પેટાચૂંટણીના આ નિરાશાજનક પરિણામોની સીધી અસર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પર પડી છે. પક્ષના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તેમણે પરાજયની નૈતિક જવાબદારી સ્વીકારીને પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. તેમના રાજીનામાથી ગુજરાત કોંગ્રેસમાં એક મોટી હલચલ મચી ગઈ છે અને હવે પ્રદેશ કોંગ્રેસની કમાન કોના હાથમાં આવશે તે અંગે અટકળો શરૂ થઈ ગઈ છે.

અમદાવાદ, સોમવાર
ગુજરાતમાં યોજાયેલી કડી અને વિસાવદર વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામો બાદ ગુજરાત કોંગ્રેસમાં મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે. આ બંને બેઠકો પર કોંગ્રેસની કારમી હાર થતા, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે તેમના પદેથી રાજીનામું આપી દીધું છે. આ ઘટનાક્રમથી રાજ્યના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
શક્તિસિંહ ગોહિલે રાજીનામા બાદ યોજી પત્રકાર પરિષદ
રાજીનામું આપ્યા બાદ શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે જણાવ્યું કે, “હું કોંગ્રેસ પાર્ટીનો સિપાહી છું. આજે કડી અને વિસાવદરમાં અમને સફળતા નથી મળી. મને સતત મદદ કરવા બદલ કોંગ્રેસ અધ્યક્ષ ખડગે, રાહુલ ગાંધી, વેણુગોપાલ અને મુકુલ વાસનીકનો આભાર વ્યક્ત કરું છું. રાજીવજી અને સોનિયાજીએ આપેલું માર્ગદર્શન મારા માટે સૌથી મોટા આશીર્વાદ છે. પેટાચૂંટણીમાં પરાજયની નૈતિક જવાબદારી સ્વીકારી મેં ગણતરીના કલાકોમાં જ કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. હું હંમેશા કોંગ્રેસના કાર્યકર તરીકે કામ કરતો રહીશ.”ગોહિલે અંગ્રેજી કહેવત ટાંકતા કહ્યું કે, “ચેન્જ ઇઝ ધ ઓન્લી પરમનન્ટ ફીનોમિના” (આ દુનિયામાં કશું કાયમી નથી, માત્ર એક જ વસ્તુ કાયમી છે અને એ છે બદલાવ). તેમણે ઉમેર્યું કે આ વાતને સમજીને તેમણે જિલ્લા પ્રમુખોના બદલાવની પ્રક્રિયાને સ્વીકારી છે અને તે બદલાયેલા પ્રમુખોને નમન કર્યા હતા.
શૈલેષ પરમારને કાર્યકારી પ્રમુખ તરીકે જવાબદારી
શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદ, શૈલેષ પરમારને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ બદલાવ કોંગ્રેસ પક્ષમાં નવા નેતૃત્વની શરૂઆત સૂચવે છે, અને આગામી સમયમાં પક્ષની રણનીતિમાં શું ફેરફારો આવે છે તે જોવું રસપ્રદ રહેશે.
પેટાચૂંટણીના પરિણામો અને તેની અસર
આજે જાહેર થયેલા કડી અને વિસાવદર વિધાનસભા બેઠકોના પેટાચૂંટણીના પરિણામો કોંગ્રેસ માટે નિરાશાજનક રહ્યા છે.
કડી બેઠક- આ બેઠક પર ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો 38,904 મતોની પ્રભાવશાળી લીડ સાથે ભવ્ય વિજય થયો છે.
વિસાવદર બેઠક- આ બેઠક પર આમ આદમી પાર્ટી (AAP) ના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ 17, 581 મતોથી વિજય મેળવ્યો છે.
કોંગ્રેસની આ બંને બેઠકો પરની હારને શક્તિસિંહ ગોહિલના રાજીનામા પાછળનું મુખ્ય કારણ માનવામાં આવે છે. આ પરિણામોએ કોંગ્રેસના સંગઠન અને નેતૃત્વ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. હવે શૈલેષ પરમારના નેતૃત્વ હેઠળ કોંગ્રેસ ગુજરાતમાં પોતાની ખોવાયેલી જમીન પાછી મેળવી શકશે કે કેમ તે સમય જ કહેશે.











