પેથાપુર ઓવરબ્રિજ વિવાદ: નાગરિકોનો વિરોધ, બ્રિજની જરૂર નથી, દબાણ હટાવવાથી ટ્રાફિક સમસ્યા હલ થશે

પેથાપુર ઓવરબ્રિજનો વિવાદ ગાંધીનગરના નાગરિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિકોનું માનવું છે કે, ટ્રાફિક સમસ્યાનું સમાધાન બ્રિજ નહીં, પરંતુ દબાણ દૂર કરવા અને રિંગ રોડ જેવા વૈકલ્પિક ઉકેલો દ્વારા શક્ય છે.

ગાંધીનગર, શુક્રવાર
ગાંધીનગરના પેથાપુર ચોકડી ખાતે 120 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજના નિર્માણને લઈ વિવાદ ઉભો થયો છે. સ્થાનિક નાગરિકો, વેપારીઓ અને આમ આદમી પાર્ટી (AAP)ના આગેવાનોનું કહેવું છે કે, બ્રિજની કોઈ જરૂર નથી અને ગેરકાયદેસર દબાણો દૂર કરીને ટ્રાફિક સમસ્યાનું સમાધાન થઈ શકે છે. આ મુદ્દે સ્થાનિકો દ્વારા રાજ્ય સરકારને બ્રિજ રદ કરવાની માગણી કરવામાં આવી છે.

નાગરિકોનો વિરોધ
પેથાપુરના આગેવાન અને AAP નેતા સૂર્યસિંહ ડાભીએ જણાવ્યું કે, પેથાપુર ચોકડી પર ટ્રાફિક જામની સમસ્યા ગેરકાયદેસર દબાણોને કારણે ઉભી થઈ છે. તેમણે રાજ્ય સરકાર અને ગાંધીનગર મહાનગરપાલિકા તેમજ ગુજરાત શહેરી વિકાસ પ્રાધિકરણ વચ્ચે સંકલનનો અભાવ હોવાનો આરોપ લગાવ્યો. “દબાણો દૂર કરીને 24 મીટર પહોળો રોડ બનાવવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા હલ થઈ શકે છે. 120 કરોડનો બ્રિજ બનાવવો એ નાણાંનો બિનજરૂરી વ્યય છે,” એમ તેમણે ઉમેર્યું.

પેથાપુરની ઓળખ ખતરામાં
સ્થાનિક ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું, “પેથાપુર એક ઐતિહાસિક રજવાડું રહ્યું છે. બ્રિજ બનવાથી આ ગામની ઓળખ નષ્ટ થઈ શકે છે. હાલમાં રોડ પહોળો કરવામાં આવ્યો છે, જેનાથી ટ્રાફિકની સમસ્યા ઘણી હદે ઘટી છે. બ્રિજની કોઈ જરૂર નથી.”

રિંગ રોડની માગ
સ્થાનિકોએ જણાવ્યું કે બ્રિજ બનાવવાને બદલે પેથાપુરની આસપાસ રિંગ રોડ બનાવવો જોઈએ. “રિંગ રોડ બનાવવાથી ભારે વાહનો શહેરની બહારથી પસાર થઈ શકે, જે ટ્રાફિકની સમસ્યાને કાયમી ધોરણે ઉકેલી શકે છે. હાલના બ્રિજનું બાંધકામ રોકાયેલું છે અને આ નાણાંનો વ્યય જ લાગે છે,” એમ તેમણે કહ્યું.

રાજ્ય સરકારને અપીલ
નાગરિકોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અપીલ કરી છે કે બ્રિજનું નિર્માણ રદ કરીને જનતાના નાણાં બચાવવામાં આવે. પેથાપુર ઓવરબ્રિજનો વિવાદ ગાંધીનગરના નાગરિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિકોનું માનવું છે કે, ટ્રાફિક સમસ્યાનું સમાધાન બ્રિજ નહીં, પરંતુ દબાણ દૂર કરવા અને રિંગ રોડ જેવા વૈકલ્પિક ઉકેલો દ્વારા શક્ય છે. આ મામલે સરકાર કયો નિર્ણય લે છે, તેના પર સૌની નજર રહેશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!