દહેગામ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ખેડા જિલ્લાના મહુધા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના એક ગુનાનો પર્દાફાશ કર્યો છે, જેમાં ₹10.09 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયો છે.

દહેગામ પોલીસે એક મોટા ચોરીના કેસને ઉકેલવામાં સફળતા મેળવી છે. મળતી માહિતી મુજબ, દહેગામ-હરસોલી ચોકડી નજીક પેટ્રોલિંગ કરી રહેલી સર્વેલન્સ ટીમને ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે સફેદ રંગની Ertiga કાર (GJ-07-DH-5101)ને અટકાવી હતી.
ઘટનાની વિગતો અને ઝડપાયેલ આરોપી
પોલીસે શંકાસ્પદ ઈસમની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, કાર અને ચાંદીના દાગીના ચોરીના ગુના સાથે સંકળાયેલા છે. આરોપી કાળા કપડાં પહેરીને દહેગામ તરફ મુદ્દામાલ વેચવા જઈ રહ્યો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
અર્ટિગા ગાડી: ₹10,00,000
ચાંદીના દાગીના: (જેમ કે સાંકળ, નાંગ, પાયલ, ચેઈન, પગ માછલી, વીંટી વગેરે) – કુલ કિંમત ₹9,450
કુલ મુદ્દામાલ: ₹10,09,450
દહેગામ પોલીસની પ્રશંસનીય કામગીરી
મહત્વનું છે કે, આ ચોરીનો કેસ મહુધા પોલીસ સ્ટેશન, ખેડા જિલ્લામાં નોંધાયેલ છે. આરોપી સામે BNS Act કલમ 303(2) અને 329 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે આ સફળ ઓપરેશન દહેગામ PI વી.બી. દેસાઈના નેતૃત્વ હેઠળ પાર પાડવામાં આવ્યું હતું. આ કામગીરીમાં ASI ઘનશ્યામસિંહ, કોન્સ્ટેબલ મોહનભાઈ, સચિનકુમાર, સોહલનસિંહ અને અન્ય પોલીસ કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમની આ પ્રશંસનીય કામગીરીને કારણે ચોરીનો મોટો કેસ ઉકેલી શકાયો છે.











