રાજ્ય સરકાર દ્વારા ચોમાસાની આ સ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત રાખવા અને કોઈપણ આફતનો સામનો કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

ગાંધીનગર, બુધવાર
ગુજરાતમાં ચોમાસાનો બરાબરનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસથી સારો વરસાદ વરસી રહ્યો છે અને આગામી સપ્તાહમાં પણ મધ્યમથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે.
રાજ્યના રાહત નિયામકના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચોમાસાની સ્થિતિ અને સંબંધિત વિભાગોની તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. IMDના અધિકારીઓએ વરસાદની વર્તમાન સ્થિતિ અને આગામી સપ્તાહની આગાહી વિશે માહિતી આપી હતી.
NDRF-SDRFની ટીમો જિલ્લા કક્ષાએ ડિપ્લોય
ભારે વરસાદને કારણે સર્જાતી કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની કુલ 34 ટીમો જિલ્લા કક્ષાએ ડિપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત, 2 ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે જેથી જરૂર પડ્યે તેમને તાત્કાલિક મોકલી શકાય.
15 જળાશયો હાઈએલર્ટ પર
રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ગુજરાતના કુલ 206 જળાશયો પૈકી 15 જળાશયો હાલમાં હાઈએલર્ટ પર છે. આ ઉપરાંત, 12 જળાશયો એલર્ટ પર અને 11 જળાશયો વોર્નિંગ પર છે. આ જળાશયો પર સતત નજર રાખવામાં આવી રહી છે.
GSRTCના રૂટ પ્રભાવિત, વૈકલ્પિક વ્યવસ્થા
વરસાદની અસરને કારણે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC)ના કેટલાક બસ રૂટ પણ પ્રભાવિત થયા છે. ખાસ કરીને સુરત અને ભરૂચ જિલ્લામાં કેટલાક રૂટ પર અસર જોવા મળી છે, જેના પગલે વૈકલ્પિક રૂટ શરૂ કરવામાં આવ્યા છે.
આ બેઠકમાં CWC-મહી અને તાપી ડિવિઝન, વન, આરોગ્ય, ઊર્જા, GSRTC, UDD, પંચાયત, પશુપાલન, ISRO, અને ફીશરીઝ વિભાગના નોડલ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સંબંધિત વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.











