ભારતમાં વોટ્સએપ પેનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે, જુલાઈ 2026માં વપરાશકર્તાઓએ રૂપિયા 12,957 કરોડના નાણાકીય વ્યવહારો કર્યા.

દેશભરમાં રોકડ વ્યવહારોની જગ્યાએ હવે ડિજિટલ ચુકવણી સામાન્ય બની ગઈ છે ત્યારે મેટાની પેમેન્ટ સેવા વોટ્સએપ પે ભારતીય વપરાશકર્તાઓ વચ્ચે ઝડપથી લોકપ્રિય થઈ રહી છે. લોકો હવે માત્ર મેસેજિંગ કે ફોટો શેરિંગ પૂરતા સીમિત ન રહીને ચેટિંગ દરમિયાન જ સીધા નાણાકીય વ્યવહારો કરવાનું પસંદ કરી રહ્યા છે, જેનો સ્પષ્ટ સંકેત તાજેતરના આંકડાઓમાં જોવા મળ્યો છે.
જુલાઈ 2026માં વોટ્સએપ પેના આંકડા
જુલાઈ 2026ના અહેવાલ અનુસાર વોટ્સએપ પે દ્વારા કુલ 16.78 કરોડ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન નોંધાયા હતા. આ તમામ વ્યવહારોનું કુલ મૂલ્ય આશરે રૂપિયા 12,957 કરોડ રહ્યું છે. મેસેજિંગ એપ્લિકેશનની સરળ સુવિધાને કારણે સામાન્ય લોકો ઝડપથી આ પ્લેટફોર્મ તરફ આકર્ષાઈ રહ્યા છે.
અન્ય યુપીઆઈ પ્લેટફોર્મ્સ સાથે સરખામણી
વોટ્સએપ પેના વ્યાપમાં વધારો થયો હોવા છતાં દેશના મુખ્ય યુપીઆઈ પ્લેટફોર્મ્સ હજુ પણ વોલ્યુમની દ્રષ્ટિએ ઘણા આગળ છે. જુલાઈ મહિનામાં ફોનપે દ્વારા 10.85 અબજ ટ્રાન્ઝેક્શન નોંધાયા હતા, જ્યારે ગૂગલ પે દ્વારા 7.64 અબજ અને પેટીએમ દ્વારા 1.90 અબજ વ્યવહારો પૂરા કરવામાં આવ્યા હતા.
વોટ્સએપ પે શરૂ કરવાની પદ્ધતિ
વોટ્સએપ પે સુવિધાનો લાભ લેવા માટે વપરાશકર્તાએ પોતાનું બેંક ખાતું લિંક કરવું જરૂરી છે. આ માટે વોટ્સએપના સેટિંગ્સ વિભાગમાં જઈ પેમેન્ટ્સ વિકલ્પ પર ક્લિક કરવું, ત્યારબાદ ‘Add New Payment Method’ પસંદ કરીને લિસ્ટમાંથી પોતાની બેંક સિલેક્ટ કરવી. બેંક સાથે જોડાયેલા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એસએમએસ વેરિફિકેશન પૂર્ણ થયા પછી યુપીઆઈ પિન સેટ કરીને ખાતું સક્રિય કરી શકાય છે.
ચેટિંગ સાથે નાણાં મોકલવાની રીત
વોટ્સએપ દ્વારા નાણાં મોકલવા માટે જે વ્યક્તિને રકમ ચૂકવવાની હોય તેની ચેટ વિન્ડો ખોલીને રૂપિયાના સિમ્બોલ પર ક્લિક કરવાનું રહે છે. ત્યારબાદ મોકલવાની રકમ દાખલ કરી પેમેન્ટનો વિકલ્પ પસંદ કરવો અને સેટ કરેલો યુપીઆઈ પિન નાખતાં જ રકમ ટ્રાન્સફર થઈ જશે અને તેનું કન્ફર્મેશન મેસેજ સ્વરૂપે ચેટમાં તરત જ જોવા મળશે.











