બિલના કારણે જ મસ્કે ટ્રમ્પનો સાથ છોડી દીધો છે, જેમના તેઓ અગાઉ પ્રખર સમર્થક હતા. તાજેતરમાં જ ટ્રમ્પે ધમકી આપી હતી કે તેઓ મસ્કની કંપનીઓને અમેરિકી સરકાર તરફથી મળતી અબજો ડોલરની સબસિડીમાં કાપ મૂકશે.

વોશિંગ્ટન, રવિવાર
Elon Musk America Party: ટેસ્લાના CEO અને અબજોપતિ એલન મસ્ક અમેરિકન રાજકારણમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. તેમણે અમેરિકાના સ્વતંત્રતા દિવસ, 4 જુલાઈના રોજ એક નવી રાજકીય પાર્ટી ‘અમેરિકા પાર્ટી’ના ગઠનની જાહેરાત કરી છે. મસ્કનો દાવો છે કે આ પાર્ટી અમેરિકન નાગરિકોને તેમની આઝાદી પાછી અપાવવા માટે બનાવવામાં આવી છે. આ જાહેરાતથી અમેરિકી રાજકારણમાં હલચલ મચી ગઈ છે, અને ખાસ કરીને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેનો તેમનો વિવાદ વધુ તીવ્ર બનશે તેવી અટકળો તેજ બની છે.
X પોલથી શરૂઆત
પાર્ટીના ઔપચારિક લોન્ચિંગ પહેલાં, મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર એક પોલ કર્યો હતો. આ પોલમાં તેમણે યુઝર્સને પૂછ્યું હતું કે, “શું તમે અમેરિકામાં એક નવી રાજકીય પાર્ટી ઈચ્છો છો? શું અમેરિકા પાર્ટી બનવી જોઈએ?” આ પોલમાં ભાગ લેનારા 65.4% યુઝર્સે ‘હા’ નો વિકલ્પ પસંદ કર્યો હતો, જ્યારે 34.6% યુઝર્સે ‘ના’ નો વિકલ્પ પસંદ કર્યો હતો.
આ પોલના પરિણામોને ધ્યાનમાં રાખીને, એલન મસ્કે ‘અમેરિકા પાર્ટી’ના ગઠનનું એલાન કર્યું. તેમણે કહ્યું કે, અમેરિકનોને તેમની આઝાદી પાછી આપવા માટે આ પાર્ટીની રચના કરવામાં આવી રહી છે. મસ્કે અમેરિકાના વર્તમાન રાજકીય દૃશ્યની આકરી ટીકા કરતા જણાવ્યું કે, ભલે દેશમાં બે મુખ્ય પાર્ટીઓ હોય, પરંતુ જ્યારે દેશને બરબાદી અને ભ્રષ્ટાચારથી દિવાળિયો બનાવવાની વાત આવે છે, ત્યારે આપણે લોકશાહીમાં નહીં, પરંતુ એક-પક્ષીય પ્રણાલીમાં જીવીએ છીએ.
ટ્રમ્પ સાથેનો વિવાદ અને નવો ટેક્સ બિલ
એલન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેનો સંબંધ છેલ્લા કેટલાક સમયથી તણાવપૂર્ણ રહ્યો છે. આ તણાવનું મુખ્ય કારણ અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા તાજેતરમાં પસાર કરવામાં આવેલો નવો ટેક્સ કટ અને સ્પેન્ડિંગ બિલ છે. ટ્રમ્પે આ બિલને ‘બિગ એન્ડ બ્યુટીફુલ’ ગણાવ્યો છે, જ્યારે મસ્કનું માનવું છે કે આ બિલ વિનાશકારી છે અને તે અમેરિકામાં લાખો નોકરીઓનો નાશ કરશે. મસ્કનો દાવો છે કે આ બિલ અમેરિકાનું ડેફિસિટ વધારશે અને તેને દિવાળિયું બનાવી દેશે.
આ બિલના કારણે જ મસ્કે ટ્રમ્પનો સાથ છોડી દીધો છે, જેમના તેઓ અગાઉ પ્રખર સમર્થક હતા. તાજેતરમાં જ ટ્રમ્પે ધમકી આપી હતી કે તેઓ મસ્કની કંપનીઓને અમેરિકી સરકાર તરફથી મળતી અબજો ડોલરની સબસિડીમાં કાપ મૂકશે. આ પરિસ્થિતિમાં, ‘અમેરિકા પાર્ટી’ના લોન્ચિંગથી ટ્રમ્પ અને મસ્ક વચ્ચેનો સંઘર્ષ વધુ ઉગ્ર બનવાની શક્યતા છે.
ભવિષ્યમાં શું?
એલન મસ્ક, જેમણે અગાઉ બંને મુખ્ય પક્ષો પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી, તેમણે હવે પોતાની પાર્ટી બનાવીને અમેરિકી રાજકારણમાં એક નવો વિકલ્પ પૂરો પાડવાનો પ્રયાસ કર્યો છે. ‘અમેરિકા પાર્ટી’ ભવિષ્યમાં કેવો પ્રભાવ પાડે છે અને તે અમેરિકી રાજકીય ઇકોસિસ્ટમમાં કેટલો બદલાવ લાવે છે તે જોવું રસપ્રદ રહેશે.











