દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: સુરતમાં રાત્રે 8 સુધીમાં ઘરે પહોંચવા અપીલ

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ. સુરતમાં લોકોને રાત્રે 8 વાગ્યા સુધીમાં ઘરે પહોંચવા તંત્રની અપીલ અને વલસાડ-નવસારીમાં જળબંબાકાર.

હવામાન વિભાગ દ્વારા મધ્યરાત્રિથી વહેલી સવાર સુધી અતિભારે વરસાદની આગાહી અને રેડ એલર્ટને પગલે સુરત મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન દ્વારા નાગરિકોને રાત્રે ૮ વાગ્યા સુધીમાં પોતપોતાના ઘરે પહોંચી જવા ખાસ અનુરોધ કરાયો છે. સુરક્ષા ખાતર નીચાણવાળા અને અસરગ્રસ્ત રસ્તાઓ બંધ કરવામાં આવશે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે આ અપીલ આગોતરા આયોજન અને સાવચેતીના ભાગરૂપે છે, જેથી લોકોએ ગભરાવાની જરૂર નથી.

ખાડીઓ-નદીઓ ઉભરાઈ: શાળામાં રજા અને વાહન તણાયું
સુરતની ભેદવાડ ખાડી ઓવરફ્લો થતાં શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયા છે અને શાળાઓમાં રજા જાહેર કરી દેવાઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદથી નવસારીની કાવેરી નદી બે કાંઠે વહેવા લાગી છે. છેલ્લા ૨૪ કલાકમાં કપરાડામાં ૧૬ ઈંચ, નાનાપોંઢામાં ૧૧ ઈંચ તેમજ ચીખલી અને વાંસદામાં ૧૦ ઈંચ વરસાદ ખાબક્યો છે. વાંસદાના બોપી-મોળા આંબા કોઝવે પરથી પસાર થતી એક ઈકો કાર પાણીમાં તણાઈ હતી, જેમાં એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો.

આજે વલસાડ-નવસારીમાં રેડ એલર્ટ: પવન સાથે વરસાદની શક્યતા
૨૨ જુલાઈના રોજ સવારે ૬થી સાંજના ૪ વાગ્યા સુધીમાં રાજ્યના ૧૧૨ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં વલસાડમાં સૌથી વધુ ૧૦ ઈંચ વરસાદ નોંધાયો છે. આજે નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે સુરત, ડાંગ, તાપી અને દમણ-દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આશંકા છે. મધ્ય તેમજ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વીજળીના કડાકા-ભડાકા અને ૩૦થી ૪૦ કિમીની ઝડપે ફૂંકાતા પવન સાથે ભારે વરસાદ પડી શકે છે.

આગામી દિવસોમાં રાજ્યભરમાં વરસાદી માહોલ યથાવત રહેશે
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ૭ દિવસ સુધી રાજ્યભરમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે. ૨૩ અને ૨૪ જુલાઈ દરમિયાન ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મોટાભાગના સ્થળોએ વરસાદી ઝાપટાં ચાલુ રહેશે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં પણ મેઘમહેર જોવા મળશે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!