Protein Maxxing Trend: શું વધુ પડતું પ્રોટીન ખાવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે?

ફિટનેસ અને વજન ઘટાડવા માટે ‘પ્રોટીન મેક્સિંગ’ ટ્રેન્ડ લોકપ્રિય બન્યો છે, પરંતુ નિષ્ણાતો અને નવી સ્ટડીએ તેનાથી થતા જોખમો અંગે ચેતવણી આપી છે.

આજકાલ વજન ઘટાડવા અને મસલ્સ બનાવવા માટે ‘પ્રોટીન મેક્સિંગ’ ટ્રેન્ડ ખૂબ જ ચર્ચામાં છે. આ પદ્ધતિમાં લોકો તેમના દૈનિક ખોરાકમાં પ્રોટીનયુક્ત આહારને સૌથી વધુ પ્રાથમિકતા આપે છે. જેમાં ચિકન, ઈંડા, પનીર, ગ્રીક યોગર્ટ, માછલી, કઠોળ, ટોફુ અને સપ્લીમેન્ટ્સનો સમાવેશ થાય છે. પ્રોટીનથી પેટ લાંબો સમય સુધી ભરેલું રહે છે અને તેને પચાવવામાં શરીર વધુ કેલરી બાળે છે, જેનાથી ફેટ ઘટાડતી વખતે મસલ્સ જળવાઈ રહે છે.

વધુ પડતું પ્રોટીન લેવું કેટલું યોગ્ય?
આરોગ્ય નિષ્ણાતોના મતે, વગર વિચારે વધુ પ્રોટીન ખાવું દરેક વ્યક્તિ માટે જરૂરી કે ફાયદાકારક નથી. સામાન્ય રીતે એક પુખ્ત વ્યક્તિને તેના વજનના પ્રતિ કિલોગ્રામ દીઠ 0.8 થી 1.2 ગ્રામ પ્રોટીનની જરૂર હોય છે. માત્ર રમતવીરો કે વૃદ્ધોને મસલ્સ રિપેર કરવા માટે વધુ પ્રોટીનની જરૂર પડે છે. જરૂરિયાતથી વધારે પ્રોટીન ખાવાથી કિડની પર વધારાનું દબાણ આવે છે, કારણ કે પ્રોટીનના કચરાને ફિલ્ટર કરવાનું કામ કિડની જ કરે છે. ખાસ કરીને કિડનીની તકલીફ ધરાવતા લોકો માટે તે જોખમી સાબિત થઈ શકે છે.

નવા સંશોધનમાં સામે આવેલા ચોંકાવનારા તથ્યો
‘Cell Press Blue’ જર્નલમાં પ્રકાશિત બેઈલી એ. નોફ અને ડડલી ડબલ્યુ. લેમિંગના સંશોધન મુજબ, અમુક પરિસ્થિતિઓમાં પ્રોટીનનું પ્રમાણ મર્યાદિત રાખવું જ મજબૂત મેટાબોલિઝમ અને લાંબા આયુષ્ય માટે ફાયદાકારક બની શકે છે. વધુ પડતા પ્રોટીનથી શરીરમાં ‘mTORC1’ સિસ્ટમ વધુ પડતી સક્રિય થઈ જાય છે, જે કોષોની કુદરતી સફાઈ અને રિપેરિંગ પ્રક્રિયાને અટકાવી શકે છે. તેથી પ્રોટીન સાવ છોડવાને બદલે યોગ્ય માત્રા અને યોગ્ય સ્ત્રોત પસંદ કરવો જરૂરી છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!