રખિયાલ વીજ કચેરીના ધાંધિયાથી ધારિસણાના ગ્રામજનો પરેશાન, સાંજે વીજળી ગુલ, મોડી રાત સુધી હાલાકી

છેલ્લા ચારેક દિવસથી વરસાદી વાતાવરણ છવાયેલું હોવાથી વીજ પુરવઠો બંધ થવાથી ગામના ભાગોળ અને છેવાડાના ખેતર વિસ્તારમાં રહેતા લોકોને ઝેરી જીવજંતુઓ કરડવાનો ભય સતાવી રહ્યો છે.

દહેગામ, શનિવાર
દહેગામ તાલુકાના રખિયાલ સબ-ડિવિઝન હેઠળ આવતા ગામડાઓમાં છેલ્લા કેટલાક સમયથી વીજળીની સમસ્યા માથાનો દુખાવો બની ગઈ છે. રખિયાલના ગ્રામજનો અને જીવરાજના મુવાડા તેમજ મોટાના મુવાડાના રહીશો દ્વારા થોડા દિવસો પહેલા વીજ કચેરી ખાતે હોબાળો કર્યા પછી પણ પરિસ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી. હવે, ધારિસણા ગામના લોકો પણ છેલ્લા એક સપ્તાહથી અનિયમિત વીજ પુરવઠાથી ત્રાસી ગયા છે અને વીજ કચેરી સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.

ધારિસણા ગામમાં વીજળીનો વારંવાર કટ
ધારિસણા ગામમાં છેલ્લા એક સપ્તાહથી વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ રહ્યો છે. ખાસ કરીને સાંજે 7 વાગ્યાથી વીજળી ગુલ થઈ જાય છે અને મોડી રાત સુધી પણ પાવર રિસ્ટોર થતો નથી. સાંજના સમયે વીજળી ન હોવાથી ગૃહિણીઓને રસોઈ બનાવવામાં અને ગ્રામજનોને ભોજન કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. એક તરફ ભયંકર ગરમી અને બફારો છે, ત્યારે વીજળીના અભાવે લોકોની હાલાકીમાં વધારો થયો છે.

વરસાદી માહોલ અને ઝેરી જીવજંતુઓનો ભય
છેલ્લા ચારેક દિવસથી વરસાદી વાતાવરણ છવાયેલું હોવાથી વીજ પુરવઠો બંધ થવાથી ગામના ભાગોળ અને છેવાડાના ખેતર વિસ્તારમાં રહેતા લોકોને ઝેરી જીવજંતુઓ કરડવાનો ભય સતાવી રહ્યો છે. અંધારામાં આવા જીવજંતુઓનો ખતરો વધી જાય છે, જે ગ્રામજનો માટે ચિંતાનો વિષય બન્યો છે.

વીજ કચેરીનો ગેરસંતોષકારક પ્રતિસાદ
વીજ પુરવઠો ખોરવાઈ જતાં ધારિસણાના ગ્રામજનો દ્વારા રખિયાલની વીજ કચેરી ખાતે ફોન કરવામાં આવે છે, પરંતુ તેમને સંતોષકારક જવાબ મળતો નથી. માત્ર “ફોલ્ટ થયો છે” તેવો રેડીમેડ જવાબ આપવામાં આવે છે. એટલું જ નહીં, ઘણીવાર તો ફરિયાદ માટેનો નંબર પણ બંધ કરી દેવામાં આવતો હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે.

વારંવારના વિરોધ પ્રદર્શન છતાં તંત્ર ઉદાસીન
થોડા દિવસો પહેલા રખિયાલના ગ્રામજનો તેમજ બે દિવસ અગાઉ જીવરાજના મુવાડા અને મોટાના મુવાડાના ગ્રામજનોએ પણ અનિયમિત વીજ પુરવઠાના મુદ્દે રખિયાલની વીજ કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો. તેમ છતાં, વીજ તંત્ર સતત વીજળી પુરવઠો પૂરો પાડવામાં ઉદાસીનતા દાખવી રહ્યું છે. આ વારંવારની સમસ્યાઓ અને લોકોના રોષ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી, જેના કારણે ગ્રામજનોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!