અમદાવાદના માણેકચોક સ્થિત જિનેશ્વર જ્વેલર્સમાં ગ્રાહક બનીને આવેલા શખ્સે સ્ટાફની નજર ચૂકવીને 2.80 લાખના સોનાના દાગીનાની ચોરી કરી. ખાડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.

અમદાવાદ, ગુરુવાર
અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત અને પ્રખ્યાત માણેકચોક વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં આવેલી એક જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક બનીને આવેલા એક ગઠિયાએ સ્ટાફની નજર ચૂકવીને લાખો રૂપિયાના સોનાના દાગીનાની ચોરી કરી છે. આ ચાલાક ચોર દાગીના જોયા બાદ ‘હું પાછળથી આવીને ખરીદી જઈશ…’ તેવું કહીને દુકાનમાંથી ફરાર થઈ ગયો હતો.
માસિક સ્ટોકની ગણતરીમાં ફૂટ્યો ભાંડો
પ્રાપ્ત માહિતી અનુસાર, વાસણા વિસ્તારમાં રહેતા 40 વર્ષીય જીગર શાહ માણેકચોકમાં ‘જિનેશ્વર જ્વેલર્સ’ નામની દુકાન ચલાવે છે. 30 જૂનના રોજ મહિનાનો અંત હોવાથી તેઓ દુકાનના દાગીનાના સ્ટોકની ગણતરી કરી રહ્યા હતા. ગણતરી દરમિયાન સ્ટોકમાં મોટી ઘટ દેખાતા તેઓ ચોંકી ગયા હતા. જ્યારે તેમણે ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે ખબર પડી કે કોઈ અજાણ્યો શખ્સ દુકાનમાંથી સોનાના દાગીના ચોરી ગયો છે.
મહિલા સ્ટાફની નજર ચૂકવી બેગમાં સેરવ્યા દાગીના
આ ઘટના ગત 26 જૂનના રોજ બપોરે 12:30 વાગ્યાની આસપાસ બની હતી. એક અજાણ્યો યુવક દાગીના ખરીદવાના બહાને જિનેશ્વર જ્વેલર્સમાં આવ્યો હતો. દુકાનમાં કામ કરતા મહિલા કર્મચારી તેને સોનાના કાનના ઝુલા બતાવી રહ્યા હતા.
આ સમયે શાતિર યુવકે મહિલા કર્મચારીની નજર ચૂકવી દીધી હતી.તેણે કાઉન્ટર પર પડેલું 18 કેરેટના સોનાના ઝુલાનું આખું પેકેટ પોતાની પાસે રહેલી બેગમાં મૂકી દીધું હતું.આ પેકેટમાં આશરે 30 ગ્રામ વજનના 20 થી 22 નંગ ઝુલા હતા, જેની કુલ કિંમત 2,80,000 રૂપિયા જેટલી થાય છે.
‘હું આવીને ખરીદી જઈશ…’ કહીને ફરાર
બેગમાં લાખોનો માલ સેરવી લીધા બાદ, પોતે પકડાઈ ન જાય તે ડરથી આ શખ્સે મહિલા કર્મચારીને ખૂબ જ સ્માર્ટલી કહ્યું કે, “હું પાછળથી આવીને ખરીદી જઈશ…” આટલું કહીને તેણે ત્યાંથી ચાલતી પકડી હતી.
સીસીટીવી ફૂટેજથી સત્ય આવ્યું સામે
સ્ટોકમાં ઘટ આવ્યા બાદ જ્યારે જ્વેલર્સ માલિકે દુકાનના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા, ત્યારે આ સમગ્ર ઘટના કેમેરામાં સ્પષ્ટપણે કેદ થયેલી જોવા મળી હતી. યુવક નજર ચૂકવીને કાનના ઝુલાનું પેકેટ ચોરતો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.
આ વીડિયો ફૂટેજના આધારે જીગર શાહે ખાડિયા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને સીસીટીવીના આધારે આ અજાણ્યા ગઠિયાને પકડી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.











