આ કરાર ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં એક નવો અધ્યાય રચાશે અને બંને દેશોની સંરક્ષણ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવવામાં મદદ કરશે.

નવી દિલ્હી, ગુરૂવાર
ભારત અને અમેરિકા વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત કરવા માટે એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. બંને દેશોએ આગામી 10 વર્ષ માટે મજબૂત લશ્કરી ભાગીદારીની જાહેરાત કરી છે. આ ડીલ ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથ વચ્ચે થઈ છે, જેનો મુખ્ય ઉદ્દેશ સંરક્ષણ અને વ્યૂહાત્મક સંબંધોને નવી દિશા આપવાનો છે.
પેન્ટાગોને કરી સત્તાવાર જાહેરાત
અમેરિકાના સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોન દ્વારા બુધવારે આ મહત્વપૂર્ણ સંરક્ષણ ભાગીદારીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત રાજનાથ સિંહ અને હેગસેથ વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતના એક દિવસ પછી આવી છે. પેન્ટાગોન દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે, “સચિવ હેગસેથ અને મંત્રી રાજનાથ સિંહે આ વર્ષે તેમની આગામી મુલાકાતમાં અમેરિકા-ભારત વચ્ચે આગામી 10 વર્ષનો સંરક્ષણ માળખા કરાર કરવા પર સહમતિ દર્શાવી છે.”
પેન્ટાગોન માટે ભારત ‘પ્રમુખ સંરક્ષણ ભાગીદાર’
પેન્ટાગોને ભારતને દક્ષિણ એશિયામાં અમેરિકાના પ્રમુખ સંરક્ષણ ભાગીદાર તરીકે પ્રાથમિકતા આપી છે. પેન્ટાગોન અનુસાર, બંને નેતાઓએ ફેબ્રુઆરી 2025માં તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં નિર્ધારિત સંરક્ષણ લક્ષ્યોની દિશામાં અત્યાર સુધી થયેલી “મહત્વપૂર્ણ પ્રગતિ”ની સમીક્ષા કરી.
રાજનાથ સિંહ અને હેગસેથ વચ્ચે શું વાત થઈ?
મંગળવારે થયેલી ટેલિફોનિક વાતચીત દરમિયાન, રાજનાથ સિંહે હેગસેથને તેજસ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) માટે GE F404 એન્જિનની સપ્લાયમાં ઝડપ લાવવા વિનંતી કરી હતી. આ વાતચીતથી પરિચિત સૂત્રોએ જણાવ્યું કે, સિંહે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને અમેરિકન કંપની GE એરોસ્પેસ વચ્ચે F414 જેટ એન્જિનના ભારતમાં સંયુક્ત ઉત્પાદન અંગેના પ્રસ્તાવિત કરારને વહેલી તકે અંતિમ સ્વરૂપ આપવાની પણ હિમાયત કરી. ઉલ્લેખનીય છે કે, GE એરોસ્પેસ દ્વારા F404 એન્જિનની સપ્લાયમાં વિલંબને કારણે HAL ને ભારતીય વાયુસેના માટે તેજસ માર્ક 1A વિમાનની ડિલિવરી સમયસર આપવામાં મુશ્કેલી પડી રહી છે.
પરસ્પર સહયોગથી લશ્કરી સંબંધોને મજબૂતી
ભારતીય પક્ષ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે સિંહ અને હેગસેથએ સંરક્ષણ ક્ષેત્રે લાંબા ગાળાના સહયોગ, તાલીમ, લશ્કરી આદાનપ્રદાન અને ઔદ્યોગિક ભાગીદારીના વિસ્તરણ જેવા વ્યાપક મુદ્દાઓ પર ચર્ચા કરી. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, “બંને નેતાઓએ આ વ્યૂહાત્મક અને પરસ્પર લાભદાયી ભાગીદારીને વધુ ગતિ આપવા પર સહમતિ દર્શાવી છે, જેમાં પરસ્પર સંચાલન ક્ષમતા, સંરક્ષણ સપ્લાય ચેઇનનું એકીકરણ, લોજિસ્ટિક્સ શેરિંગ, સંયુક્ત લશ્કરી કવાયતમાં વૃદ્ધિ અને સમાન વિચારધારા ધરાવતા દેશો સાથે સહયોગનો સમાવેશ થાય છે.”










