ગાંધીનગરના વેપલા પર પોલીસનો સપાટો: XUV-500માંથી 13.97 લાખનો દારૂ ઝડપાયો

જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 1147 બોટલ/બિયર અને XUV-500 ગાડી સહિત કુલ રૂ. 13,97,920/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. નાસી છૂટનાર XUV-500 ગાડીના ચાલક વિરુદ્ધ પેથાપુર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન કલમ હેઠળ ગુનો નોંધાય છે.


ગાંધીનગર, મંગળવાર
ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચ-II દ્વારા પેથાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના આદરજ ગામ રેલવે ફાટક પાસેથી ફિલ્મી ઢબે પીછો કરીને એક XUV-500 ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં કુલ રૂ. 13,97,920/-નો મુદ્દામાલ જપ્ત કરીને પ્રોહિબિશનનો નોંધપાત્ર કેસ શોધી કાઢવામાં આવ્યો છે.

નાયબ પોલીસ મહાનિરીક્ષક, ગાંધીનગર વિભાગ, વિરેન્દ્રસિંહ યાદવની સૂચના અને પોલીસ અધિક્ષક, ગાંધીનગર જિલ્લા, રવિ તેજા વાસમશેટ્ટીના માર્ગદર્શન હેઠળ, જિલ્લામાં પ્રવેશતા માર્ગો પર બુટલેગરો દ્વારા થતી દારૂની ગેરકાયદેસર હેરાફેરી રોકવા માટે કડક પેટ્રોલીંગ અને વાહન ચેકિંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. એલ.સી.બી.-2 પો.ઇન્સ. એચ.પી. પરમારને આ પ્રવૃત્તિઓ ડામવા માટે જરૂરી તાકીદ અને સૂચન કરવામાં આવ્યા હતા.

આ અનુસંધાને, LCB-2 ના પો.ઇન્સ. એચ.પી. પરમારના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. કે.કે. પાટડીયા, પો.સ.ઇ. આર.જી. દેસાઈ, પો.સ.ઇ. બી.એચ. ઝાલા, અને પો.સ.ઇ. એન.બી. રાઠોડની ટીમોએ ખાનગી વાહનોમાં થતી દારૂની હેરાફેરીના કેસો શોધવા માટે ટેકનિકલ અને હ્યુમન સોર્સના માધ્યમથી માહિતી એકત્રિત કરી હતી.

આજ રોજ, એલ.સી.બી.-2ના એ.એસ.આઇ. નરેશભાઇ વિરજીભાઇ, અ.હે.કો. વિપુલકુમાર નાથુભાઇ, પો.કો. જયદીપસિંહ સહેન્દ્રસિંહ, પો.કો. જયસ્મીતરાજસિંહ મહેન્દ્રસિંહ, અને પો.કો. કુલદીપસિંહ નરેન્દ્રસિંહ પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન અ.હે.કો. વિપુલકુમાર નાથુભાઇ અને પો.કો. જયદીપસિંહ સહેન્દ્રસિંહ, પો.કો. જયસ્મીતરાજસિંહ મહેન્દ્રસિંહને સંયુક્ત રીતે ખાનગી રાહે માહિતી મળી હતી કે, એક પર્પલ કલરની XUV-500 ગાડી નંબર GJ-06-LE-5299માં વિદેશી દારૂનો જથ્થો ભરીને ગોજારીયા બાજુથી ઇટાદરા ચોકડી થઇને ગાંધીનગર જવાની છે. આ માહિતીના આધારે, ઇટાદરા ચોકડી પાસે રોડ પર ખાનગી વાહનની આડશ કરીને બાતમીવાળી ગાડીની નાકાબંધી ગોઠવવામાં આવી હતી.

જ્યારે બાતમીવાળી ગાડી ગોજારીયા તરફથી આવી, ત્યારે પોલીસે નાકાબંધી જોતા ગાડીના ચાલકે ગાડી ઉભી રાખી ન હતી અને ગાડી ભગાવી હતી. પોલીસે તેનો પીછો કરતા, ગાડીના ચાલકે ઇટાદરા ચોકડીથી ધેધુ ચોકડી, બાલવા ચોકડી, રાંધેજા ચોકડી, ગાંધીનગર ટાટા ચોકડી અને કોલવડા થઇને આદરજ ગામ રેલવે ફાટક પાસે ગાડી ગફલતભરી રીતે રોડની સાઇડમાં ઝાડ સાથે અથડાવીને અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યો હતો. ગાડીની તપાસ કરતા, તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો.

જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 1147 બોટલ/બિયર અને XUV-500 ગાડી સહિત કુલ રૂ. 13,97,920/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. નાસી છૂટનાર XUV-500 ગાડીના ચાલક વિરુદ્ધ પેથાપુર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન કલમ-65(એ)(ઇ), 98(2) તથા એમ.વી. એક્ટ 177,184 અને ભારતીય ન્યાય સંહિતા કલમ 281 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!