Gujarat Rain Update: સુરતમાં 2 કલાકમાં ખાબક્યો 4 ઈંચ વરસાદ, દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ! સુરતમાં માત્ર 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જાણો લેટેસ્ટ વરસાદની આગાહી.

ગાંધીનગર, મંગળવાર
સૌરાષ્ટ્રમાં ધમાકેદાર બેટિંગ કર્યા બાદ હવે મેઘરાજા દક્ષિણ ગુજરાત પર મહેરબાન થયા છે. સુરત શહેરમાં આકાશમાંથી જાણે આફત વરસી હોય તેમ માત્ર 2 કલાકમાં જ 4 ઈંચ જેટલો તોફાની વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ, આગામી 3 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની પૂરેપૂરી શક્યતા છે.

રાજ્યના 100 તાલુકાઓમાં મેઘમહેર
આજે આખા ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના 100 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાંથી 40 તાલુકા એવા છે જ્યાં 1 ઈંચ કરતા પણ વધુ પાણી પડ્યું છે. સૌથી વધુ ખરાબ હાલત સુરતની રહી છે. સુરતમાં સાંજે 4 થી 6 વાગ્યાના સમયગાળામાં જ 4 ઈંચ જેટલો વરસાદ પડી ગયો હતો, જ્યારે શહેરનો સરેરાશ કુલ વરસાદ 5 ઈંચ જેટલો નોંધાયો છે. અચાનક આવેલા આ ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડ્યો છે:

3 ઈંચથી વધુ વરસાદ: વલસાડના વાપી, પારડી અને નાનાપોંઢા, મહીસાગરના ખાનપુર તેમજ સુરતના કામરેજમાં 3 ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે.

2 ઈંચ સુધીનો વરસાદ: વલસાડના ઉમરગામ અને કપરાડા, નવસારીના ખેરગામ, નર્મદાના ચીકડા તેમજ તાપીના ડોલવણમાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

કયા જિલ્લાઓમાં અપાયું છે એલર્ટ?
હવામાન વિભાગે ગુજરાતમાં હજુ આગામી 3 દિવસ સુધી વરસાદી સિસ્ટમ સક્રિય રહેવાની આગાહી કરી છે.

7 જુલાઈ (આજે): સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી અને ભાવનગર જિલ્લામાં અતિભારે વરસાદની ચેતવણી સાથે ‘રેડ એલર્ટ’ આપવામાં આવ્યું છે. જ્યારે નર્મદા, ભરૂચ અને અમરેલીમાં ‘ઓરેન્જ એલર્ટ’ અપાયું છે.

8 જુલાઈ (આવતીકાલે): ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાને પગલે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરાયું છે.

ગુજરાતમાં સિઝનનો કુલ વરસાદ
સોમવાર સવાર સુધીના આંકડા મુજબ, રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 6.50 ઈંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. જો ઝોન પ્રમાણે જોઈએ તો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 24 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં 21 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 12.35 ટકા વરસાદ થયો છે. જોકે, કચ્છ પંથકમાં હજુ પણ મેઘરાજાની રાહ જોવાઈ રહી છે, ત્યાં સિઝનનો માત્ર 0.42 ટકા જ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અને નદી-નાળા જેવા જળસ્ત્રોતોથી દૂર રહેવા ખાસ અપીલ કરવામાં આવી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!