ભારતના સંરક્ષણ મંત્રીએ જણાવ્યું કે, “આ પડકારોનો સામનો કરવા માટે નિર્ણાયક કાર્યવાહીની જરૂર છે અને આપણે આપણી સામૂહિક સુરક્ષા માટે આ દુષ્ટતા સામે એક થઈને લડવું પડશે.”

નવી દિલ્હી, ગુરૂવાર
ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે ચીનમાં યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આતંકવાદને પોષતા અને આતંકવાદીઓને ફંડિંગ કરતા દેશોને જવાબદાર ઠેરવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સિંહે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આતંકવાદ સામે લડવામાં ડબલ સ્ટાન્ડર્ડ અપનાવી શકાય નહીં.
રાજનાથ સિંહે પહેલગામ આતંકી હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેની રીત ભારતમાં લશ્કર-એ-તૈયબા દ્વારા અગાઉ કરવામાં આવેલા હુમલાઓ જેવી જ હતી. તેમણે SCO સભ્યોને આતંકવાદ સામે બેવડા ધોરણો અપનાવતા દેશોની ટીકા કરવામાં સંકોચ ન કરવા વિનંતી કરી હતી.
સિંહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, “આપણા પ્રદેશમાં સૌથી મોટા પડકારો શાંતિ, સુરક્ષા અને વિશ્વાસના અભાવથી સંબંધિત છે. અને આ સમસ્યાઓનું મૂળ કારણ વધતી કટ્ટરતા, ઉગ્રવાદ અને આતંકવાદ છે.” તેમણે ભારપૂર્વક કહ્યું કે શાંતિ અને સમૃદ્ધિ આતંકવાદ સાથે ચાલી શકે નહીં, ખાસ કરીને જ્યારે સામૂહિક વિનાશના હથિયારો બિન-સરકારી તત્વો અને આતંકવાદી જૂથોના હાથમાં હોય.
ભારતના સંરક્ષણ મંત્રીએ જણાવ્યું કે, “આ પડકારોનો સામનો કરવા માટે નિર્ણાયક કાર્યવાહીની જરૂર છે અને આપણે આપણી સામૂહિક સુરક્ષા માટે આ દુષ્ટતા સામે એક થઈને લડવું પડશે.” તેમણે ચેતવણી આપી હતી કે જેઓ પોતાના સ્વાર્થી ઉદ્દેશ્યો માટે આતંકવાદને સ્પોન્સર, પોષણ અને ઉપયોગ કરે છે તેમને તેના પરિણામો ભોગવવા પડશે.
રાજનાથ સિંહે પુનરોચ્ચાર કર્યો કે આતંકવાદ સામે લડવામાં કોઈ ડબલ સ્ટાન્ડર્ડ ન હોવા જોઈએ અને SCO એ આ ખતરા સામે બેવડા ધોરણો અપનાવતા દેશોની ટીકા કરવામાં સંકોચ ન કરવો જોઈએ. તેમણે ભારતની આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાની નીતિ પર ભાર મૂક્યો હતો. સિંહે વધુમાં જણાવ્યું હતું કે ભારત અફઘાનિસ્તાનમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતાના સમર્થનમાં પોતાની નીતિ પર અડગ રહ્યું છે.











