નેપાળમાં આ ગેસ ભંડારની શોધથી ઘરેલું ઊર્જા સ્ત્રોતોના દોહનની શક્યતાઓ ઘણી વધી ગઈ છે. ખોદકામ અભિયાન 11 મે, 2021 ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું અને તે 4,000 મીટરથી વધુની ઊંડાઈ સુધી પહોંચી ગયું હતું.

નેપાળ, શુક્રવાર
નેપાળ માટે એક અત્યંત ખુશીના સમાચાર સામે આવ્યા છે. દેશના પશ્ચિમ ભાગમાં મિથેન ગેસનો વિશાળ ભંડાર મળી આવ્યો છે. એક રિપોર્ટ અનુસાર, આ ગેસનો ભંડાર એટલો મોટો છે કે તે નેપાળની આગામી 50 વર્ષ સુધીની ગેસની જરૂરિયાતને સરળતાથી પૂરી કરી શકશે, જેનાથી દેશની આર્થિક સ્થિતિમાં ક્રાંતિકારી પરિવર્તન આવી શકે છે.
ક્યાં અને કેટલો મળ્યો ભંડાર?
આ વિશાળ ગેસ ભંડાર નેપાળના પશ્ચિમ ભાગમાં આવેલા દૈલેખ જિલ્લાના જલજલે વિસ્તારમાં મળ્યો છે. પ્રારંભિક અંદાજ મુજબ, આ ભંડાર આશરે 430 અબજ ક્યુબિક મીટર સુધીનો હોઈ શકે છે. આ રિપોર્ટ ચાઈના જીઓલોજિકલ સર્વે દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે આ શોધ 2019માં નેપાળ અને ચીન વચ્ચે થયેલા દ્વિપક્ષીય કરાર હેઠળ કરવામાં આવી છે.
ક્યારે શરૂ થઈ હતી ખોદકામની કામગીરી?
નેપાળમાં આ ગેસ ભંડારની શોધથી ઘરેલું ઊર્જા સ્ત્રોતોના દોહનની શક્યતાઓ ઘણી વધી ગઈ છે. ખોદકામ અભિયાન 11 મે, 2021 ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું અને તે 4,000 મીટરથી વધુની ઊંડાઈ સુધી પહોંચી ગયું હતું. આ ખોદકામમાં એક કુવામાં આશરે 1.12 અબજ ક્યુબિક મીટર મિથેન હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું.
હજુ માત્ર એક કુવાનો જ રિપોર્ટ!
નેપાળની સ્થાનિક સમાચાર એજન્સી “ગોર્ખાપત્ર’ અનુસાર, ખોદકામ અભિયાનમાં કુલ 4 કુવાઓને લક્ષ્યાંક બનાવવામાં આવ્યા છે. હાલમાં જે રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે તે માત્ર એક કુવામાંથી મળેલા પ્રારંભિક પરિણામો વિશે છે. આના પરથી કલ્પના કરી શકાય છે કે જો બાકીના કુવામાં પણ આવા જ પરિણામો મળે તો નેપાળ માટે આ ખરેખર અનમોલ ખજાનો સાબિત થશે.
નેપાળના અધિકારીઓ શું કહે છે?
નેપાળના ખાણ અને ભૂસ્તરશાસ્ત્ર વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર અને પેટ્રોલિયમ સંશોધન પ્રોજેક્ટના વડા દિનેશ કુમાર નાપિતે આ શોધ વિશે માહિતી આપતા જણાવ્યું કે, આ નેપાળમાં અત્યાર સુધીનું સૌથી ઊંડું અને આધુનિક એક્સપ્લોરેશન છે. મળી આવેલા ગેસ ભંડારની ગુણવત્તા અને આર્થિક ક્ષમતાના આંકલન માટે હાલમાં પરીક્ષણો ચાલી રહ્યા છે. આ શોધ નેપાળના ભવિષ્ય માટે અત્યંત આશાસ્પદ છે અને તે દેશને ઊર્જા સુરક્ષા પ્રદાન કરવા ઉપરાંત આર્થિક રીતે પણ મજબૂત બનાવવામાં મદદ કરશે.











