પ્રશાંત મહાસાગરમાં ડૂબવાની અણી પર પહોંચેલા અમેરિકન જહાજના 18 ક્રૂ મેમ્બર્સને બચાવવા ‘Pacific YANTAI’ જહાજે 12 કલાકની સફર ખેડી સાહસિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું, જેમાં મૂળ અરવલ્લીના યુવાન મરીન એન્જિનિયર પાર્થ પટેલે મહત્વની ભૂમિકા ભજવી ગૌરવ અપાવ્યું.

તારીખ 19 ઓગસ્ટની વહેલી સવારે લગભગ 04:55 કલાકે પ્રશાંત મહાસાગર (Pacific Ocean)ની શાંતિ એકાએક કટોકટીમાં ફેરવાઈ ગઈ. અમેરિકાથી દક્ષિણ કોરિયાના યેઓસુ (Yeosu, South Korea) બંદર તરફ આગળ વધી રહેલા વીએલજીસી ગેસ કેરિયર (VLGC LPG Vessel) જહાજ ‘પેસિફિક યાન્તાઈ’ (Pacific YANTAI)ને યુએસએ ફ્લેગ (USA Flag) ધરાવતા જહાજ ‘એસએલએનસી યોર્ક’ (SLNC YORK) તરફથી એક ઈમરજન્સી ડિસ્ટ્રેસ એલર્ટ એટલે કે કટોકટીનો બચાવ સંદેશ મળ્યો. સંદેશ મળતાં જ ક્ષણભરનો પણ વિલંબ કર્યા વિના, માનવતાના ધર્મને સર્વોપરી રાખી પેસિફિક યાન્તાઈએ પોતાનો રૂટ બદલ્યો અને પૂરી ઝડપે સંકટમાં મુકાયેલા જહાજ તરફ રેસ્ક્યુ ઓપરેશન માટે આગળ વધવાનો તાબડતોબ નિર્ણય કર્યો.

મોતના મુખમાં અમેરિકન જહાજ અને 12 કલાકની સફર
‘એસએલએનસી યોર્ક’ જહાજના સ્ટર્ન ટ્યુબમાં ભારે નુકસાન થવાને કારણે તેના એન્જિન રૂમમાં દરિયાઈ પાણી ઝડપથી ઘૂસી રહ્યું હતું. જહાજનો મુખ્ય પાવર સપ્લાય અને પ્રોપલ્શન સિસ્ટમ સંપૂર્ણ બંધ થઈ ગયા હતા, જેનાથી જહાજની સ્ટેબિલિટી જોખમાઈ હતી અને તે ડૂબવાની અણી પર આવી ગયું હતું. ક્રૂ માત્ર ઈમરજન્સી જનરેટરના સહારે પંપ ચલાવીને પાણી બહાર કાઢવા મરણિયા પ્રયાસો કરી રહ્યા હતા. બીજી તરફ, યુએસ કોસ્ટ ગાર્ડ સહિત સંબંધિત સત્તાધીશો સાથે સતત તાલમેલ જાળવી રાખીને, ‘પેસિફિક યાન્તાઈ’ જહાજે તોફાની સમુદ્ર વચ્ચે સમય સામે બાથ ભીડી અને 12 કલાકની અવિરત સફર ખેડી સાંજે આશરે 6:45 કલાકે સંકટગ્રસ્ત જહાજ પાસે પહોંચવામાં સફળતા મેળવી.

એન્જિન રૂમમાં ગુજરાતી વીર પાર્થ પટેલનો મોરચો
આ વિશાળ જહાજ પર માત્ર 5 ભારતીય ક્રૂ મેમ્બર્સ કાર્યરત હતા, જેમાં મૂળ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના જૂની વાસણી ગામના વતની અને હાલ અમદાવાદના નરોડામાં રહેતા ‘36 ગામ લેવા પાટીદાર યુવા સંગઠન’નું ગૌરવ એવા યુવાન મરીન એન્જિનિયર પાર્થ વસંતભાઈ પટેલ (Third Engineer Officer) સામેલ હતા. આવા ભયાનક સંજોગોમાં રેસ્ક્યુ ઓપરેશન સુરક્ષિત રીતે પાર પડે તે માટે જહાજનું એન્જિન યોગ્ય દબાણ અને નિયંત્રણ સાથે સતત કાર્યરત રહે તે અનિવાર્ય હતું. પાર્થભાઈએ સમગ્ર સમય દરમિયાન એન્જિન રૂમમાં ખડેપગે હાજર રહી ઈમરજન્સી મેન્યુવરિંગ સંભાળ્યું અને આ મિશનને સફળ બનાવવામાં ટેકનિકલ મોરચે અતિ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

અઢી કલાકનું શ્વાસ થંભાવી દેતું રેસ્ક્યુ ઓપરેશન
સાંજે 6:45 કલાકે શરૂ થયેલું આ બચાવ અભિયાન કોઈ હોલિવૂડની સર્વાઇવલ ફિલ્મના દ્રશ્ય જેવું રોમાંચક અને પડકારજનક હતું. ઉછળતા દરિયાઈ મોજાં અને ઘનઘોર અંધારા વચ્ચે લગભગ પોણા બે થી બે કલાકની અથાક મહેનત બાદ, રાત્રે 8:30 સુધીમાં અમેરિકન જહાજના તમામ 18 ક્રૂ મેમ્બર્સને એક પછી એક હેમખેમ પેસિફિક યાન્તાઈ પર સવાર કરી લેવામાં આવ્યા. તમામ 18 જિંદગીઓને મોતના મુખમાંથી ઉગારી લેવાતા જહાજ પર હાજર સૌ કોઈની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા.
માનવતાનો વિજય અને ગુજરાતનું ગૌરવ

રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થયા બાદ તમામ 18 અમેરિકન નાગરિકોને પોતાની સાથે સુરક્ષિત રાખીને પેસિફિક યાન્તાઈ જહાજે દક્ષિણ કોરિયા તરફની પોતાની સફર આગળ વધારી. અરવલ્લીના નાના એવા જૂની વાસણી ગામથી મરીન એન્જિનિયર ઓફિસર સુધી પહોંચેલા પાર્થભાઈ પટેલે આ સાહસિક મિશનનો હિસ્સો બનીને માત્ર પાટીદાર સમાજ કે ગુજરાતનું જ નહીં, પરંતુ સમગ્ર ભારત દેશનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવન્વિત કર્યું છે. સાચે જ, સરહદો અને દેશોથી પર રહીને દરિયાની વચ્ચે માનવતા અને બહાદુરીનું આ એક અદભુત ઉદાહરણ સાબિત થયું.











