ફુ ક્વોક ટાપુ નજીક અકસ્માત: 32 ભારતીય મુસાફરો સાથે નીકળેલી બોટ ડૂબી, 21 લોકોને સુરક્ષિત બહાર કઢાયા; ભારતીય દૂતાવાસે બચાવ કામગીરી અંગે માહિતી આપી.

નવી દિલ્હી: વિયેતનામના પ્રખ્યાત પર્યટન સ્થળ ફુ ક્વોક ટાપુ નજીક એક અત્યંત દુઃખદ અને મોટી દરિયાઈ દુર્ઘટના સામે આવી છે. ભારતીય પ્રવાસીઓને લઈને જઈ રહેલી એક હાઈ-સ્પીડ બોટ અચાનક દરિયામાં પલટી મારી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં 15 જેટલા ભારતીય નાગરિકોના મોત થયા હોવાના ચોંકાવનારા અહેવાલો મળ્યા છે. વિયેતનામમાં સ્થિત ભારતીય દૂતાવાસે આ ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરી છે.
દુર્ઘટના કેવી રીતે સર્જાઈ?
પ્રાપ્ત વિગતો અનુસાર, 11 જુલાઈના રોજ સવારે આશરે 10:30 વાગ્યે 32 ભારતીય પ્રવાસીઓ અને 4 વિયેતનામી ક્રૂ મેમ્બર્સ સાથે ‘ઓશન પર્લ આઇલેન્ડ’ કંપનીની સ્પીડબોટ હોન મે રટ વિસ્તારમાંથી પ્રવાસીઓને લઈને એન થોઇ બંદર તરફ જઈ રહી હતી. આ દરમિયાન ફુ ક્વોક એરપોર્ટથી આશરે 25 કિલોમીટર દૂર આવેલા ‘હોન મે રુટ ન્ગોઇ’ વિસ્તાર પાસે કિનારાથી માત્ર 400 મીટરના અંતરે બોટ અચાનક ઊંધી વળી ગઈ હતી. બોટ પલટતાં જ તેમાં સવાર તમામ મુસાફરો દરિયાના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
મોટી રાહત અને બચાવ કામગીરી
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પ્રશાસન અને કોસ્ટ ગાર્ડની ટીમો તાત્કાલિક એક્શનમાં આવી હતી અને યુદ્ધના ધોરણે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ભારે જહેમત બાદ અત્યાર સુધીમાં 21 લોકોને દરિયામાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે.
ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટ શેર કરીને આ ઘટના અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. દૂતાવાસે જણાવ્યું છે કે સ્થાનિક સત્તાવાળાઓ સાથે મળીને બચાવ કાર્ય અને ઘટના પાછળના ચોક્કસ કારણો જાણવા માટે વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. હાલ વિયેતનામની તપાસ એજન્સીઓ અકસ્માત કયા કારણોસર સર્જાયો તેની ઝીણવટભરી તપાસ કરી રહી છે.











