ગીર સોમનાથના કોડીનાર સ્થિત છારા ગામે દરિયામાં નાહવા પડેલા પાંચ કિશોરો ડૂબી ગયા હતા. સ્થાનિક માછીમારોએ સમયસૂચકતા વાપરીને ત્રણ કિશોરોને બચાવી લીધા છે.

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામેથી એક અત્યંત દુઃખદ અને હચમચાવી નાખનારી ઘટના સામે આવી છે. દરિયા કિનારે ફરવા ગયેલા ધોરણ 10 અને 11 ના પાંચ કિશોરો અચાનક દરિયાના ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. જો કે સ્થાનિક માછીમારોના સમયસૂચકતા અને સાહસના કારણે ત્રણ કિશોરોને જીવિત બહાર કાઢવામાં સફળતા મળી છે, જ્યારે અન્ય બે કિશોરો હજુ પણ લાપતા છે.
કેવી રીતે બની આ દુર્ઘટના?
વિગતો મુજબ, પાંચેય વિદ્યાર્થીઓ મંગળવારે બપોરના સમયે છારા ગામના દરિયા કિનારે ફરવા પહોંચ્યા હતા.તેમાંથી બે કિશોરો દરિયામાં ન્હાવા માટે ઉતર્યા હતા, પરંતુ અચાનક આવેલ જોરદાર કરંટ અને ઊંડા પાણીમાં તેઓ ફસાઈ ગયા હતા.મિત્રોને ડૂબતા જોઈને કિનારે ઉભેલા અન્ય ત્રણ કિશોરો પણ તેમને બચાવવા દરિયામાં કૂદી પડ્યા હતા. પરંતુ પ્રચંડ પ્રવાહ સામે તેઓ પણ લાચાર બન્યા અને પાંચેય જણા ડૂબવા લાગ્યા.
સ્થાનિક માછીમારો બન્યા દેવદૂત, શોધખોળ ચાલુ
ઘટનાની જાણ થતાં જ નજીકમાં રહેલા સાહસી સ્થાનિક માછીમારોએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના દરિયામાં ઝંપલાવ્યું હતું.માછીમારોએ પોતાની જાનના જોખમે ૩ કિશોરોને સુરક્ષિત બહાર કાઢી લીધા હતા, જેમની તબિયત હાલ સુધારા પર છે.અન્ય બે લાપતા કિશોરોની શોધખોળ માટે વહીવટી તંત્ર અને માછીમારો દ્વારા સંયુક્ત ઓપરેશન ચલાવાઈ રહ્યું છે. દરિયામાં ડ્રોન કેમેરાની મદદ પણ લેવામાં આવી રહી છે.











