ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચ-IIએ સિવિલ હોસ્પિટલ વિસ્તારમાંથી ચોરાયેલી મોટરસાઇકલ સાથે ત્રણ આરોપીઓને પકડી પાડ્યા છે. આ સફળ કામગીરીથી વાહન ચોરીનો એક કેસ ઉકેલાઈ ગયો છે.

ગાંધીનગર: ગાંધીનગરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમસેટ્ટીના નિર્દેશ હેઠળ, એલ.સી.બી-2 (લોકલ ક્રાઇમ બ્રાન્ચ-2)ના અધિકારીઓએ વાહન ચોરી કરતી ગેંગને પકડવા માટે ખાસ યોજના બનાવી હતી.
એલ.સી.બી-2ના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી. પરમારના માર્ગદર્શન હેઠળ, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર બી.એચ. ઝાલા અને એન.બી. રાઠોડની ટીમોએ બાતમીદારો અને ટેકનિકલ મદદથી ચોરોની ઓળખ કરવાનું શરૂ કર્યું.
સોમવારે એટલે કે 16 જૂને, એલ.સી.બી-2ની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે એ.એસ.આઇ. નરેશકુમાર વિરજીભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ અનિલકુમાર પીથાભાઇને બાતમી મળી. તેમને જાણવા મળ્યું કે સેક્ટર-15માં આવેલી વાણિજ્ય કોલેજ પાસે ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓ નંબર પ્લેટ વગરની સ્પ્લેન્ડર મોટરસાઇકલ વેચવાનો પ્રયાસ કરી રહ્યા છે.
પોલીસે તુરંત કાર્યવાહી કરીને ત્રણેય શંકાસ્પદ આરોપીઓને મોટરસાઇકલ સાથે પકડી પાડ્યા. પૂછપરછ કરતા, તેમણે કબૂલ્યું કે તેમણે દસ-બાર દિવસ પહેલા સિવિલ હોસ્પિટલના ગેટ નંબર 3 પાસેથી આ મોટરસાઇકલની ચોરી કરી હતી. તપાસ કરતા જણાયું કે, આ બાઇક સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદમાં નોંધાયેલી હતી.
પકડાયેલા આરોપીઓનું નામ પ્રકાશસિંહ વિનુસિંહ પરમાર, સુનિલસિંહ હરદારસિંહ પરમાર, સંજય મનુભાઇ ચૌહાણ છે. આ સાથે પોલીસે ચોરાયેલી હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાઇકલ જપ્ત કરી છે. અને આ મામલે કાયદેસરની કાર્યવાહી કરીને વધુ તપાસ માટે કેસ સેક્ટર-7 પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.











