આ વર્ષે રથયાત્રામાં પ્રથમવાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (A.I.)નો ઉપયોગ ક્રાઉડ એલર્ટ અને ફાયર એલર્ટ માટે કરવામાં આવશે. A.I. ની મદદથી ભીડનું સરળતાથી વ્યવસ્થાપન કરી શકાશે અને કોઈ અનિચ્છનીય ઘટના બનતી અટકાવી શકાશે.

અમદાવાદ, મંગળવાર
અમદાવાદમાં યોજાનારી 148મી ઐતિહાસિક જગન્નાથ રથયાત્રાને શાંતિપૂર્ણ અને સફળ બનાવવા માટે પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ અને પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં એક હાઇ લેવલ બેઠકમાં આયોજનની ઝીણવટપૂર્વક સમીક્ષા કરી હતી, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ પંકજ જોષી અને પોલીસ મહાનિદેશક વિકાસ સહાય સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વ્યાપક સુરક્ષા વ્યવસ્થા
રથયાત્રામાં આઈ.જી. કક્ષાના અધિકારીઓથી લઈને પોલીસકર્મીઓ મળીને કુલ 23,884 સુરક્ષા કર્મચારીઓ ફરજ પર રહેશે. આ દળોમાં SRP, ચેતક કમાન્ડો અને રેપિડ એક્શન ફોર્સની બટાલિયન્સ પણ સામેલ છે. 16 કિલોમીટરના રથયાત્રા રૂટ પર મુવિંગ બંદોબસ્ત દ્વારા યાત્રારથ, ટ્રકો, અખાડા, અને ભજન મંડળીઓની સુરક્ષા માટે 4500 જેટલા વધારાના પોલીસકર્મીઓ તૈનાત રહેશે.

ટેકનોલોજીનો ઉપયોગ
આ વર્ષે રથયાત્રામાં પ્રથમવાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (A.I.)નો ઉપયોગ ક્રાઉડ એલર્ટ અને ફાયર એલર્ટ માટે કરવામાં આવશે. A.I. ની મદદથી ભીડનું સરળતાથી વ્યવસ્થાપન કરી શકાશે અને કોઈ અનિચ્છનીય ઘટના બનતી અટકાવી શકાશે. આ ઉપરાંત, આગની ઘટના બને તો ફાયર બ્રિગેડ અને પોલીસને તાત્કાલિક એલર્ટ મળશે. ટ્રક અને અખાડાના વાહનોનું રિયલ ટાઈમ લોકેશન જાણવા માટે GPS સિસ્ટમ નો ઉપયોગ પણ કરાશે.

મોનિટરિંગ અને ટ્રાફિક વ્યવસ્થા
સમગ્ર રથયાત્રાનું લાઈવ મોનિટરિંગ 227 કેમેરા, 41 ડ્રોન, 2872 બોડીવોર્ન કેમેરા, 240 ધાબા પોઈન્ટ અને 25 વોચ ટાવર દ્વારા કરવામાં આવશે. ટ્રાફિક નિયમન માટે 1000 કર્મીઓ અને 23 જેટલી ક્રેઈનની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.
મુખ્યમંત્રીની તાકીદ અને જન સુવિધા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ કરીને 484 જેટલી જર્જરિત અને ભયજનક ઇમારતો-મકાનો પર પોલીસ દ્વારા ચેતવણી સૂચક બોર્ડ મૂકીને લોકો ત્યાં ન જાય તે સુનિશ્ચિત કરવા તાકીદ કરી હતી. ભક્તો અને શહેરીજનોની મદદ માટે યાત્રા દરમિયાન 17 જન સહાયતા કેન્દ્રો અને 44 પબ્લિક એડ્રેસ સિસ્ટમ કાર્યરત રહેશે.

કોમી સૌહાર્દ અને જનભાગીદારી
રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે શહેર પોલીસ તંત્ર દ્વારા શાંતિ સમિતિની 177, મહોલ્લા સમિતિની 235, અને મહિલા સમિતિની 57 બેઠકો સહિત વિવિધ ધર્મગુરુઓ, ખલાસી ભાઈઓ, અને અખાડા સંચાલકો સાથે કુલ 10 જેટલી બેઠકો યોજવામાં આવી હતી. આ ઉપરાંત, સામાજિક એકતાની ચેતના જગાવતા એકતા કપ ક્રિકેટ મેચ, વોલીબોલ ટુર્નામેન્ટ, મહેંદી સ્પર્ધા, અને બ્લડ ડોનેશન કેમ્પ જેવા કાર્યક્રમો પણ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જન ભાગીદારી, પોલીસ તંત્રની સતર્કતા અને સુરક્ષા પ્રતિબદ્ધતા સાથે આ રથયાત્રા સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થશે. રાજ્યભરમાં 213 થી વધુ સ્થળોએ યોજાતી રથયાત્રાઓ પણ શાંતિ અને સલામતી સાથે યોજાય તે માટે રાજ્ય પોલીસ વડાને જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે.











