જે ત્રણેય ફોર્મેટ – ટેસ્ટ, ODI અને T20 માટે લાગુ પડશે : ચાલો, જાણીએ ICC દ્વારા ઘોષિત 6 મોટા ફેરફારો વિશે, જે આગામી આંતરરાષ્ટ્રીય મેચોમાં જોવા મળશે

મુંબઈ, શનિવાર
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા પુરુષોના ક્રિકેટમાં મહત્ત્વપૂર્ણ ફેરફારોની જાહેરાત કરવામાં આવી છે, જે ત્રણેય ફોર્મેટ – ટેસ્ટ, ODI અને T20 માટે લાગુ પડશે. આ ફેરફારોનો હેતુ ક્રિકેટને વધુ ન્યાયસંગત, સ્પષ્ટ અને સ્પોર્ટ્સમેનશિપ પર આધારિત બનાવવાનો છે.વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27 માટે નવા નિયમો હાલમાં જ લાગુ કરવામાં આવ્યા છે, જ્યારે ODI અને T20 ફોર્મેટ માટે 2 જુલાઈ 2025થી નવી ગાઇડલાઇન્સ અમલમાં આવશે. ચાલો, જાણીએ ICC દ્વારા ઘોષિત 6 મોટા ફેરફારો વિશે, જે આગામી આંતરરાષ્ટ્રીય મેચોમાં જોવા મળશે.
ICCના છ મોટા ફેરફારો
•ICCએ ટેસ્ટ ક્રિકેટમાં સ્ટોપ ક્લોક નિયમ લાગુ કર્યો છે. હવે જો ફિલ્ડિંગ ટીમ ઓવર શરૂ કરવામાં 60 સેકન્ડથી વધુ સમય લેશે, તો તેને બે વોર્નિંગ આપવામાં આવશે અને જો આ નિયમ તોડવામાં આવશે, તો દંડ તરીકે 5 રન કાપવામાં આવશે. આ નિયમ T20 અને ODI ક્રિકેટમાં પહેલાથી જ લાગુ છે.
નવા નિયમ હેઠળ, ત્રણેય ફોર્મેટમાં ટૂંકા રન લેવા બદલ પાંચ રન કાપવાનો દંડ લાદવામાં આવ્યો હતો. હવે, જો બેટર વધારાનો રન ચોરી કરવા માટે રન પૂર્ણ ન કરે, તો અમ્પાયર ફિલ્ડિંગ ટીમને પૂછશે કે તેઓ પીચ પર હાજર બે બેટરમાંથી કોને સ્ટ્રાઇક પર ઇચ્છે છે. પાંચ રન કાપવાનો નિયમ પણ લાગુ રહેશે.
•બોલ પર થૂંક લગાવવા પરનો પ્રતિબંધ યથાવત રહેશે, પરંતુ જો થૂંક આકસ્મિક રીતે બોલ પર લાગી જાય, તો તેને બદલવાની જરૂર રહેશે નહીં. અમ્પાયર ફક્ત ત્યારે જ બોલ બદલશે જ્યારે બોલ ભીનો હશે અથવા વધારાની ચમક હશે. આ નિર્ણય અમ્પાયર પર આધાર રાખે છે.
•જો કેચ આઉટનો રિવ્યૂ ખોટો હોય, પરંતુ બોલ પેડ પર અથડાતો હોય, તો LBWની પણ તપાસ કરવામાં આવશે. જો બેટર LBW આઉટ થાય છે, તો તેને આઉટ આપવામાં આવશે. આ નિયમ ત્રણેય ફોર્મેટમાં પણ લાગુ પડશે.
•ICCએ નો બોલ કેચ માટે પણ એક નવો નિયમ બનાવ્યો છે. જો નો બોલ પર કેચ સાચો હોય, તો બેટિંગ કરનારી ટીમને નો બોલ માટે એક વધારાનો રન મળશે. જો કેચ સાચો ન હોય, તો ટીમને નો બોલ માટે એક રન અને દોડીને બનાવેલા રન મળશે. આ નિયમ ત્રણેય ફોર્મેટમાં લાગુ પડશે.











