આ ભવ્ય પ્રસંગે દહેગામ જૈન સંઘના દાદાવાડીમાં નૂતન ઉપાશ્રય ખાતે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના વિવિધ સંઘોમાંથી 100 જેટલા આમંત્રિત ગુરુ ભક્તો, પૂજ્યશ્રીના સાંસારિક પરિવારજનો અને 500થી વધુ ભાઈઓ-બહેનો આ શુભ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

દહેગામ, રવિવાર
દહેગામ નગરી આજે ભક્તિ અને ઉત્સાહના રંગે રંગાઈ ગઈ હતી, જ્યારે દહેગામના પનોતા પુત્ર અને જૈન શાસનના મહાન સંત, આચાર્ય પ્રસન્નચંદ્ર સાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબનું દહેગામમાં ભવ્ય પ્રવેશ સરઘસ યોજાયું હતું. પાલીતાણાથી ચાર મહિનાની ધર્મ આરાધના અને સાધના માટે દહેગામ પધારેલા પૂજ્ય ગુરુભગવંતના આગમનથી સમગ્ર જૈન સંઘમાં આનંદ છવાઈ ગયો હતો.

વલ્લભીપુર પાસે આવેલા અયોધ્યાપુરમ મહાતીર્થના સંસ્થાપક, પૂજ્ય આચાર્ય જિનચંદ્ર સાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન, આચાર્ય પ્રસન્નચંદ્ર સાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ, જેઓ દહેગામ પાસેના સામેત્રી ગામના વતની છે અને જિનશાસનના નવકાર મંત્રના ત્રીજા પદે બિરાજમાન છે, તેઓ શિલ્પ શાસ્ત્રના પણ મર્મજ્ઞ છે. તેમની સાથે સાધ્વીજી કલ્પદ્રુમા શ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણાનો પણ દહેગામના વિવિધ રાજમાર્ગો પરથી ભવ્ય શોભાયાત્રા સાથે પ્રવેશ કરાવાયો હતો.

આ ભવ્ય પ્રસંગે દહેગામ જૈન સંઘના દાદાવાડીમાં નૂતન ઉપાશ્રય ખાતે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના વિવિધ સંઘોમાંથી 100 જેટલા આમંત્રિત ગુરુ ભક્તો, પૂજ્યશ્રીના સાંસારિક પરિવારજનો અને 500થી વધુ ભાઈઓ-બહેનો આ શુભ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
આજના દિવસે ગુરુ ભગવંતે ઉપસ્થિત સૌને દરરોજ પ્રવચનમાં આવવા, જીવનમાં દરેક પ્રકારે સુખી થવા માટે ધર્મના માર્ગે આગળ વધવા અને આગામી ચાર મહિના દરમિયાન તપ, જપ, જ્ઞાન પ્રાપ્ત કરવાના માર્ગદર્શન માટે પ્રેરણા આપી હતી. તેમણે સૌ કોઈને આ ધાર્મિક કાર્યક્રમોમાં જોડાવા માટે પણ આહ્વાન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, દહેગામ જૈન સંઘમાં નવનિર્મિત આ નૂતન ઉપાશ્રયમાં સૌ પ્રથમ વખત ચાતુર્માસ થવા જઈ રહ્યું છે, જે સકલ જૈન સમાજ સંઘ માટે ગૌરવની વાત છે. આ શુભ અવસરે પધારેલા મહેમાનો, ગુરુભક્તો, તેમના પરિવારજનો અને દહેગામ જૈન સકલ સંઘના ભાઈઓ-બહેનો માટે સવારે નવકારશી અને બપોરના સમયે સ્વામી વાત્સલ્યનું આયોજન શ્રી સંઘ તરફથી કરવામાં આવ્યું હતું.

દહેગામ જૈન સંઘના પ્રમુખ શ્રી કમલભાઈ સુરેશભાઈ ચોકસીએ સૌ કોઈને આવકાર્યા હતા અને નૂતન ઉપાશ્રયના નિર્માણમાં તેમણે અને તેમની કમિટીએ દિવસ-રાત એક કરીને કરેલી મહેનતને યાદ કરી હતી. આ ભવ્ય ચાતુર્માસ દહેગામમાં આધ્યાત્મિક વાતાવરણને વધુ પ્રબળ બનાવશે અને ધર્મપ્રેમીઓ માટે એક વિશેષ અવસર બની રહેશે.











