અમદાવાદમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી. વીજળીના ગગનભેદી કડાકા સાથે ભારે વરસાદે શહેરના નીચાણવાળા વિસ્તારો, ખાસ કરીને પૂર્વ અમદાવાદના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી કરી.

અમદાવાદ, ગુરૂવાર
Ahmedabad Rain Today Updates: ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ ગઈ છે અને મેઘરાજાએ બુધવારની રાત્રે અમદાવાદમાં ધમાકેદાર બેટિંગ કરી હતી. આખી રાત વીજળીના ડરામણા કડાકા-ભડાકા અને ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો, જેના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી.
મેઘરાજાની તોફાની બેટિંગ, પૂર્વ અમદાવાદ પાણી-પાણી
બુધવારે મોડી રાતથી શરૂ થયેલો વરસાદ આખી રાત અવિરત ચાલુ રહ્યો હતો. શહેરમાં જાણે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હોય એવો માહોલ સર્જાયો હતો. ખાસ કરીને શહેરના પૂર્વ વિસ્તારો જેવા કે નરોડા, ઓઢવ, વસ્ત્રાલ, અને બાપુનગરમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. સવારે કામ અર્થે નીકળેલા શહેરીજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘણા વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.
આજે સવારે પણ વરસાદી માહોલ
આખી રાત વરસાદે ધબધબાટી બોલાવ્યા બાદ આજે ગુરુવારે સવારથી પણ શહેરમાં વરસાદી માહોલ યથાવત છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ગમે ત્યારે ફરીથી ભારે વરસાદ તૂટી પડે તેવી પૂરી શક્યતા છે. સવારના સમયે પણ શહેરના કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ ચાલુ રહ્યો હતો, જેના કારણે ઓફિસ અને અન્ય કામે જતા લોકોને એલર્ટ રહેવાની ફરજ પડી છે.
હજુ ક્યાં ક્યાં વરસાદની શક્યતા?
હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી આગાહી મુજબ આગામી 24 કલાક દરમિયાન અમદાવાદ ઉપરાંત ઉત્તર અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગે પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, જામનગર, બોટાદ, દ્વારકા, ગીર સોમનાથ, અને ભાવનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી છે. આ જોતાં તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને જરૂર વગર ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે.











