વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોના પાંચ દિવસીય પ્રવાસે રવાના, પ્રથમ સાયપ્રસ, પછી કેનેડામાં G-7 સમિટ અને અંતે ક્રોએશિયાની મુલાકાત લેશે, G-7 સમિટમાં PM મોદીની આ છઠ્ઠી વખતની ભાગીદારી.

નવી દિલ્હી, રવિવાર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ દેશોના મહત્વપૂર્ણ પ્રવાસે રવાના થયા છે, જે પાંચ દિવસ સુધી ચાલશે. આ પ્રવાસમાં તેઓ સાયપ્રસ, કેનેડા અને ક્રોએશિયાની મુલાકાત લેશે. આ પ્રવાસ ભારતની વિદેશ નીતિમાં એક નવો અધ્યાય ઉમેરશે, ખાસ કરીને સાયપ્રસ અને ક્રોએશિયા સાથેના સંબંધોમાં.
સાયપ્રસ સાથે સંબંધોનો નવો અધ્યાય
પ્રવાસની શરૂઆત PM મોદી 15 અને 16 જૂનના રોજ સાયપ્રસથી કરશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બે દાયકા બાદ કોઈ ભારતીય વડાપ્રધાન સાયપ્રસની મુલાકાત લઈ રહ્યા છે, જે આ મુલાકાતને ઐતિહાસિક બનાવે છે. PM મોદી સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડેસના આમંત્રણ પર ત્યાં જઈ રહ્યા છે. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવશે.
G-7 સમિટમાં છઠ્ઠી વાર હાજરી
સાયપ્રસ બાદ PM મોદી 16 અને 17 જૂનના રોજ કેનેડામાં રહેશે, જ્યાં તેઓ G-7 સમિટમાં ભાગ લેશે. PM મોદી કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીના આમંત્રણ પર આ સમિટમાં હાજરી આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ સતત છઠ્ઠી વખત હશે જ્યારે PM મોદી G-7 સમિટમાં ભાગ લેશે, જે વૈશ્વિક મંચ પર ભારતની વધતી ભૂમિકા દર્શાવે છે. સમિટ દરમિયાન, PM મોદી કેનેડિયન PM સહિત G-7 દેશોના અન્ય મોટા નેતાઓને મળશે અને વિવિધ વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે.
ક્રોએશિયાની ઐતિહાસિક મુલાકાત
કેનેડાથી પરત ફરતી વખતે, PM મોદી 18 જૂનના રોજ ક્રોએશિયાની મુલાકાત લેશે. આ મુલાકાત પણ ઘણી મહત્વની છે કારણ કે PM મોદી ક્રોએશિયાની સત્તાવાર મુલાકાતે જનારા પહેલા ભારતીય વડાપ્રધાન છે. આ પ્રવાસ દરમિયાન, PM મોદી ક્રોએશિયાના વડાપ્રધાન પ્લેનકોવિક સાથે દ્વિપક્ષીય બેઠક કરશે અને રાષ્ટ્રપતિ જોરાન મિલાનોવિકને પણ મળશે. આ મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોને નવા સ્તરે લઈ જશે.











