સુરત સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં રેગિંગ જવાબદાર હોવાનું ખૂલતા કોલેજ તંત્રએ ચાર સિનિયર વિદ્યાર્થીઓને ૬ મહિના માટે સસ્પેન્ડ કરી દીધા છે.

સુરતની નવી સિવિલ હોસ્પિટલની હોસ્ટેલમાં ૩૦ વર્ષીય રેસિડેન્ટ ડૉક્ટરના રહસ્યમય આપઘાત મામલે એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. પોલીસ અને કોલેજ તંત્ર દ્વારા કરવામાં આવેલી સંયુક્ત તપાસમાં મૃતક ડૉક્ટર હર્ષ પંડ્યાનું ૪ સિનિયર રેસિડેન્ટ વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરવામાં આવતું હોવાનું સ્પષ્ટપણે બહાર આવ્યું છે. રેગિંગનો આ ગંભીર ખુલાસો થતાં જ કોલેજ પ્રશાસન દ્વારા ત્વરિત કાર્યવાહી કરીને ચારેય આરોપી સિનિયર વિદ્યાર્થીઓને હોસ્પિટલ, હોસ્ટેલ તેમજ તમામ પ્રકારની ટીચિંગ એક્ટિવિટીમાંથી ૬ મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
ઘટના અને રેગિંગના આક્ષેપોની મુખ્ય વિગતો
ઘટનાની વિગત: સુરત નવી સિવિલ હોસ્પિટલ સંલગ્ન મેડિકલ કોલેજના માઈક્રોબાયોલોજી વિભાગના પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાએ ગત ૯ ઓગસ્ટે હોસ્ટેલના રૂમમાં આપઘાત કરી લીધો હતો.
પરિવારના ગંભીર આક્ષેપો:
આ દુર્ઘટનાની જાણ થતાં જ અરવલ્લીના મોડાસાથી મૃતકના પિતા અને પિતરાઈ ભાઈ સહિતના સ્વજનો તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. પરિવારજનોએ શરૂઆતથી જ રેગિંગના કારણે જ હર્ષે આતિમ પગલું ભર્યું હોવાના આક્ષેપો કર્યા હતા.
તંત્રની કડક કાર્યવાહી:
તપાસમાં રેગિંગની પુષ્ટિ થતા જ એન્ટી-રેગિંગ કમિટી અને કોલેજ સત્તાવાળાઓએ જવાબદાર ચારેય સિનિયર વિદ્યાર્થીઓ સામે સખત શિસ્તભંગની કાર્યવાહી કરી છે.











