NPPA એ હૃદયરોગ, ડાયાબિટીસ અને કેન્સર સહિતની 39 જીવનરક્ષક દવાઓની મહત્તમ છૂટક કિંમત નક્કી કરી છે, જેથી સામાન્ય દર્દીઓને રાહત મળી શકે.

સામાન્ય નાગરિકોને મોંઘી દવાઓના બોજમાંથી મુક્તિ અપાવવા માટે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) એ મોટો નિર્ણય લીધો છે. ઓથોરિટીએ ડ્રગ્સ (પ્રાઇસ કંટ્રોલ) ઓર્ડર, 2013 હેઠળ 39 નવી જીવનરક્ષક દવાઓની મહત્તમ છૂટક કિંમત (MRP) નિર્ધારિત કરી દીધી છે. આ નિર્ણયથી બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદયરોગ, કેન્સર અને એચઆઈવી જેવી ગંભીર બીમારીઓના દર્દીઓને સીધો ફાયદો થશે.
કઈ દવાઓની કિંમત કેટલી નક્કી થઈ?
NPPA દ્વારા જાહેર કરાયેલી યાદીમાં કેટલીક મહત્વપૂર્ણ દવાઓની કિંમતો નીચે મુજબ છે:
હાર્ટ એટેક અને સ્ટ્રોક: Clopidogrel+Aspirin+Atorvastatin કેપ્સ્યુલની કિંમત 6.37 રૂપિયા પ્રતિ કેપ્સ્યુલ નક્કી કરવામાં આવી છે.
હાઈ બ્લડ પ્રેશર: Amlodipine+Bisoprolol+Telmisartan ટેબ્લેટની કિંમત 14.74 રૂપિયા પ્રતિ ટેબ્લેટ છે.
આંખની સારવાર: Nepafenac+Moxifloxacin ઓપ્થેલમિક સોલ્યુશનની કિંમત 68.64 રૂપિયા પ્રતિ મિલીલીટર નક્કી કરાઈ છે.
ગંભીર હૃદયરોગ: Tenecteplase (50mg) ઇન્જેક્શનની કિંમત 60,238.27 રૂપિયા પ્રતિ વાયલ નક્કી કરવામાં આવી છે.
આ ઉપરાંત, ડાયાબિટીસની દાઓ જેવી કે Dapagliflozin, Sitagliptin, અને Metformin તથા કેન્સરની સારવારમાં વપરાતી Imatinib ઓરલ સોલ્યુશન જેવી દવાઓના ભાવ પણ નિયંત્રિત કરવામાં આવ્યા છે. આ કિંમતો પર લાગુ પડતો GST અલગથી ગણવામાં આવશે.
દુકાનદારો માટે કડક નિયમો
NPPA એ સ્પષ્ટ કર્યું છે કે દરેક રિટેલર અને ડીલરે તેમની દુકાનમાં દવાઓની નિર્ધારિત પ્રાઇસ લિસ્ટ ગ્રાહકો જોઈ શકે તે રીતે પ્રદર્શિત કરવી ફરજિયાત છે. જો કોઈ પણ ઉત્પાદક કે વિક્રેતા નક્કી કરેલી કિંમત કરતા વધુ ભાવ વસૂલશે, તો તેમની સામે ‘ડ્રગ્સ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર (DPCO) 2013’ અને ‘એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ 1955’ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. વધુ વસૂલાયેલી રકમ વ્યાજ સાથે સરકારી તિજોરીમાં જમા કરાવવી પડશે.











