કલોલના નારદીપુરમાં મોટી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, રુપિયા 19.70 લાખના મુદ્દામાલ સાથે 6 આરોપીઓ ઝડપાયા

પોલીસે નારદીપુર ગામ અને આસપાસના વિસ્તારોના સી.સી.ટી.વી. ફૂટેજની તપાસ કરી હતી. સાથે જ, ખાનગી બાતમીદારો અને મોબાઇલ ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરીને માહિતી એકઠી કરવામાં આવી હતી.

ગાંધીનગર જિલ્લામાં ઘરફોડ ચોરીના વધતા બનાવો વચ્ચે, કલોલ તાલુકાના નારદીપુર ગામમાં થયેલી એક મોટી ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી લેવામાં આવ્યો છે. ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB-1) અને કલોલ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ₹19.70 લાખના ચોરાયેલા મુદ્દામાલ સાથે 6 આરોપીઓની ધરપકડ કરી છે.

કેવી રીતે પકડાયા આરોપીઓ?
ગાંધીનગર રેન્જના વડા વીરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટીએ આવા ગુનાઓ શોધી કાઢવા માટે કડક સૂચનાઓ આપી હતી. આ સૂચનાના આધારે, LCB-1ના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી.વાળા અને કલોલ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર યુ.એસ.પટેલની આગેવાની હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે નારદીપુર ગામ અને આસપાસના વિસ્તારોના સી.સી.ટી.વી. ફૂટેજની તપાસ કરી હતી. સાથે જ, ખાનગી બાતમીદારો અને મોબાઇલ ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરીને માહિતી એકઠી કરવામાં આવી હતી.

18 જૂન, 2025ના રોજ પોલીસને ચોક્કસ બાતમી મળી કે નારદીપુરની ચોરી પિયુષ પ્રવીણભાઈ દાંતાણી, મમતા ડાભી અને શીતલ વાઘેલા (રહેવાસી પેથાપુર) તથા અન્ય લોકોએ ભેગા મળીને કરી છે. એટલું જ નહીં, આ ચોર ટોળકી ચોરી કરેલા માલનો ભાગ પાડવા માટે મમતા લાલસિંહ ડાભીના પેથાપુર સ્થિત ઘરે ભેગી થઈ છે.

₹19.70 લાખનો મુદ્દામાલ અને આરોપીઓની વિગતો
બાતમી મળતા જ પોલીસે દરોડો પાડીને 4 પુરુષો અને 2 મહિલાઓ સહિત કુલ 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ₹19,70,100/- નો વિશાળ મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે જેમાં શામેલ છે-

₹5,35,500/- રોકડ
48 નંગ યુ.એસ. ડોલર (આશરે ₹4,12,800/-)
₹9,17,800/- કિંમતની સોનાની બંગડીઓ અને તેના ટુકડા
ચાર મોબાઇલ ફોન (₹24,000/-)
એક CNG ઓટોરીક્ષા (₹80,000/-)

પકડાયેલા આરોપીઓના નામ

પિયુષ પ્રવીણભાઈ દાંતાણી (રહે. પેથાપુર)
મમતાબેન લાલસિંહ ડાભી (રહે. પેથાપુર)
શીતલબેન દશરથસિંહ વાઘેલા (રહે. પેથાપુર)
અજય ધર્મેશભાઈ દાંતાણી (રહે. ગાંધીનગર, સેક્ટર-28)
મેહુલ બળદેવભાઈ ઠાકોર (રહે. પેથાપુર)
આફતાબખાન અયૂબખાન પઠાણ (રહે. ગાંધીનગર, સેક્ટર-28)

ચોરી કેવી રીતે આચરવામાં આવી?
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી મમતા ડાભીનો નારદીપુરના જયમિન પટેલ નામના વ્યક્તિ સાથે લગભગ એક વર્ષથી પરિચય હતો. આ કારણે મમતા પટેલના ઘર અને ગામની બધી ભૌગોલિક જાણકારી ધરાવતી હતી. તેને એ પણ ખબર હતી કે ઘરમાં લોકરની ચાવીઓ, રોકડ અને સોનાના દાગીના ક્યાં રાખવામાં આવ્યા છે. આ માહિતીનો લાભ ઉઠાવીને, મમતા અને તેની બહેનપણી શીતલએ ચોરી કરવાનું કાવતરું ઘડ્યું. તેમણે તેમના ભાઈના મિત્ર પિયુષ દાંતાણીને આ યોજનામાં સામેલ કર્યો. પિયુષે તેના મિત્રો મેહુલ, અજય અને આફતાબખાનને પણ બોલાવ્યા. આ બધા આરોપીઓ રિક્ષામાં રાત્રીના સમયે નારદીપુર ગામ પહોંચ્યા અને આ મોટી ઘરફોડ ચોરીને અંજામ આપ્યો. હાલ તો, આ સફળ કામગીરી બદલ ગાંધીનગર જિલ્લા પોલીસની સરાહના થઈ રહી છે.

 

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!