્સ એક્ટ, 2003 ની કલમ 5 ની પેટા-કલમ (2) ના ક્લોઝ (a) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને આ ટેક્સ મુક્તિનો કાયદો તાત્કાલિક અસરથી એટલે કે 23 જૂન, 2026 થી જ સમગ્ર રાજ્યમાં સત્તાવાર રીતે અમલી બનાવી દીધો છે.
જોકે, સરકારે આ રાહત આપવાની સાથે કેટલીક કડક શરતો પણ રાખી છે. આ ટેક્સ મુક્તિનો લાભ માત્ર ચોક્કસ નિયમોને આધીન જ મળશે.
નવી ટેક્સ મુક્તિના નિયમો અને મર્યાદાઓ:
ટેક્સની મર્યાદા: નવા જાહેરનામા મુજબ, જે ટેક્સની રકમ 25% કરતાં વધુ થતી હશે, માત્ર તે જ મર્યાદા સુધી વેરામાંથી મુક્તિ (Exemption) આપવામાં આવશે.
F.L. III લાયસન્સ ફરજિયાત: આ છૂટછાટનો લાભ માત્ર એવા અધિકૃત ડીલરોને જ મળશે, જેમની પાસે ગૃહ વિભાગ દ્વારા 20 ડિસેમ્બર, 2025 ના રોજ જાહેર કરાયેલા આદેશ મુજબનું માન્ય ‘F.L. III લાયસન્સ’ હશે.
માત્ર વાઇન એન્ડ ડાઇન માટે જ માન્ય: આ નિયમની સૌથી મોટી શરત એ છે કે, ટેક્સની આ રાહત માત્ર ગિફ્ટ સિટીની અંદર આવેલી માન્યતા પ્રાપ્ત વાઇન એન્ડ ડાઇન ફેસિલીટી (Wine and Dine Facility) માં જ લાગુ પડશે. એટલે કે, ગ્રાહકો ત્યાં બેસીને જે વિદેશી દારૂનું સેવન કરશે તેના પર જ આ ટેક્સ ઘટાડાનો લાભ મળશે. દારૂ બહાર લઈ જવા પર આ નિયમ લાગુ પડશે નહીં.
સરકારના આ નિર્ણય પાછળનો હેતુ શું છે?
ગિફ્ટ સિટીમાં દુનિયાભરમાંથી આંતરરાષ્ટ્રીય બિઝનેસમેનો, રોકાણકારો અને કોર્પોરેટ જગતના દિગ્ગજો આવતા હોય છે. સરકારના આ પગલાથી ગિફ્ટ સિટીમાં મળતી ગ્લોબલ સ્ટાન્ડર્ડ સુવિધાઓ વધુ મજબૂત બનશે અને વિદેશી રોકાણકારો માટે આ સ્થળ વધુ આકર્ષક બનશે તેવું માનવામાં આવી રહ્યું છે. વેટમાં થયેલા આ મોટા ઘટાડાથી બિઝનેસ નેટવર્કિંગ ઇવેન્ટ્સ અને મીટિંગ્સ માટે ગિફ્ટ સિટીની પસંદગીમાં વધારો થશે.











