પોલીસે આવા છેતરપિંડી કરતા તત્વોથી સાવચેત રહેવા અને કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ કે પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરી છે.

ગાંધીનગર, રવિવાર
ગાંધીનગર પોલીસે સોનાના દાગીના ધોવાના બહાને લોકોને છેતરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગના ત્રણ સાગરિતોને ઝડપી પાડીને ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચે ત્રણ ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે.
ગાંધીનગર રેન્જના વડા વીરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટીના માર્ગદર્શન હેઠળ, વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે LCB-1, પોલીસ ઈન્સ્પેક્ટર ડી.બી.વાળાને ખાસ સૂચના આપવામાં આવી હતી.
આરોપીઓની શું હતી મોડસ ઓપરેન્ડી?
આરોપીઓ વિમ લિક્વિડના સેલ્સમેન તરીકે પોતાની ઓળખ આપતા હતા. તેઓ કહેતા કે કંપનીએ નવી પ્રોડક્ટ લોન્ચ કરી છે, જે વાસણોને નવા જેવા ચમકદાર બનાવી દે છે. તેઓ જૂના વાસણો લઈને વિમ લિક્વિડ અને ગેરૂ વડે તેને સાફ કરી, નવા જેવા ચમકદાર બનાવીને લોકોનો વિશ્વાસ જીતતા હતા. એકવાર વિશ્વાસ કેળવાઈ જાય, પછી તેઓ સોનાના દાગીના, ખાસ કરીને બંગડીઓ, પણ નવા જેવા ચમકદાર બનાવી આપવાનું કહીને મેળવી લેતા હતા. ત્યારબાદ, તેઓ પોતાની પાસે રહેલા કેમિકલ (એસિડ) વડે દાગીના સાફ કરવાના બહાને તેમાંથી સોનું ઓગાળી લેતા અને પ્રવાહી પોતાની સાથે લઈ જઈ છેતરપિંડી કરતા હતા.
ઝડપાયેલા આરોપીઓ
ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે LCB-1ના PSI એમ.એસ.રાણાના નેતૃત્વ હેઠળ ટીમોએ તપાસ હાથ ધરી હતી. સેક્ટર 24 ચોકડી પાસેથી ચોક્કસ બાતમીના આધારે, સેક્ટર 15, ફતેપુરા, કોલેજ રોડ, આહીર સમાજની વાડીના ખૂણા પાસેથી ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે:
જીતેન્દ્રકુમાર, ઉ.વ. 27, રહે. હરિનકોલ ગામ, થાના ધમદાહા, તા. ધમદાહા, જી. પુર્ણીયા, બિહાર
પંકજકુમાર , ઉ.વ. 32, રહે. હરિનકોલ ગામ, થાના ધમદાહા, તા. ધમદાહા, જી. પુર્ણીયા, બિહાર
અમિતકુમાર, ઉ.વ. 32, રહે. ગોવિન્દપુર કોસલી મોહલ્લા, વોર્ડ નં-3, મદરોની ગામ, થાના રંગરાચોક, તા. રંગરાચોક, જી. ભાગલપુર, બિહાર
જપ્ત કરાયેલો મુદ્દામાલ
પોલીસે આરોપીઓ પાસેથી કુલ 59,540/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં શામેલ છે:
TVS અપાચે બાઈક નંબર GJ-20-BG-5248, કિંમત 50,000/-
3 મોબાઈલ ફોન, કિંમત 9,000/-
વાસણ અને સોનાના દાગીના ધોવા માટેનું વિમ લિક્વિડ, ગેરૂ, એસિડ, ડબ્બા, બાઉલ, બ્રશ વગેરે સામગ્રી, કિંમત 540/-
આ આરોપીઓએ સેક્ટર 7 પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ-અલગ તારીખે અલગ-અલગ જગ્યાએ ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરી છે. તેમની સામે ભારતીય ન્યાય સંહિતા 2023 (BNS 2023)ની કલમ 316 (2), 318 (2), 54 મુજબ ત્રણ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.











