વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5-6 જુલાઈના રોજ રિયો ડી જનેરિયોમાં યોજાનારા BRICS શિખર સંમેલનમાં ભાગ લેશે, જ્યાં આ મુદ્દો વધુ વિસ્તૃત રીતે ઉઠાવવામાં આવશે.

નવી દિલ્હી, ગુરૂવાર
ભારતે આંતરરાષ્ટ્રીય મંચ પર ફરી એકવાર પોતાનું કદ સાબિત કર્યું છે. હંમેશા તટસ્થ રહેતા ભારતે આ વખતે ઈરાન પર 13 જૂન, 2025થી થઈ રહેલા સૈન્ય હુમલાઓ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. BRICS સમૂહ સાથે મળીને ભારતે આ હુમલાઓને આંતરરાષ્ટ્રીય કાયદા અને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરનો ભંગ ગણાવ્યો છે. ભારતના આ વલણથી ઈરાન અત્યંત ખુશ છે, જ્યારે આખી દુનિયા આશ્ચર્યચકિત થઈ ગઈ છે.
શાંતિ અને ન્યાય માટે પ્રતિબદ્ધતા
એક રિપોર્ટ અનુસાર BRICS દેશો સાથે મળીને ભારતે ઈરાન પરના સૈન્ય હુમલાઓ પર ચિંતા વ્યક્ત કરી. ખાસ કરીને ફોર્ડો, ઈસ્ફહાન અને નતાંજ જેવા પરમાણુ ઠેકાણાઓ પર થયેલા હુમલાઓને ભારતે આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે. ભારતના આ પગલાથી માત્ર મધ્ય પૂર્વની સ્થિતિ પર જ તેનું વલણ સ્પષ્ટ નથી થતું, પરંતુ વૈશ્વિક શાંતિ માટે તેની પ્રતિબદ્ધતા પણ દુનિયાએ જોઈ છે. ભારતે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તે ખોટા સાથે ઊભું નથી.
ઈરાનનો આભાર અને BRICSનું સંયુક્ત નિવેદન
ભારતના આ વલણથી ઈરાન ખૂબ ખુશ છે. દિલ્હી સ્થિત ઈરાની દૂતાવાસે એક નિવેદન બહાર પાડીને ભારતના સ્વતંત્રતા પ્રેમી લોકો, રાજકીય પક્ષો, સાંસદો, સામાજિક કાર્યકરો, પત્રકારો અને ધાર્મિક નેતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. દૂતાવાસે જણાવ્યું કે ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા ઈરાન પર હુમલા થયા ત્યારે ભારતના લોકોના સમર્થન અને શાંતિ માટેના તેમના અવાજે ઈરાની લોકોનો જુસ્સો વધાર્યો.
BRICSના સંયુક્ત નિવેદનમાં જણાવાયું છે કે ઈરાન પર થયેલા સૈન્ય હુમલાઓએ મધ્ય પૂર્વમાં તણાવ વધાર્યો છે, જે વૈશ્વિક શાંતિ અને અર્થવ્યવસ્થા માટે જોખમ છે. નિવેદનમાં તમામ પક્ષોને વાતચીત અને કૂટનીતિ દ્વારા તણાવ ઘટાડવાની અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત, નાગરિકોના જાનમાલની રક્ષા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાનથી બચાવવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. BRICS એ મધ્ય પૂર્વમાં પરમાણુ હથિયારોથી મુક્ત ક્ષેત્ર બનાવવાની વાત પણ ફરી દોહરાવી છે.
ભારતનું સ્વતંત્ર વલણ અને વૈશ્વિક અસર
અગાઉ ભારતે શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) ના એક નિવેદનથી પોતાને અલગ રાખ્યું હતું, જેમાં ઈઝરાયેલના હુમલાઓની ટીકા કરાઈ હતી. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું હતું કે ભારતે SCO ના નિવેદન પર ચર્ચામાં ભાગ લીધો નથી અને તેનું વલણ 13 જૂનના રોજ જ સ્પષ્ટ કરી દેવાયું હતું. ભારતે ત્યારે પણ કૂટનીતિ અને વાતચીત દ્વારા શાંતિની હિમાયત કરી હતી.
BRICS જેવા આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું આ પ્રકારનું નિવેદન નવા ભારતની કહાણી દર્શાવે છે. BRICS ના નિવેદનમાં સામેલ થઈને ભારતે ઈરાન સાથે એકજૂટતા દર્શાવી છે અને દુનિયાને પણ બતાવ્યું છે કે તે શાંતિ અને આંતરરાષ્ટ્રીય કાયદા માટે કેટલું ગંભીર છે. ભારતના આ પગલાએ આખી દુનિયાને ચોંકાવી દીધી છે અને ભારતે ફરી એકવાર કૂટનીતિ દ્વારા પોતાની એક અલગ છાપ છોડી છે.











