મગોડી ગામમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, ગણતરીના દિવસોમાં જ એક આરોપીને ઝડપી પાડતી ગાંધીનગર એલસીબી

ચિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારના મગોડી ગામમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે. ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ગણતરીના દિવસોમાં જ એક આરોપીને ઝડપી પાડ્યો છે.

શું હતી ઘટના?
ગત 14 જૂન, 2025ના રોજ બપોરના 12.30 વાગ્યાથી 15 જૂન, 2025ના રોજ સવારના 6.30 વાગ્યાની વચ્ચે મગોડી ગામ, પ્રાથમિક શાળા પાછળ રહેતા પંકજકુમાર આદિતરામ પટેલના મકાનમાં ચોરી થઈ હતી. અજાણ્યા ચોરોએ ઘરના દરવાજાના તાળા તોડી, ઘરમાં પ્રવેશ કરી, તિજોરી તોડી તેમાંથી સોનાના દાગીના અને રોકડા ₹ 6,50,000ની ચોરી કરી હતી. આ અંગે ચિલોડા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા – 2023ની કલમ 305(એ), 331(3) અને 331(4) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

પોલીસની કાર્યવાહી
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ગાંધીનગર રેન્જના વડા વીરેન્દ્રસિંહ યાદવ અને ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ વાસમસેટ્ટીએ તાત્કાલિક ચોરને પકડવા અને ચોરાયેલો મુદ્દામાલ શોધી કાઢવા માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચને સૂચના આપી હતી. LCB-1 ના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી. વાળાના સીધા માર્ગદર્શન હેઠળ, પો.સ.ઇ. એચ.પી. સોલંકી અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સ (બાતમીદારો) દ્વારા તપાસ શરૂ કરી.

આરોપી ઝડપાયો
હ્યુમન સોર્સ દ્વારા પોલીસને બાતમી મળી કે, વડોદરા શહેરના ઇમામપુરા, ખારી તલાવડી ખાતે રહેતો અજયસિંહ દર્શનસિંહ સુધાણી (સિકલીગર) નામનો વ્યક્તિ આ ઘરફોડ ચોરીમાં સામેલ છે. આ બાતમીના આધારે, પો.સ.ઇ. એચ.પી. સોલંકી અને તેમની ટીમે આરોપીના રહેઠાણ પર તપાસ કરતા તે મળી આવ્યો હતો. પૂછપરછ દરમિયાન, અજયસિંહે મગોડી ગામમાં થયેલી ઘરફોડ ચોરી કર્યાની કબૂલાત કરી હતી.

પોલીસે આરોપી અજયસિંહ દર્શનસિંહ સુધાણી (સિકલીગર) ને તાત્કાલિક હસ્તગત કરીને વધુ તપાસ માટે ચિલોડા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી. વાળા (LCB-1), પોલીસ ઇન્સ્પેક્ટર આર.આર. પરમાર (ચિલોડા પો.સ્ટે.), પો.સ.ઇ. એચ.પી. સોલંકી (LCB-1) સહિત LCB-1 અને ચિલોડા પોલીસ સ્ટેશનના અન્ય પોલીસકર્મીઓ પણ જોડાયા હતા.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!