ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા માટે ગાંધીનગરમાં ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી. આ બેઠકમાં NDPS કેસ, વ્યાજખોરો અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની રણનીતિ ઘડાઈ હતી.

ગાંધીનગર, બુધવાર
ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા માટે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યમાં ગુનાખોરી ડામવા અને નાગરિકોને સુરક્ષા પૂરી પાડવા માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.
NDPS કેસો પર વિશેષ ભાર
બેઠકમાં, સ્થાનિક સ્તરે NDPSએક્ટ હેઠળ કેસ નોંધવાની સૂચના આપવામાં આવી હતી. છેલ્લા 15 દિવસમાં NDPS એક્ટ હેઠળ 17 કેસ નોંધવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે નશાબંધીના કાયદાના અમલ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.

ગુજસીટોક હેઠળ કડક કાર્યવાહી
ગુજસીટોક અંતર્ગત પણ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા 5 મહિનામાં ગુજસીટોક હેઠળ 8 કેસ નોંધવામાં આવ્યા છે અને 77 આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
વ્યાજખોરો સામે લાલ આંખ
રાજ્યમાં વ્યાજખોરો સામેની લડાઈ હજુ પણ ચાલુ રહેશે તેમ મંત્રી સંઘવીએ જણાવ્યું હતું. જાન્યુઆરી 2024 થી મે 2025 દરમિયાન, 2487 વ્યાજખોરો વિરુદ્ધ 1054 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે 641 લોન મેળાનું આયોજન કરીને નાગરિકોને વ્યાજખોરોના ચુંગાલમાંથી મુક્ત થવામાં મદદ કરી છે. આ ઉપરાંત, FIR નોંધવામાં વિલંબ ન થાય અને અરજદારોને સિનિયર ઓફિસર્સ દ્વારા સંવેદનશીલતાપૂર્વક સાંભળવામાં આવે તેની ખાસ કાળજી રાખવા આદેશ આપવામાં આવ્યો છે.

અસામાજિક તત્વો સામે ઝુંબેશ
અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે એક વિસ્તૃત રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી.
જાન્યુઆરી 2024થી મે 2025 સુધીમાં, 582 ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા છે.
ગેરકાયદેસર વીજ જોડાણ ધરાવતા 1861 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
689 રીઢા ગુનેગારો સામે જામીન રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અસામાજિક તત્વોના બેંક એકાઉન્ટ્સની તપાસ કરીને 390 લોકો સામે ગેરકાયદેસર નાણાંકીય વ્યવહારો બદલ કડક કાર્યવાહી કરવામાં આવી છે.
હની ટ્રેપ કેસોમાં પણ કાર્યવાહી
જાન્યુઆરી 2024 થી 31મી મે 2025 દરમિયાન, હની ટ્રેપના 66 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે અને 296 આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
સમગ્ર બેઠકમાં, કાયદો અને વ્યવસ્થા જાળવવા, ગુનેગારોને ડામવા અને નાગરિકોને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા માટે પોલીસ દળને વધુ સક્રિય અને સંવેદનશીલ બનવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.











