ગુજરાતમાં મેઘો અનરાધાર: દેવભૂમિ દ્વારકા અને કપરાડામાં સવા ચાર ઇંચથી વધુ વરસાદ!

રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો, હવામાન વિભાગની આગામી દિવસો માટે ભારે વરસાદની આગાહી

ગાંધીનગર, રવિવાર
ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે, જેના કારણે રાજ્યભરમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. શનિવારે માત્ર બે કલાકમાં જ રાજ્યના 177 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાંથી 65 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે.

ક્યાં કેટલો વરસાદ?
સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકામાં 4.45 ઇંચ નોંધાયો હતો, જ્યારે કપરાડામાં 4.21 ઇંચ વરસાદ વરસ્યો હતો. આ સિવાય, અન્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ થયો છે.

દ્વારકા: 4.45 ઇંચ

કપરાડા: 4.21 ઇંચ

જેતપુર પાવી: 3.9 ઇંચ

કલ્યાણપુર: 3.82 ઇંચ

વ્યારા અને ધરમપુર: 3.54 ઇંચ

ડોલવણ: 3.46 ઇંચ

વાંસદા: 3.43 ઇંચ

વઘઈ: 3.39 ઇંચ

ડાંગ-આહવા: 3.31 ઇંચ

ડેડિયાપાડા: 3.23 ઇંચ

વાપી અને સોનગઢ: 3.15 ઇંચ

અમદાવાદમાં પણ ધોધમાર
હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના એસજી હાઈવે, બોપલ, ઘુમા, આંબલી, પ્રહલાદનગર, આનંદનગર, વેજલપુર, બોડકદેવ, થલતેજ, ઇન્કમટેક્સ, વાડજ, ઉસ્માનપુરા, નિર્ણય નગર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. શહેરના પૂર્વ વિસ્તારોમાં પણ મોટાભાગે સારો વરસાદ વરસ્યો હતો.

આગામી 5 દિવસ માટે હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે તેવી આગાહી કરી છે. રવિવારે, 6 જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ, બોટાદ, ગીર સોમનાથ, આણંદ, ભરૂચ, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદનું યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હાલ એક સાઇક્લૉનિક સર્ક્યુલેશન ગુજરાત પરથી પસાર થઈ રહ્યું છે, જેના કારણે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીની ભારે આવક નોંધાઈ રહી છે, અને રાજ્યના જળાશયો તેમની કુલ ક્ષમતાના અડધા જેટલા ભરાઈ ચૂક્યા છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!