અમદાવાદમાં આ વર્ષે નવરાત્રી ઉત્સવની ઉજવણી સોસાયટીના આયોજકો અને રહીશો માટે આર્થિક રીતે વધુ મોંઘી સાબિત થવાની છે.

મોંઘવારીની સીધી અસર સ્થાનિક ગરબા આયોજનો પર જોવા મળી રહી છે. વિવિધ ખર્ચાઓમાં થયેલા વધારાને કારણે સોસાયટીઓનું સરેરાશ બજેટ 20 ટકા જેટલું વધી ગયું છે, જેણે આયોજકોની ચિંતામાં વધારો કર્યો છે.
ઓરકેસ્ટ્રા, સાઉન્ડ અને ફૂડ કેટરિંગમાં 20 થી 25 ટકાનો વધારો
આ વર્ષે ખાસ કરીને મનોરંજન અને ભોજન સાથે જોડાયેલી સેવાઓના ભાવ આસમાને પહોંચ્યા છે. ઓરકેસ્ટ્રા, સાઉન્ડ સિસ્ટમ અને ફૂડ કેટરિંગના ભાવમાં ગયા વર્ષની સરખામણીએ 20 થી 25 ટકા સુધીનો સીધો વધારો નોંધાયો છે. ખર્ચ વધી જવાને કારણે ઘણી સોસાયટીઓને હવે પોતાના નાસ્તાના મેન્યૂમાં કાપ મૂકવાની અથવા આયોજનમાં ફેરફાર કરવાની નોબત આવી પડી છે.
ગરબા ગ્રાઉન્ડ સર્વિસમાં પણ ભાવવધારો
અમદાવાદની વિવિધ સોસાયટીના આયોજકોનું કહેવું છે કે માત્ર ફૂડ કે ઓરકેસ્ટ્રા જ નહીં, પરંતુ તમામ ગરબા ગ્રાઉન્ડ સર્વિસમાં પણ ભાવવધારો જોવા મળ્યો છે. વસ્ત્રાપુર વિસ્તારની એક સોસાયટીના પ્રમુખના જણાવ્યા મુજબ, મોંઘવારીને કારણે તેમની સોસાયટીના ગરબાના કુલ ખર્ચમાં આ વખતે સીધો રૂ. 3 લાખનો વધારો નોંધાયો છે. બીજી તરફ, આરોહિ કેસ્ટાના લોકેશ અગ્રવાલે જણાવ્યું હતું કે તેઓ દર વર્ષે નવરાત્રિ પર્વ પર અલગ-અલગ થીમ સાથે આયોજન કરે છે, પરંતુ આ વર્ષે વધેલા ખર્ચાને કારણે બજેટ મેનેજ કરવું એક મોટો પડકાર બની ગયો છે.











