Jio-bp એ પેટ્રોલના ભાવમાં ₹5 અને ડીઝલમાં ₹3 નો કર્યો તોતિંગ વધારો

રિલાયન્સ સમર્થિત Jio-bp દ્વારા પેટ્રોલના ભાવમાં ₹5 અને ડીઝલના ભાવમાં ₹3 પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે.

તહેવારોની મોસમ વચ્ચે સામાન્ય વાહનચાલકો અને મુસાફરો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને બ્રિટિશ પેટ્રોલિયમ (BP) ના સંયુક્ત સાહસ હેઠળ કાર્યરત અગ્રણી ખાનગી ઇંધણ કંપની ‘Jio-bp’ એ પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં મોટો વધારો કરવાની જાહેરાત કરી છે. કંપની દ્વારા પેટ્રોલના ભાવમાં સીધો ₹5 પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં ₹3 પ્રતિ લિટરનો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. આ નવા દરો સમગ્ર દેશભરમાં લાગુ કરી દેવામાં આવ્યા છે.

 Jio-bp ના પંપ પર ઇંધણ

આ ભાવવધારા બાદ Jio-bp ના પંપ પર ઇંધણ ભરાવવા માટે ગ્રાહકોએ વધુ કિંમત ચૂકવવી પડશે. અહેવાલો અનુસાર, પંજાબમાં હવે પેટ્રોલ આશરે ₹108.54 પ્રતિ લિટર અને ડીઝલ ₹99.19 પ્રતિ લિટર પહોંચી ગયું છે. તેવી જ રીતે હરિયાણામાં પેટ્રોલ ₹109.80 અને ડીઝલ ₹97.75 પ્રતિ લિટરના સ્તરે વેચાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ અન્ય અગ્રણી ખાનગી કંપની ‘નાયરા એનર્જી’ (Nayara Energy) એ પણ પેટ્રોલ અને ડીઝલમાં અનુક્રમે ₹5 અને ₹3 નો વધારો લાગુ કર્યો હતો.

 સરકારી કંપનીઓ હજુ સ્થિર

દેશભરમાં આશરે 2,227 જેટલા પેટ્રોલ પંપનું નેટવર્ક ધરાવતી Jio-bp કંપની દ્વારા ચાલુ વર્ષ દરમિયાન ઇંધણના ભાવમાં આ પ્રથમ મોટો વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ, દેશની સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (IOCL, BPCL, HPCL) દ્વારા હાલમાં પોતાના રિટેલ ભાવો સ્થિર રાખવામાં આવ્યા છે, જેથી સરકારી અને ખાનગી પંપ વચ્ચે કિંમતોમાં મોટો તફાવત સર્જાયો છે.

 ક્રૂડ ઓઇલમાં ઉછાળો કારણભૂત

ખાનગી ઓઇલ કંપનીઓ પર ભાવવધારાનું મુખ્ય દબાણ વૈશ્વિક બજારમાંથી આવ્યું છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને ‘હોર્મુઝની સામુદ્રધુની’ (Strait of Hormuz) દ્વારા તેલ પુરવઠામાં સર્જાયેલા અવરોધોને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના ભાવ ઊંચકાયા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વધતા ખર્ચ અને રિટેલ માર્જિન પર આવેલા દબાણને પહોંચી વળવા માટે ખાનગી કંપનીઓએ આ વધારો ગ્રાહકો પર પાસ કરવાની ફરજ પડી છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!